મંડળી ગરબાની અનોખી રમઝટ: હજારો ખેલૈયાઓ પરંપરાગત ગરબાના રંગે રંગાયા
ખૈલૈયાઓને રાસોત્સવ સાથે સ્વાદના સંતોષનો 'ઓડકાર' આપતું ફાઈવ સ્ટાર કેટરીંગ
માર્ગી પટેલ, મિલન મહેર, જીગરદાન ગઢવી, શ્યામલ જાદવ, અનિતા શર્મા અને અલંકાર મોહતલિયાના સુરીલા કંઠેથી ખેલૈયાઓ થયા આફરીન
રાજકોટના રંગીલા આંગણે નવરાત્રીના રંગો ખીલી ઊઠ્યા છે ત્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા 'અબતક સુરભી રાસોત્સવ'માં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
નવરાત્રીના ઉત્સવમાં ભક્તિ, સંગીત અને પરંપરાનો અનોખો સંગમ સર્જતા રાસોત્સવમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખાસ કરીને પરંપરાગત મંડળી ગરબાની રમઝટે રાસોત્સવમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
'અબતક સુરભી રાસોત્સવ'માં જાણીતા ગાયક કલાકારો માર્ગી પટેલ, મિલન મહેર, જીગરદાન ગઢવી, શ્યામલ જાદવ, અનિતા શર્મા અને અલંકાર મોહતલિયાએ પોતાના સુરીલા કંઠે સંગીતની મહેફિલ જમાવી હતી. કલાકારોની મનમોહક રજૂઆત અને તાલબદ્ધ સંગીતના સથવારે ખેલૈયાઓ ગરબાના રંગે રંગાયા હતા. માતાજીની આરાધના સાથે શરૂ થયેલા રાસોત્સવમાં નાના બાળકોથી લઈને યુવાનો અને મોટેરાઓ સુધીના ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાસોત્સવના મેદાનમાં હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ, આકર્ષક લાઈટિંગ અને આધુનિક ટેકનોલોજીના સમન્વયે ઉત્સવનો માહોલ વધુ રંગીન બન્યો હતો. પરંપરાગત વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓના તાલબદ્ધ પગલાં અને સંગીતના સૂરથી સમગ્ર ગ્રાઉન્ડ ગરબામય બની ગયું હતું. ખેલૈયાઓ સતત ચાર કલાક સુધી ગરબે ઘૂમ્યા હતા અને કાર્યક્રમના અંત સુધી તેમનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો.
'અબતક સુરભી રાસોત્સવ'માં મંડળી ગરબાની વિશેષ રજૂઆત ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંપરાગત ગુજરાતી ગરબા સંસ્કૃતિની આગવી ઓળખ સમી મંડળી ગરબાની રમઝટમાં ખેલૈયાઓએ મન મૂકીને ભાગ લીધો હતો. સંગીતના તાલે એકસાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની જૂની યાદોને તાજી કરી હતી. આધુનિક સંગીત અને ભવ્ય આયોજન વચ્ચે પરંપરાગત ગરબા શૈલીની આ રજૂઆતથી રાસોત્સવમાં અનોખી રંગત જોવા મળી હતી.રાસોત્સવમાં માત્ર સંગીત અને ગરબાની જમાવટ જ નહીં, પરંતુ પારિવારિક વાતાવરણ અને સુવ્યવસ્થિત આયોજન પણ લોકો માટે વિશેષ આકર્ષણ બની રહ્યાં છે. સુરક્ષા વ્યવસ્થા, બેઠકની સુવિધા, ખેલૈયાઓ માટે વિશાળ મેદાન અને આકર્ષક કેન્ટીન વ્યવસ્થાને કારણે નગરજનો પરિવાર સાથે નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે.
રોશનીની સુંદર ગોઠવણ, ખ્યાતનામ કલાકારોની સંગીતમય રજૂઆત અને ખેલૈયાઓના ઉત્સાહે 'અબતક સુરભી રાસોત્સવ'ની રોનકમાં વધારો કર્યો છે. ભક્તિભાવ, ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક આયોજનના સમન્વય સાથે આ રાસોત્સવ રાજકોટના નવરાત્રી મહોત્સવમાં વિશેષ સ્થાન મેળવી રહ્યો છે.

