સવારે 8.30 કલાકે 11 પંચવ્રતધારી સંત-સતીજીઓ સાથે સ્થાનકવાસી જૈન મોટા સંઘ પૌષધશાળામાં પધરામણી
સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ, સંયમ અને સાધનાના સમ્રાટ પૂજ્ય આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી અષ્ટમંગલ ચાતુર્માસ-2026 નિમિત્તે આવતીકાલે તા. 3 જુલાઈ, 2026 (શુક્રવાર)ના રોજ રાજકોટમાં ભવ્ય નગરપ્રવેશ કરશે. આ અવસરે શહેરમાં ધર્મમય વાતાવરણ સર્જાશે.
સવારે 7:15 વાગ્યે ભાવનગર રોડ પર આવેલા 'મહાવીર ઇમિટેશન જ્વેલરી' શો-રૂમ પાસેથી સ્વાગતયાત્રાનો પ્રારંભ થશે. આ ધર્મયાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ સવારે અંદાજે 8:30 વાગ્યે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘની વિરાણી પૌષધ શાળા ખાતે પહોંચશે, જ્યાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આચાર્ય ભાવચંદ્રજી સ્વામી સાથે વિમલચંદ્રજી સ્વામી, ડો. ચિંતનચંદ્રજી સ્વામી, વિવેકચંદ્રજી સ્વામી, ગૌતમચંદ્રજી સ્વામી, અરિહંતચંદ્રજી સ્વામી, દર્શનચંદ્રજી સ્વામી, વર્ધમાનચંદ્રજી સ્વામી સહિત કુલ આઠ સાધુ ભગવંતો તેમજ ભદ્રતાજી મહાસતીજી, ઓમકારશ્રીજી મહાસતીજી અને ઉજાસશ્રીજી મહાસતીજી સહિત કુલ 11 પંચવ્રતધારી આત્માઓ રાજકોટમાં ચાતુર્માસ અર્થે પધારી રહ્યા છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે વર્ષ 2011માં સંઘવી પરિવારની ઐતિહાસિક સામૂહિક દીક્ષા બાદ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી પ્રથમ વખત રાજકોટ પધારી રહ્યા છે. વર્ષ 2011ની વસંત પંચમીના પાવન દિવસે સંઘવી પરિવારના પિતા-પુત્ર અને માતા-પુત્રી સહિત ચાર સભ્યોએ એકસાથે સંયમ જીવન સ્વીકાર્યું હતું. સંયમ ગ્રહણ બાદ તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હોવાથી સંઘવી પરિવાર અને ગુરુભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નગરપ્રવેશ દરમિયાન ડુંગર વીર મહા મહિલા મંડળ, પરમ ડુંગર વીર મહા મહિલા મંડળ અને કંકુ મહિલા મંડળની બહેનો દ્વારા મંગલકળશ, અષ્ટમંગલ, શુભ પ્રતિકો, ધર્મધ્વજ, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, નૃત્ય અને જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
રાજકોટના ચારેય ફિરકાના જૈન સંઘો, મહિલા મંડળો, સમાજના આગેવાનો, બાળકો અને મોટી સંખ્યામાં ભાવિકો આ ધર્મયાત્રામાં જોડાઈ પૂજ્ય આચાર્ય શ્રીનું ભાવભીનું સ્વાગત કરશે. શ્રી સંઘ દ્વારા તમામ ભાવિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન, વંદન અને ધર્મવાણીનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ચાતુર્માસ દરમિયાન આચાર્યના સાનિધ્યમાં ધાર્મિક પ્રવચનો, આરાધના, પ્રતિક્રમણ, તપ-ત્યાગ, યુવાવર્ગ અને મહિલાઓ માટે વિશેષ ધાર્મિક માર્ગદર્શન તેમજ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના લાભ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટના ચારેય ફિરકાના જૈન સંઘો, મહિલા મંડળો, સમાજના આગેવાનો, બાળકો અને મોટી સંખ્યામાં ભાવિકો આ ધર્મયાત્રામાં જોડાઈ પૂજ્ય આચાર્ય શ્રીનું ભાવભીનું સ્વાગત કરશે. શ્રી સંઘ દ્વારા તમામ ભાવિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન, વંદન અને ધર્મવાણીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

