અમેરિકામાં સ્થાયી થવા માંગતા અથવા ત્યાં નોકરી કરવા માંગતા ભારતીયો (NRI) માટે એક મહત્વના સમાચાર છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા H-1B વિઝા અને ગ્રીન કાર્ડની અરજી પ્રક્રિયામાં સહી (Signature) ને લઈને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે એક નાની ભૂલ પણ તમારી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે અને તમારી વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે.
શું છે નવો નિયમ?
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ સહી બાબતે એક નવો વચગાળાનો નિયમ જારી કર્યો છે. આ નિયમ હેઠળ, જો ઇમિગ્રેશન અધિકારીઓને વિઝા અરજી પરની સહી અમાન્ય, ખોટી અથવા શંકાસ્પદ લાગશે, તો તેઓ કોઈપણ નોટિસ આપ્યા વગર તાત્કાલિક અરજીને નકારી શકે છે. અગાઉ સહીમાં ભૂલ હોય તો સુધારવાની તક મળતી હતી, પરંતુ હવે તે લવચીકતા ઓછી કરી દેવામાં આવી છે આ નિયમ 10 જુલાઈ, 2026 થી સંપૂર્ણપણે અમલમાં આવશે જોકે, નિષ્ણાતો અત્યારથી જ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
સહી માટે શું માન્ય રહેશે?
• હસ્તલિખિત સહી (Wet Ink Signature): કાગળ પર પેનથી કરેલી મૂળ સહી સૌથી વધુ વિશ્વસનીય અને માન્ય ગણાય છે.
• સ્કેન કરેલી નકલ: પેનથી સહી કરેલા અસલ દસ્તાવેજની સ્કેન કરેલી નકલ પણ સ્વીકારવામાં આવશે.
• ફેક્સ અથવા ફોટોકોપી: મૂળ સહી કરેલા દસ્તાવેજોના ફેક્સ અથવા ફોટોકોપી કરેલા વર્ઝન સ્વીકાર્ય છે. ચોક્કસ ઇલેક્ટ્રોનિક સહી: માત્ર USCIS દ્વારા અધિકૃત ઓનલાઈન ફાઈલિંગ પ્લેટફોર્મ પર જ ઇલેક્ટ્રોનિક સહી માન્ય રહેશે. શું ભૂલ ન કરવી? જો તમે નીચે મુજબની રીતે સહી કરશો તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે:
• કોપી-પેસ્ટ સહી: ઈમેજ તરીકે સહીને ડોક્યુમેન્ટમાં કોપી-પેસ્ટ કરવી હવે નહીં ચાલે.
• ડિજિટલ જનરેટેડ સહી: સોફ્ટવેર કે એપ દ્વારા તૈયાર કરેલી ડિજિટલ સહીઓ (જેમ કે DocuSign, જો તે અધિકૃત ન હોય તો) સ્વીકારવામાં આવશે નહીં.
• સહીનો સિક્કો (Stamp): સહીના બદલે સ્ટેમ્પનો ઉપયોગ પ્રતિબંધિત છે.અન્ય દ્વારા સહી: અરજદારના બદલે તેના વકીલ અથવા અન્ય કોઈ વ્યક્તિ સહી કરી શકશે નહીં.
• ટાઈપ કરેલું નામ: સહીના ખાનામાં નામ ટાઈપ કરવું તે સહી ગણાશે નહીં.
અરજી રિજેક્ટ થવાના પરિણામો
1. ફીનું નુકસાન: USCIS તમારી અરજી ફી પરત કર્યા વગર અરજી ફગાવી શકે છે. ફરીથી અરજી કરવા માટે ફરીથી હજારો ડોલર ફી ભરવી પડશે.
2. ડેડલાઇન ચૂકી જવી: H-1B જેવી પ્રક્રિયામાં ચોક્કસ સમયમર્યાદા હોય છે. જો સહીના કારણે અરજી રિજેક્ટ થાય, તો તમે તે વર્ષની તક ગુમાવી શકો છો.
3. ગ્રીન કાર્ડમાં વિલંબ: ગ્રીન કાર્ડની પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી હોય છે, તેમાં એક રિજેક્શન તમારી પ્રતીક્ષાને વધુ લાંબી બનાવી શકે છે.
નિષ્ણાતોની સલાહ
NRI અને H-1B અરજદારોએ હંમેશા ફોર્મ સબમિટ કરતા પહેલા ખાતરી કરવી જોઈએ કે દરેક સહી જાતે પેનથી કરવામાં આવી હોય. જો તમે સ્કેન કોપી મોકલી રહ્યા હોવ, તો અસલ સહી વાળો કાગળ હંમેશા તમારી પાસે સુરક્ષિત રાખવો, જેથી જરૂર પડ્યે તેને રજૂ કરી શકાય.
આ નાનકડી લાગતી બાબત તમારી વિદેશ જવાની કે ત્યાં સ્થાયી થવાની તક નક્કી કરી શકે છે, તેથી સહી બાબતે જરા પણ બેદરકારી ન રાખશો.

