Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકાએ વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ ભંડાર પર નિયંત્રણ મેળવ્યું

અમેરિકાએ વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ ભંડાર પર નિયંત્રણ મેળવ્યું

અબતક 3 weeks ago

વિશ્ર્વના ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ

વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ સાથે કરાર : અમેરિકામાં હવે પેટ્રોલના ભાવ ઉપરનું દબાણ ઘટશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે અમેરિકાએ વેનેઝુએલા સાથે એક ઐતિહાસિક ઓઇલ ડીલ કરી છે. આ કરાર હેઠળ અમેરિકાને દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ ભંડાર પર સીધું નિયંત્રણ મળશે.

સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતા ટ્રમ્પે તેને “વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ” ગણાવી હતી. આ કરાર અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ અને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ વચ્ચેની લાંબી વાટાઘાટો બાદ નક્કી કરવામાં આવ્યો છે.

આ ઐતિહાસિક ઓઇલ ડીલની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે લગભગ 9 મહિના પહેલા અમેરિકન સૈન્યએ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર વેનેઝુએલાના તત્કાલિન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે એક ખાસ ઓપરેશન પાર પાડ્યું હતું. માદુરોને અમેરિકામાં લાવવામાં આવ્યા છે અને તેમની પર નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ હેરફેરના ગંભીર ફેડરલ આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે. જાન્યુઆરીમાં માદુરોને સત્તા પરથી હટાવ્યા બાદ તરત જ ટ્રમ્પે અમેરિકન ઓઇલ કંપનીઓને વેનેઝુએલામાં પાછી લાવવા અંગેની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી.

અમેરિકા માટે આ કરાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં ટ્રમ્પ પ્રશાસન સ્થાનિક સ્તરે મોંઘા પેટ્રોલના ભાવને કારણે ભારે દબાણનો સામનો કરી રહ્યું છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને 6 મહિના વીતી ગયા હોવા છતાં તેનો કોઈ અંત દેખાતો નથી, જેના કારણે ઉર્જા પુરવઠા અંગે ચિંતાઓ વધી છે. ઉર્જા સંકટને પહોંચી વળવા માટે અમેરિકા તેના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારનો ઉપયોગ કરી રહ્યું છે. ઓગસ્ટની શરૂઆતમાં આ ભંડાર 300 મિલિયન બેરલથી નીચે આવી ગયો હતો, જે વર્ષ 2026 ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 100 મિલિયન બેરલનો જંગી ઘટાડો દર્શાવે છે.

વેનેઝુએલા વિશ્વના સૌથી મોટા ઓઇલ ભંડાર ધરાવતા દેશોમાંનો એક છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન મુજબ, વેનેઝુએલા પાસે અંદાજિત 303 અબજ બેરલ ક્રૂડ ઓઇલનો ભંડાર છે, જે વૈશ્વિક ઓઇલ ભંડારના લગભગ 17% જેટલો થાય છે. વેનેઝુએલાનું મોટાભાગનું ઓઇલ પહેલેથી જ મેપ થયેલું છે, જેથી નવી કંપનીઓને ભંડાર શોધવાની કોઈ મથામણ કરવાની રહેતી નથી. જોકે, વર્ષોથી ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેશ આ ભંડારને ઉત્પાદનમાં ફેરવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને અત્યારે વિશ્વના કુલ ઓઇલ ઉત્પાદનમાં તેનો હિસ્સો માત્ર 1% જેટલો જ છે.

માદુરોનું પતન થતા જ ઓઇલ માટે વેનેઝુએલાના દરવાજા ખુલ્યા

નિકોલસ માદુરોના શાસન દરમિયાન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝની નીતિઓને કારણે અમેરિકન ઓઇલ કંપનીઓ માટે વેનેઝુએલાના દરવાજા લગભગ બંધ થઈ ગયા હતા. વિદેશી અને અમેરિકન સંપત્તિઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. જોકે, અમેરિકન મિલિટરી ઓપરેશન બાદ માદુરોની ધરપકડ અને ત્યાં થયેલા સત્તા પરિવર્તનને કારણે અમેરિકાએ પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે ફરીથી વેનેઝુએલામાં પગપેસારો કરવાની શાનદાર તક ઝડપી લીધી છે. અમેરિકાની આ આક્રમક કૂટનીતિના કારણે હવે તેમના દેશની ઓઇલ કંપનીઓ ફરીથી વૈશ્વિક સ્તરે પોતાનો દબદબો જાળવી શકશે.

યુદ્ધ વચ્ચે પણ ઉર્જા સંકટ નિવારવા અમેરિકાની વ્યૂહરચના

સતત વધી રહેલા પેટ્રોલના ભાવ અને મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના લાંબા યુદ્ધને કારણે અમેરિકાનું એનર્જી રિઝર્વ ઝડપથી ઘટી રહ્યું હતું. વર્ષ 2026 માં રિઝર્વ 300 મિલિયન બેરલની અંદર પહોંચી જતાં ટ્રમ્પ સરકાર માટે નવી ઉર્જા નીતિ શોધવી અનિવાર્ય બની ગઈ હતી અને ચૂંટણીના વર્ષમાં આ મુદ્દો ભારે પડી શકે તેમ હતો. વેનેઝુએલાના 303 અબજ બેરલના વિશાળ ભંડારમાંથી 65 અબજ બેરલનો સીધો એક્સેસ મેળવીને અમેરિકાએ પોતાના ભવિષ્યના ઉર્જા સંકટનો એક લાંબા ગાળાનો અને અત્યંત પ્રભાવશાળી ઉકેલ શોધી કાઢ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak