ભારત સહિત 60 દેશો પર 12.5 ટકા સુધીનો નવો ટેરિફ લાદતા ભડકો: નિર્ણયને ગેરકાયદે ગણાવી રાજ્યો યુ.એસ. કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં પહોંચ્યા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત વિશ્વના 60 જેટલા દેશો પર લાદવામાં આવેલા નવા આયાત શુલ્ક (ટેરિફ) સામે ખુદ અમેરિકાના જ રાજ્યોએ મોરચો માંડ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે લાદેલા 10 ટકાથી 12.5 ટકા સુધીના નવા ટેરિફને ગેરકાયદેસર ગણાવીને અમેરિકાના 25 રાજ્યો અને ગવર્નરોએ યુ.એસ.
કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં દાવો દાખલ કર્યો છે.
રાજ્યોનો આરોપ છે કે ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં યુ.એસ. સુપ્રિમ કોર્ટે ટ્રમ્પ સરકારના અગાઉના ટેરિફ નિર્ણયને ગેરબંધારણીય ઠેરવી રદ કર્યો હતો. ત્યાર બાદ વહીવટીતંત્રે પાછલા બારણે ટ્રેડ એક્ટ 1974 ની 'સેક્શન 301' નો ઉપયોગ કરીને ફરીથી આ નવો કર લાદી દીધો છે. 25 રાજ્યોના ગઠબંધને કોર્ટ સમક્ષ માંગ કરી છે કે આ નવા ટેરિફ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને અત્યાર સુધી વેપારીઓ તથા જનતા પાસેથી વસૂલવામાં આવેલી રકમ પરત કરવામાં આવે.
નવા શુલ્કની અસર ભારત ઉપરાંત કેનેડા, ચીન, જાપાન, નોર્વે, તાઇવાન અને યુરોપિયન યુનિયન જેવા અમેરિકાના મોટા વેપારી ભાગીદારો પર પડી રહી છે. આંકડા મુજબ અમેરિકામાં થતી કુલ આયાતના લગભગ 99.4 ટકા હિસ્સા પર આ નવા કરની સીધી અસર પડી છે.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ અને ગવર્નર કેથી હોચુલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “અદાલતમાં હાર્યા બાદ પણ વહીવટીતંત્ર સામાન્ય પરિવારો અને વ્યાપારીઓ પર ગેરકાયદેસર રીતે ટેક્સ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રમુખ પાસે આવી રીતે મનસ્વી રીતે ટેરિફ લાદવાની કોઈ બંધારણીય સત્તા નથી. આ નિર્ણયથી દૈનિક જરૂરિયાતો, ગ્રોસરી અને બિલ્ડિંગ મટિરિયલના ભાવ વધશે.”
બીજી તરફ વાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ ટેરિફના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “જે દેશો 'ફોર્સ્ડ લેબર' (વેઠ કે મજબૂરીથી કરાવાતી મજૂરી) દ્વારા તૈયાર થતો સામાન રોકવામાં નિષ્ફળ રહ્યા છે તેમની સામે કાયદાકીય સત્તાનો ઉપયોગ કરીને જ આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકી વ્યાપાર અને મજૂરોના હિતનું રક્ષણ કરવા માટે આ જરૂરી છે.”
આ કાનૂની જંગમાં ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, ઇલિનોઇસ, મેસાચુસેટ્સ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન જેવા મુખ્ય રાજ્યો જોડાયા છે, જેના કારણે ટ્રમ્પ સરકાર માટે સ્થાનિક સ્તરે જ મોટી રાજકીય અને કાનૂની મુશ્કેલી ઊભી થઈ છે.

