વિશ્વ કી હવા મેં ધંધા હૈ…
અમેરિકી નાકાબંધી સામે ઈરાનની નવી વ્યૂહરચના: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કરાર નજીક પહોંચતા ક્રૂડ ઓઇલના ભાવમાં 5 ટકાનો મોટો કડાકો, ઓમાનની મધ્યસ્થતાથી ઉકેલની આશા
વૈશ્વિક રાજકારણ અને વેપારમાં કહેવત છે કે 'વિશ્વ કી હવા મેં ધંધા હૈ', અને મધ્ય પૂર્વના વર્તમાન સંકટમાં આ વાત અક્ષરશ: સાચી સાબિત થઈ રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયાનક વાદળો અને લશ્કરી હુમલાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય તેલ વેપાર અને આર્થિક હિતોને સાચવવા માટે પડદા પાછળ મોટી રમતો રમાઈ રહી છે.
અમેરિકાની દાદાગીરી અને નૌકાદળની નાકાબંધી સામે ઝૂકવાને બદલે ઈરાને હવે ઓમાન સાથે મળીને વ્યુહાત્મક 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જળમાર્ગ અંગે એક મહત્વપૂર્ણ રાજદ્વારી સંધિ સાધવાની તૈયારી કરી લીધી છે.
અમેરિકા દ્વારા જૂન-જુલાઈથી ઈરાન પર લાદવામાં આવેલા કડક આર્થિક અને નૌકાદળીય પ્રતિબંધોનો જવાબ આપવા ઈરાને ઓમાનની મધ્યસ્થતા પસંદ કરી છે. પ્રસ્તાવિત સંધિ મુજબ, હોર્મુઝની અંદર આવતા અને બહાર જતા તમામ માલવાહક જહાજો અને ક્રૂડ ટેન્કરો પર ઈરાનનું સીધું સુપરવિઝન અને નિરીક્ષણ રહેશે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે પણ સ્વીકાર્યું છે કે આગામી 24 થી 48 કલાકમાં આ અંગે ઔપચારિક જાહેરાત થઈ શકે છે.
જેવી જ ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગ ફરીથી સુરક્ષિત રીતે શરૂ થવાની વાટાઘાટો સફળ થવાના સમાચાર વહેતા થયા, તેવી જ રીતે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટી હલચલ જોવા મળી હતી ક્રૂડ 5 ટકા જેટલું ઘટીને સીધું 76.32 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.
બ્રેન્ટ ક્રૂડ પણ ગગડીને 80 ડોલરની નીચે પહોંચી ગયું છે.યુદ્ધના માહોલ વચ્ચે પણ વેપારી હિતો અને આંતરરાષ્ટ્રીય બજારની ગણતરીઓએ ક્ષણભરમાં ચિત્ર બદલી નાખ્યું છે.
ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના વાટાઘાટોના મુસદ્દાને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે શસ્ત્રો હેઠા નહીં મૂકે ત્યાં સુધી ગાઝામાંથી ઈઝરાયેલી સેના એક ઇંચ પણ પાછી નહીં હટે. તેમણે ઉમેર્યું કે ઈઝરાયેલ પોતાના સુરક્ષા હિતો સાથે કોઈ સમાધાન નહીં કરે.
દુબઈના જેબેલ અલી પર હુથી વિદ્રોહીઓએ કર્યો હુમલો
એકતરફ કરારની વાતો ચાલી રહી છે, તો બીજીતરફ યુદ્ધ ક્ષેત્રે તણાવ યથાવત છે. ઈરાન સમર્થિત યમનના હુથી વિદ્રોહીઓએ દુબઈના આર્થિક કેન્દ્ર સમાન જેબેલ અલી ઔદ્યોગિક વિસ્તારને લક્ષ્ય બનાવી ભયાનક હુમલો કર્યો છે. હુમલા બાદ વિસ્તારમાં ભારે વિસ્ફોટ અને આગના ગોટા જોવા મળ્યા હતા, જેને અમેરિકા અને તેના સાથી દેશો પર આર્થિક દબાણ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
યમન નજીક ભારતીય જહાજ ડૂબ્યું: 13 ભારતીયો સહિત તમામ 14 સભ્યો સલામત
આ સંઘર્ષની ઝપેટમાં ભારતીય માલવાહક જહાજ એમએસવી ફૈઝ નૂરે ઓલિયા પણ આવી ગયું હતું. યમનની જળસીમા નજીક જહાજ પર મિસાઇલ/ડ્રોન હુમલો થતાં તે સમુદ્રમાં ડૂબી ગયું હતું. જોકે, ભારતીય બંદર અને જહાજ મંત્રાલયના જણાવ્યા મુજબ, યમન કોસ્ટ ગાર્ડની મદદથી જહાજ પર સવાર તમામ 14 ક્રૂ સભ્યો (જેમાં 13 ભારતીયો છે) ને સુરક્ષિત રીતે બચાવીને મોખા પોર્ટ ખાતે પહોંચાડવામાં આવ્યા છે.

