વસુધૈવ કુટુમ્બકમ
બિશ્કેકમાં એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે યોજી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો; વૈશ્ર્વિક શાંતિ, ચાબહાર પોર્ટ અને દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવા પર વિશેષ ભાર
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટના મંચ પરથી ભારતે વૈશ્વિક શાંતિ, સંવાદ અને સહયોગનો મજબૂત સંદેશ આપ્યો છે.
સમિટની સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે અલગ-અલગ દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. હાલમાં વિશ્વ જ્યારે બે મોટા મોરચે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતે 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના સાથે સ્પષ્ટ કર્યું કે માનવજાતનું કલ્યાણ યુદ્ધ લંબાવવામાં નહીં, પરંતુ તેનો અંત લાવવામાં રહેલું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે વિશ્વ 'અનંત યુદ્ધ' માંથી બહાર નીકળીને 'યુદ્ધના અંત' તરફ આગળ વધે. તેમણે ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે યુદ્ધમાં વીતેલો દરેક દિવસ માનવતાને પાછળ ધકેલે છે, જ્યારે શાંતિ તરફનું દરેક પગલું સમગ્ર માનવજાતમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરે છે. પીએમ મોદીએ પુતિનને યાદ અપાવ્યું હતું કે ભારત મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધની ભૂમિ છે, જે સદીઓથી વિશ્વને અહિંસા અને શાંતિનો જ માર્ગ બતાવે છે. કોઈપણ વિવાદ કે સંઘર્ષનો તાત્કાલિક અને કાયમી શાંતિપૂર્ણ ઉકેલ લાવવો એ સમગ્ર માનવતાની માંગ છે અને ભારત શાંતિના તમામ પ્રયાસોમાં પોતાનો સહયોગ આપવા કટિબદ્ધ છે.
આ બેઠકમાં ભારત અને રશિયા વચ્ચેની 'વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી'ની પણ વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ઊર્જા સુરક્ષા, સ્પેસ ટેક્નોલોજી, ઈનોવેશન, કૃષિ ક્ષેત્રે ખાતરનો પુરવઠો તેમજ બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર સહમતિ દર્શાવી હતી. વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનને આગામી સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે યોજાનારી બ્રિક્સ સમિટ માટે ભારત આવવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. પુતિને દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માટે પીએમ મોદીના અંગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. બેઠકના સમાપન બાદ બંને વૈશ્વિક નેતાઓ એક જ કારમાં સાથે સવાર થઈને 'વી વર્લ્ડ નોમેડ ગેમ્સ'ના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા, જે બંને દેશો વચ્ચેના ગાઢ વ્યક્તિગત અને રાજદ્વારી સંબંધોને ઉજાગર કરે છે.
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથેની દ્વિપક્ષીય બેઠક પણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિની દ્રષ્ટિએ અત્યંત નિર્ણાયક સાબિત થઈ હતી. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન અને અન્ય મોરચે વધતા તણાવ વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિએ સંઘર્ષ અટકાવવા માટે ભારત પાસે સીધી મદદની અપીલ કરી હતી. પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે ભારતની વૈશ્વિક શાખ અને તમામ મુખ્ય દેશો સાથેના મજબૂત સંબંધોને જોતાં, સંઘર્ષમાં સામેલ તમામ પક્ષોને હિંસા અને રક્તપાતના રસ્તેથી પાછા લાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં વણસી રહેલી પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને સ્પષ્ટ કર્યું કે કોઈપણ વિવાદ માત્ર અને માત્ર વાતચીત અને રાજદ્વારી મંત્રણા દ્વારા જ ઉકેલી શકાય છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવિગેશનની સ્વતંત્રતા અને દરિયાઈ વાણિજ્ય સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં નિર્દોષ સામાન્ય નાગરિકો, રહેણાંક વિસ્તારો તેમજ વેપારી જહાજો અને ખલાસીઓને નુકસાન પહોંચવું જોઈએ નહીં. વૈશ્વિક અને અમેરિકી પ્રતિબંધોના પડકારો હોવા છતાં, ભારત અને ઈરાને પરસ્પર દ્વિપક્ષીય વેપારને વિસ્તારવા અને વૈવિધ્યીકરણ લાવવા સંમતિ દર્શાવી હતી. સાથે જ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ચાબહાર પોર્ટ પ્રોજેક્ટની કામગીરીને વેગવંતી બનાવવા તેમજ બ્રિક્સ અને એસસીઓ જેવા વૈશ્વિક મંચો પર પરસ્પર સહયોગ વધુ ગાઢ બનાવવા પર બંને નેતાઓ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ હતી.

