Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અંજાર તાલુકાના નાની નાગલપરના ખેડૂત ખેતીમાં સાહસ થકી સફળ બન્યાં

અંજાર તાલુકાના નાની નાગલપરના ખેડૂત ખેતીમાં સાહસ થકી સફળ બન્યાં

અબતક 4 days ago
  • પ્રાકૃતિક ખેતી કરી પંચગવ્યમાંથી 125 પ્રોડક્ટ બનાવી, 4 એકરમાં પંચસ્તરીય મોડલ બનાવ્યું

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર સક્રિય છે ત્યારે કચ્છના અંજાર તાલુકાના નાની નાગલપરના 48 વર્ષીય મેઘજીભાઇ હિરાણી ગાય આધારીત ખેતી પ્રાકૃતિક ખેતી સાથે ગાયના ગોબર, ગૌમુત્ર, ધી, દૂધ, દહીંનો ઉપયોગ કરીને આ પંચગવ્યમાંથી 125 જેટલી સ્વાસ્થ્યવર્ધક, ઘર ઉપયોગી ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવીને મનુષ્ય સાથે પ્રકૃતિના પણ ખરાઅર્થમાં રક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે.

માત્ર 4 એકર જમીન હોવા છતાં પણ પંચસ્તરીય મોડેલ અપનાવીને ઓછામાં ઘણું મેળવવાના રચનાત્મક વિચારોને કારણે તેઓ મૂલ્યવર્ધન ખેતીની દિશામાં અન્યો ધરતીપુત્રો માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે.

મેઘજીભાઇ જણાવે છે કે, ઍક સમય એવો આવ્યો કે,ખેતીની જમીન બંજર બની ગઇ હતી, ઉપરાંત મોટું દેવું થઇ ગયું હતું. જમીનમાં કંઇ ઉગતું ન હતું તેથી ખેતી છોડીને બીજો કોઇ ધંધો કરવાનું વિચારતો હતો. આ સમય દરમિયાન જ પ્રાકૃતિક ખેતી અંગે સાંભળ્યું અને તેના એક સેમિનારમાં ભાગ લીધો. ફરી એક પ્રયાસના હેતુથી 2 ગાય લીધી અને વર્ષ 2003થી પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો. ગૌમૂત્ર એકત્ર કરીને વર્મી કમોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતના 3 વર્ષ સંઘર્ષ થયો, પરંતુ રસાયણથી બગડેલી જમીન ધીરે ધીરે સુધરતા ખેતી સ્થિર બની. જંતુનાશકો અને રાસાયણિક ખાતર થકી અફળદ્રુપ થયેલી જમીનનો કાર્બન 0.2 થી 0.7 થઇ ગયો હતો, તે પ્રાકૃતિક ખેતીના પરીણામે સારામાં સારો આજે 1.6 પહોંચ્યો છે. તેઓ જણાવે છે કે, આ સાથે એક નવો પ્રયોગ કર્યો છે જેમાં, વાડીમાં અનેક જગ્યાએ 10 ફુટ ઉંડા અને એક ફુટ પહોળા ખાડા બનાવ્યા છે. જેમાં કમ્પોસ્ટ ખાતર, ઘન જીવામૃત ભરી દેવામાં આવે છે. આ ખાડાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, જમીન પોચી બને છે. સાથે આ જગ્યા અળસિયા અને સૂક્ષ્‍મજીવોનું ઘર બની ગઇ છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે.

તેઓ પ્રાકૃતિક ખેતી અંગે જણાવે છે કે, તેઓ પંચસ્તરીય મોડેલ અપનાવ્યું છે. મિશ્ર પાકમાં તેઓ મલ્ચીંગની મદદથી શાકભાજી તથા મોટાપાયે ફુલોની ખેતી કરે છે. જંગલ જેવું મોડેલ પણ ઉભું કર્યું છે જેમાં 109 પ્રકારના ફળાઉ અને ઔષધીય વૃક્ષો વાવ્યા છે. તેઓ ગાયના પંચગવ્ય આધારિત સ્વાસ્થયવર્ધક તથા ઘર કે ઓફિસ ઉપયોગી ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટનું હોલસેલમાં ઉત્પાદનમાં કરે છે.મેઘજીભાઇ તેમની વાડી ખાતે દર બે માસે દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તથા પંચગવ્યના ઉત્પાદનો બનાવવા અંગે નિવાસી તાલીમ આપે છે.

  • ગોબરમાંથી 8 લાખથી વધુ દીવા તથા 40 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું ઉત્પાદન

મેઘજીભાઇ જણાવે છે કે, આજે પ્રકૃતિ વિવિધ પ્રદૂષણથી દૂષિત થઇ રહી છે ત્યારે તેના જતન માટે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ કારગર છે. જેમાં આસ્થા સાથે પ્રકૃતિનું પણ કલ્યાણ છે. તેઓ જણાવે છે કે, ખેડૂતોને તેઓ આ અંગે તાલીમ પણ આપે છે. આ મૂર્તિ તથા દીવા બનાવવા માટે તેઓ ખાસ મશીનો બનાડાવ્યા છે. જેની મદદથી તેઓ દર વર્ષે 8 થી 10 લાખ ગૌબર દીવા તથા ગૌબરની 40 થી 50 હજાર મૂર્તિઓ બનાવીને ખેતી સિવાય વધારાની આવક કમાઇ રહ્યા છે. આ સાથે તેઓ ગૌબરમાંથી ચકલીઘર, ઝુમર, રાખડી, તોરણ, લટકણ, ઘડીયાલ, મોબાઇલ ચીપ, ગોબરમાળા, ધુપબત્તી જેવી અનેક વસ્તુઓ પણ બનાવે છે. આ કામગીરી માટે તેઓ 17 જેટલી બહેનોને રોજગારી પણ આપી રહ્યા છે.

  • ગોબરગેસનો રસોઇ બનાવવા સાથે જનરેટરમાં કરાતો ઉપયોગ

ઇંધણની બચત માટે તેઓએ 85 ક્યુબીક મીટરનો ગૌબરગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમાંથી મળતા ગેસનો તેઓ રસોઇઘર તેમજ પંચગવ્યની પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ કરે છે પરંતુ લાઇટ ન હોય તો જનરેટર ચલાવવામાં પણ તેનો ઉપયોગ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, મારા આ પ્રયોગમાં માત્ર 20 ટકા ડીઝલનો જ વપરાશ થાય છે, 80 ટકા ગેસના વપરાશથી જનરેટર ચાલે છે. તેઓએ જણાવ્યું હતું કે, ગૌબરગેસના પ્લાન્ટમાંથી વેસ્ટમાં નીકળતી સ્લરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. ગૌબરની ટાઇલ્સ બનાવવાનો વિચાર કર્યો અને અનેક અસફળતા બાદ આખરે તેઓને સફળતા મળી છે. તેઓએ હાલ પ્રાયોગિક ધોરણે થોડી માત્રામાં નાની ટાઇલ્સ બનાવી છે અને ઘરના મંદિરની દિવાલમાં લગાવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak