અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા, જવાબમાં ભારતીય ટીમે 13.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને જીત મેળવી લીધી: અભિષેક શર્માના તોફાની 82 રન
ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટે પરાજય આપી 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા.
જેના જવાબમાં ભારતીય ટીમે 13.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને જીત મેળવી લીધી હતી. ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઉતરેલી અફઘાનિસ્તાનના ઓપનર રહમતુલ્લાહ ગુરબાઝને ઇજામાંથી સ્વસ્થ થઈ પરત ફરેલા બુમરાહે સ્લીપમાં અભિષેક શર્માના હાથે કેચ કરાવી પ્રથમ ઝટકો આપ્યો હતો. કેપ્ટન ઇબ્રાહીમ ઝાદરાન અને સદિકુલ્લાહ અટલ, ગુલબદિન નઇબ અને દાવરિસ રસૂલી પણ ખાસ દેખાવ કરી શક્યા નહોતા. જેને કારણે 43 રનમાં અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. અહીંથી અઝમતુલ્લાહ ઓમરઝઇએ મોહંમદ નબી સાથે મળી છઠ્ઠી વિકેટ માટે 83 રન જોડી ટીમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યું હતું. 126 રનના સ્કોરે નબી આઉટ થયા બાદ રશીદ ખાન અને નૂર અહેમદ પણ જલદી આઉટ થતાં ટીમનો સ્કોર 8 વિકેટે 131 રન થઈ ગયો હતો. આ સમયે ઓમરઝઇએ મુજીબ ઉર રહેમાન સાથે મળી નવમી વિકેટ માટે છેલ્લા નવ બોલમાં 25 રન જોડતાં ટીમનો સ્કોર 156 રને પહોંચ્યો હતો.157 રનના લક્ષ્યાંક સામે ભારતીય ઓપનર સંજુ સેમસન આઉટ થયા બાદ અભિષેક શર્મા અને ઇશાન કિશને અફઘાનિસ્તાનના બોલરો સામે તોફાની બેટિંગ કરતાં પાવરપ્લેમાં ટીમનો સ્કોર 82 રને પહોંચાડ્યો હતો. પાવરપ્લે બાદ પણ ખાસ કરીને અભિષેક શર્માએ આક્રમક અંદાજમાં ફટકાબાજી કરતાં 10 ઓવરમાં ટીમનો સ્કોર 130 રને પહોંચાડી દીધો હતો. અભિષેક શર્મા સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે 11મી ઓવરમાં મોહંમદ નબીએ રશીદ ખાનના હાથે કેચ કરાવ્યો હતો. અભિષેક શર્મા 82 રન બનાવી આઉટ થયો હતો. ભારતીય ટીમ જીતથી પાંચ રન દૂર હતી ત્યારે ઇશાન કિશન મોહંમદ નબીની ઓવરમાં આઉટ થયો હતો. તે પછી શ્રેયસ ઐયર અને તિલક વર્માએ ઔપચારિકતા પૂર્ણ કરતાં 13.4 ઓવરમાં ભારતને જીત અપાવી હતી. આ સાથે ભારતનો અફઘાનિસ્તાન સામે અજેય રહેવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. ભારતનો અફઘાનિસ્તાન સામે 10મો મુકાબલો હતો જે પૈકી નવમી જીત મેળવી હતી.
ભારતની ક્રિકેટ મેચમાં પહેલી વખત 'વંદે માતરમ', ત્યાર બાદ 'જન ગણ મન' ગાવામાં આવ્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં રાષ્ટ્ર ગીત 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હોવાની પ્રથમ ઘટના બની છે. રવિવારે પાટનગર દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ એ પહેલાં 'વંદે માતરમ' ગાવામાં આવ્યું હતું અને ત્યાર પછી રાષ્ટ્ર ગીત 'જન ગણ મન' પણ ગાવામાં આવ્યું હતું.સંસદમાં તાજેતરમાં જ ખરડો પસાર કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે દરેક સત્તાવાર ઇવેન્ટ પહેલાં રાષ્ટ્ર ગીત વંદે માતરમના પ્રથમ છ સ્ટેન્ઝા પ્લે કરવા. જોકે સરકારે જે ઇવેન્ટની યાદી બહાર પાડી હતી એમાં ખેલકૂદની ઇવેન્ટ્સ બાકાત રાખવામાં આવી હતી.
1870ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જીએ બંગાળીમાં 'વંદે માતરમ' લખ્યું હતું. તાજેતરમાં ઠરાવમાં એવું પણ જણાવાયું હતું કે રાષ્ટ્ર ગીતનું અપમાન કરાશે તો એ કૃત્ય સજાપાત્ર ગુનો ગણાશે.ભારતના રાષ્ટ્ર ગીત બાદ અફઘાનિસ્તાનનું રાષ્ટ્ર ગીત પ્લે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મેચ શરૂ થઈ હતી.
અભિષેક શર્માના માત્ર 3420 બોલમાં 6000 ટી20 રન
અફઘાનિસ્તાન સામેની મેચ શરૂ થતાં પહેલાં અભિષેકને ટી20 ક્રિકેટમાં 6000 રન પૂર્ણ કરવા માટે માત્ર 5 રનની જરૂર હતી. તેણે પ્રથમ ઓવરની છેલ્લી બોલ પર છગ્ગો ફટકારીને આ આંકડો પાર કરી લીધો હતો.આ સાથે અભિષેક ટી20 ક્રિકેટમાં સૌથી ઓછી બોલમાં 6000 રન પૂર્ણ કરનાર ભારતીય બેટર બની ગયો છે. તેણે આ સિદ્ધિ માત્ર 3420 બોલમાં મેળવી છે.વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો અભિષેક આ સિદ્ધિ મેળવનાર બીજો સૌથી ઝડપી ખેલાડી છે. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફિન એલન પ્રથમ સ્થાને છે. એલને માત્ર 3386 બોલમાં ટી20 ક્રિકેટમાં 6000 રન પૂરા કર્યા હતા.

