ઘરના છોડને પાણી આપવાનો યોગ્ય સમય ઓળખવો હંમેશા સરળ હોતો નથી. માત્ર આંગળીથી માટી ચેક કરીને જ છોડને પાણી જોઈએ છે કે નહીં તે નક્કી કરી શકાય એવું જરૂરી નથી. છોડ પોતે પણ પાણીની અછતના સંકેતો આપતા હોય છે. પાંદડાં ઢળી જવા, નવા પાંદડાં નબળાં દેખાવા અથવા પાણી આપ્યા પછીના સમયની સરખામણીમાં કૂંડું હળવું લાગવા જેવા નાના ફેરફારો તમને છોડને પાણીની જરૂરિયાત સમજવામાં મદદ કરી શકે છે.
સાથે જ છોડને પાણી આપતી વખતે કૂંડામાં શું નાખવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. રસોડાનો કચરો કુદરતી ખાતર જેવો લાગે છે, પરંતુ તાજા ફળની છાલ કે બચેલું ખાવાનું સીધું કૂંડામાં નાખવું યોગ્ય નથી. તે ધીમે ધીમે સડે છે, માખીઓ અને અન્ય જીવાતોને આકર્ષી શકે છે તથા ફૂગને પ્રોત્સાહન આપી શકે છે. રસોડાના કચરાનો ફરી ઉપયોગ કરવો હોય તો તેને યોગ્ય રીતે કમ્પોસ્ટ કર્યા પછી જ ઉપયોગ કરવો વધુ સારું છે.
પાંદડાં ઢળી જાય તો ધ્યાન આપો
છોડને પાણીની જરૂરિયાત છે કે નહીં તે જાણવા માટે પાંદડાં સૌથી સ્પષ્ટ સંકેતોમાંથી એક આપી શકે છે. જ્યારે છોડ વધારે પડતો સૂકો થઈ જાય છે ત્યારે તેના પાંદડાં ઢળી જવા લાગે છે અથવા સામાન્ય કરતાં ઓછાં મજબૂત દેખાય છે.
પરંતુ માત્ર પાંદડાં ઢળ્યાં છે એટલે તરત પાણી આપવું જરૂરી નથી. કેટલાક છોડના પાંદડાં કુદરતી રીતે જ નીચેની તરફ રહેતા હોય છે. તેથી છોડ સામાન્ય રીતે કેવો દેખાય છે તેની સરખામણીમાં તેમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં તે જોવું વધુ મહત્વનું છે.
પાંદડાની કિનારીઓ સૂકી કે વળી જાય તો
પાંદડાં વળી જવા લાગે અથવા તેની કિનારીઓ સૂકી અને કરકરી થવા લાગે તો પણ તે પાણીના અભાવનો સંકેત હોઈ શકે છે. ઘણી વખત પાંદડાની કિનારીઓથી શરૂઆત થાય છે અને પછી સમસ્યા આખા પાંદડામાં વધુ દેખાય છે.
જોકે, સૂકી કિનારીઓનું કારણ માત્ર પાણીની અછત જ હોય એવું જરૂરી નથી. વધારે તીવ્ર સૂર્યપ્રકાશ, સૂકી હવા અને છોડની વધવાની પરિસ્થિતિઓ પણ આવા લક્ષણો પેદા કરી શકે છે. તેથી વધુ પાણી આપતા પહેલાં આખા છોડની સ્થિતિ જોવી જરૂરી છે.
કૂંડું ઊંચકીને વજન તપાસો
માટીને સ્પર્શ કર્યા વગર ભેજનો અંદાજ લગાવવાની સરળ રીત કૂંડું ઊંચકીને તેનું વજન તપાસવાની છે. જ્યારે કૂંડાની માટીમાં વધારે પાણી હોય ત્યારે સામાન્ય રીતે કૂંડું વધારે ભારે લાગે છે.
પાણી આપ્યા પછી એક વખત કૂંડું ઊંચકીને તેનું વજન યાદ રાખો. થોડા દિવસો પછી ફરીથી કૂંડું ઊંચકો. જો તે ઘણું હળવું લાગે અને સાથે છોડમાં પાણીની અછતના સંકેતો પણ દેખાય, તો તેને પાણી આપવાનો સમય હોઈ શકે છે.
નવા પાંદડાં અને વૃદ્ધિ પર નજર રાખો
પાણીની અછત હોય ત્યારે છોડની નવી વૃદ્ધિ ધીમી પડી શકે છે અથવા નવા પાંદડાં નબળાં દેખાઈ શકે છે.
આ સંકેત તરત દેખાય એવું જરૂરી નથી, તેથી માત્ર નવા પાંદડાંને જોઈને પાણી આપવાનો નિર્ણય ન લેવો. પરંતુ છોડને નિયમિત રીતે જોતા રહેવાથી તેમાં થતા નાના ફેરફારો સમયસર જાણી શકાય છે અને છોડ વધારે તણાવમાં જાય તે પહેલાં યોગ્ય પગલું લઈ શકાય છે.
ડ્રેનેજ હોલ પાસે શું થાય છે તે જુઓ
પાણી આપ્યા પછી કૂંડાના ડ્રેનેજ હોલ પાસે ભેજ દેખાઈ શકે છે અથવા નીચેની રકાબીમાં પાણી એકઠું થઈ શકે છે.પરંતુ છોડને વધારે પાણીમાં રાખવો નહીં. જરૂર પડે ત્યારે રકાબીમાં એકઠું થયેલું વધારાનું પાણી કાઢી નાખો. કારણ કે મૂળમાં સતત પાણી ભરાયેલું રહે તો પણ સમસ્યા ઊભી થઈ શકે છે. એટલે છોડ માટે પાણીની અછત જેટલું જ વધારે પાણી પણ નુકસાનકારક બની શકે છે.
છોડને પાણી આપવાની સાચી રીત
પાણી ધીમે અને સરખી રીતે આપો
જો છોડની માટી ખૂબ સૂકી લાગે તો એકસાથે ઘણું પાણી રેડવાને બદલે ધીમે ધીમે પાણી આપો. કૂંડાની માટી સરખી રીતે ભીની થાય એટલું પાણી આપો અને વધારાનું પાણી નીચેના ડ્રેનેજ હોલમાંથી બહાર નીકળવા દો.
દરેક છોડની જરૂરિયાત અલગ હોય છે
દરેક ઘરના છોડ માટે એક જ પાણી આપવાનું સમયપત્રક કામ કરતું નથી. ઉષ્ણકટિબંધીય છોડને પાણીની વધુ જરૂર પડી શકે છે, જ્યારે ઓછા પાણીમાં ઉગતા છોડને વારંવાર પાણીની જરૂર હોતી નથી.કૂંડાનું કદ, છોડને મળતો પ્રકાશ, તાપમાન અને ઋતુ જેવી બાબતો પણ માટી કેટલી ઝડપથી સૂકાય છે તેના પર અસર કરે છે. તેથી નક્કી કરેલા સમય પ્રમાણે જ પાણી આપવાને બદલે છોડની જરૂરિયાત સમજવી વધુ યોગ્ય છે.
મૂળ સુધી પાણી પહોંચે એટલું પાણી આપો
જ્યારે છોડને ખરેખર પાણીની જરૂર હોય ત્યારે માત્ર ઉપરની માટીને ભીની ન કરો. છોડને સારી રીતે પાણી આપો જેથી કૂંડાના ડ્રેનેજ હોલમાંથી થોડું પાણી બહાર આવવા લાગે.આ રીતે પાણી મૂળ સુધી પહોંચવામાં મદદ મળે છે અને છોડને પૂરતું પાણી મળી શકે છે.પાણી આપ્યા પછી પણ પાંદડાં થોડાં સૂકાં દેખાય તો તરત ફરીથી પાણી ન આપો. પાણી આપ્યા પછી છોડને થોડો સમય આપો અને પાંદડાં તથા દાંડીમાં થતા ફેરફારો પર નજર રાખો.વધારે પાણી આપવાથી પણ મૂળને નુકસાન થઈ શકે છે. તેથી પાણીની અછત અને વધારે પાણી-બન્ને વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે.
કૂંડામાં રસોડાનો કચરો નાખવો યોગ્ય છે?
ફળની છાલ, બચેલું ખાવાનું અથવા અન્ય તાજો રસોડાનો કચરો સીધો ઘરના છોડના કૂંડામાં ન નાખવો. આવા ખાદ્ય કચરાને સડવામાં સમય લાગી શકે છે અને તે માખીઓ, અન્ય જીવાતો તથા ફૂગને આકર્ષી શકે છે. કેટલીક ખાદ્ય વસ્તુઓ કૂંડાની માટીના મિશ્રણને પણ અસર કરી શકે છે.જો રસોડાના કચરાનો છોડ માટે ઉપયોગ કરવો હોય તો તેને યોગ્ય રીતે કમ્પોસ્ટ કર્યા પછી જ ઉપયોગ કરવો વધુ આરોગ્યપ્રદ રીત છે.ઘરના છોડને પાણી આપવાનો કોઈ એક નક્કી નિયમ નથી. છોડના પાંદડાં, નવી વૃદ્ધિ, કૂંડાનું વજન અને ડ્રેનેજ જેવી બાબતો પર નજર રાખીને પાણીની જરૂરિયાત સમજી શકાય છે. પાણી આપતી વખતે ધીમે અને સરખી રીતે પાણી આપવું, વધારાનું પાણી બહાર નીકળવા દેવું અને જરૂરિયાત કરતાં વહેલું ફરી પાણી ન આપવું મહત્વનું છે.સૌથી મહત્વની વાત એ છે કે છોડને પાણીની અછતથી બચાવવાની સાથે વધારે પાણીથી પણ બચાવો. છોડના સંકેતોને સમજીને પાણી આપશો તો તેની યોગ્ય સંભાળ રાખવી વધુ સરળ બનશે.

