Dailyhunt
ડેન્ટલ કોલેજની ટીમ મોઢાના કેન્સર સામે લડશે જંગ

ડેન્ટલ કોલેજની ટીમ મોઢાના કેન્સર સામે લડશે જંગ

અબતક 3 weeks ago

હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ' અભિયાન

ગ્રીન ટોબેકો સિકનેસ' અને 'થર્ડ હેન્ડ સ્મોકિંગ' જેવા અદ્રશ્ય જોખમો સામે નિષ્ણા+તોએ લાલબત્તી ધરી

સૌરાષ્ટ્રમાં મોઢાના કેન્સરના વધતા વ્યાપ અને તંબાકુના વ્યસનને નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર દ્વારા 'હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં તંબાકુનું સેવન કરનાર અંદાજે 50% લોકો કેન્સર જેવી ગંભીર બીમારીઓથી અકાળે મૃત્યુ પામતા હોવાના ચોંકાવનારા આંકડાઓ વચ્ચે તબીબી નિષ્ણાતો દ્વારા હવે સીધું ફિલ્ડમાં ઉતરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાન અંતર્ગત નિષ્ણાતો દ્વારા ખાસ કરીને માવો, સોપારી અને ધુમ્રપાન વગરના તંબાકુથી થતા 'ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ' જેવા રોગો અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ રોગમાં દર્દીનું મોઢું ખુલવાનું બંધ થઈ જાય છે, જે કેન્સરની પૂર્વ અવસ્થા ગણાય છે. યુવાનોમાં વધી રહેલા સિગારેટ, હુક્કા અને ઈ-સિગારેટના જોખમો વિશે પણ ગંભીર ચેતવણી આપવામાં આવી રહી છે.

ડેન્ટલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હાથીવાલાએ માત્ર ધુમ્રપાન કરનાર જ નહીં, પરંતુ 'થર્ડ-હેન્ડ' અને 'ફોર્થ-હેન્ડ' સ્મોકિંગના જોખમો વિશે માહિતી આપતા જણાવ્યું કે, દીવાલો અને ફર્નિચર પર જમા થતા નિકોટીનના કણો બાળકો અને પર્યાવરણ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. તંબાકુની ખેતી અને ઈ-સિગારેટના કચરાથી થતા પર્યાવરણીય પ્રદૂષણ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અભિયાન દ્વારા જામનગર ડેન્ટલ કોલેજે સમગ્ર જનતાને તંબાકુ મુક્ત થઈ સ્વસ્થ સમાજના નિર્માણમાં જોડાવા આહવાન કર્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak