નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં બેથી ચાર ફૂટ સુધી વરસાદી પાણી ઘૂસ્યા
ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે પડેલા અંદાજે 10 ઇંચ વરસાદે ભારે તારાજી સર્જી હતી. સતત બે કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં બેથી ચાર ફૂટ સુધી વરસાદી પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.
ભારે વરસાદની સૌથી દુ:ખદ ઘટના ધારી તાલુકાના સરસિયા ગામે બની હતી, જ્યાં દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
અવિરત વરસાદને કારણે વર્ષો બાદ શહેરના મધ્યમાં આવેલા ગાંધી બ્રિજ ઉપરથી પૂરનું પાણી વહેતું જોવા મળ્યું હતું. સ્થિતિ ગંભીર બનતાં પોલીસે બ્રિજ ઉપરનો વાહનવ્યવહાર બંધ કરાવી લોકોને ત્યાંથી દૂર રહેવા સૂચના આપી હતી.પાણીની સતત આવકને કારણે ખોડિયાર ડેમ ઝડપથી ભરાઈ જતાં ડેમના તમામ 9 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ધારીની નવી વસાહત પાછળ આવેલા ખાડીયા વિસ્તાર, પશુ દવાખાના વિસ્તાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ધારીથી બગસરા, જૂનાગઢ અને કોડીનાર જતો ગાંધી બ્રિજ ઉપરનો માર્ગ પૂરનાં પાણીના કારણે બંધ કરવામાં આવ્યો હતો. મોડી સાંજે પાણીનું સ્તર ઘટતાં એક તરફનો માર્ગ શરૂ કરાયો હતો, પરંતુ લાંબા ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. અમરેલી રોડ પર આવેલા હેમરાજિયા પુલ ઉપર પણ પૂરની અસર જોવા મળી હતી.
દિવસભરના ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ધારીમાં સર્જાયેલી આ સ્થિતિએ વર્ષો પહેલાં આવેલા વિનાશક વરસાદની યાદો ફરી તાજી કરી દીધી છે.

