- નગરપાલિકામાં વારંવાર રજૂઆત છતાં કોઈના પેટનું પાણી હલતુ નથી ત્રણ-ત્રણ વર્ષથી ગંદુ પાણી આવવાથી સ્થાનિક મહિલાઓની રાવ
ધોરાજીમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. એક વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર જેવું અતિ ગંદુ અને દુર્ગંધ મારતું પાણી વિતરણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવતા ધોરાજી નગરપાલિકા તંત્ર અને ચૂંટાયેલા સભ્યોની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિક રહેવાસી યો જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગટર જેવી વાસ મારતું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે. દોઢ કલાક સુધી ગંદુ પાણી વહી જવા દીધા પછી અમારે મોટર ચાલુ કરવી પડે છે. ટાંકીઓ સાફ કરીએ તોય ફરી ગંદી થઈ જાય છે, અને ટાંકી સાફ કરાવવાના અમારે વારંવાર 500 રૂપિયા ખર્ચવા પડે છે. છેલ્લા સાડા ત્રણ મહિનાથી આ સમસ્યા વધુ વકરી છે.
અન્ય એક સ્થાનિક મહિલા આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા છે. પાલિકામાં રજૂઆતો કરીએ તો માત્ર આશ્વાસન મળે છે કે 'ટીમ ચેક કરવા આવશે', પણ કોઈ આવતું નથી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સ્થાનિક સભ્ય આશાબેન લીંબડ સહિતના લોકોને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને તેઓ જવાબ આપવાથી દૂર ભાગે છે.
પાણીની આ ભયંકર સ્થિતિને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પીવા અને વાપરવા માટે બહારથી 200 રૂપિયા આપીને પાણી મંગાવવા મજબૂર બન્યા છે. હંસાબેને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે આ પાણી પીવા લાયક તો શું, વાપરવા લાયક પણ નથી.
એક વૃદ્ધ મહિલા પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, અમે ગરીબ માણસો ક્યાંથી પૈસા લાવીને બહારથી પાણી મંગાવીએ? બહારથી મંગાવવું પોસાતું ન હોવાથી અમે તો ફટકડી ફેરવીને પાણી વાપરીએ છીએ.
નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ જવાબ આપતું નથી. હવે તો અમને રજૂઆત કરતા પણ શરમ આવે છે.
સ્થાનિક મહિલાઓની એક જ માંગ છે કે તેમને ચોખ્ખું પાણી આપવામાં આવે. નિયમિત વેરો ભરવા છતાં જો નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પણ ન મળી શકતું હોય, તો તે નગરપાલિકા તંત્રની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. અત્યારે તો સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે.

