Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એ.જે.માઈક્રોન પેઢીનો બિનઅધિકૃત ફેલ્સ્પાર ખનીજનો જથ્થો કબ્જે કરી પ્લાન્ટને સીલ કરતાં કલેકટર

એ.જે.માઈક્રોન પેઢીનો બિનઅધિકૃત ફેલ્સ્પાર ખનીજનો જથ્થો કબ્જે કરી પ્લાન્ટને સીલ કરતાં કલેકટર

અબતક 2 weeks ago

ગેરકાયદેસર ખનીજ કંપની સામે કાર્યવાહી કરવાના આદેશ, જિલ્લા ભરમાં આકસ્મિક ચેકીંગ હાથ ઘર્યું

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જીલ્લાની ખનિજ સંપત્તિના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ જીલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત અને આકસ્મિક ચેકિંગ હાથ ધરી વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના ધરમપુર વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન 'એ.જે. માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ' નામની પેઢી દ્વારા ખનિજ સંગ્રહ કે પ્રોસેસિંગનું કોઈપણ પ્રકારનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવ્યા વિના બિનઅધિકૃત રીતે મોટા પાયે ફેલ્સ્પાર ખનિજનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. કલેક્ટરની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રીની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, એક ટ્રક રજી.નં. જીજે-36-વી-8105 તથા આખો પ્રોસેસિંગ પ્લાન્ટ સીઝ કર્યો છે. હાલ ખનિજ જથ્થાની ચોક્કસ માપણી કરવાની કામગીરી ગતિમાં છે અને કસૂરદારો વિરુદ્ધ 'ધી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-2017' હેઠળ કડક દંડનીય વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી-વાંકાનેર હાઇવે પરથી બિનઅધિકૃત રીતે કોલસા નું પરિવહન કરતા શંકાસ્પદ ટ્રકોની ચકાસણી કરી કલેક્ટરે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આ કેસ ખાણ ખનીજ વિભાગની ભૂસ્તરશાસ્ત્રીની ટીમને સોંપ્યો છે. વધુમાં, જીલ્લામાં આગામી સમયમાં તા. 30/09/2026 ના રોજ પૂર્ણ થનારી સાદી રેતી ખનિજની ક્વોરી લીઝો બાબતે કલેક્ટરે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

આ ચેકીંગ દરમિયાન જીલ્લા કલેક્ટરે વાંકાનેર તાલુકાના વરડુસર અને મક્તાનપર વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ સેન્ડસ્ટોન ખનિજની ક્વોરી લીઝોનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ સેન્ડસ્ટોન ખનિજમાંથી પ્રોસેસ કરીને અત્યાધુનિક ટેકનોલોજીથી 'કુત્રિમ રેતી બનાવતા વિવિધ પ્લાન્ટ્સની કાર્યપ્રણાલી નિહાળી સંબંધિત પ્લાન્ટ સંચાલકો અને અધિકારીઓને ગુણવત્તાસભર ઉત્પાદન અંગે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. આ સાથે જ તેઓએ વસુંધરા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ ખનિજની ક્વોરીઓની પણ પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેવું મોરબી જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરની યાદીમાં જણાવાયુ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak