સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના ઘોઘામાં 6.14 ઈંચ, લાઠીમાં 4.61 ઈંચ, ભાવનગરમાં 4.49 ઈંચ, સિંહોરમાં 4.45 ઈંચ, બાબરામાં 4.37 ઈંચ, અમરેલીમાં 4.25 ઈંચ, સાવરકુંડલામાં 3.82 ઈંચ, ગારિયાધારમાં 3.39 ઈંચ અને માળિયા હાટીનામાં 2.89 ઈંચ ખાબક્યો : સવારથી 76 તાલુકાઓમાં વરસી રહી છે મેઘ કૃપા
ગુજરાતમાં એક સાથે છ-છ સિસ્ટમો સક્રિય હોવાના કારણે છેલ્લા સાત દિવસથી રાજ્યમાં અવિરત મેઘકૃપા વરસી રહી છે.
આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈને 8.50 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે પણ રાજ્યમાં સાર્વત્રીક હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી 76 તાલુકાઓમાં મેઘકૃપા વરસી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અવિરત વરસાદના કારણે જળાશયોમાં જળવૈભવમાં પણ વધારો થઈ રહ્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 268 પૈકી 225 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 218 મીમી એટલે કે 8.58 ઈંચ પડ્યો છે. આ ઉપરાંત સુરતના કામરેજમાં 164 મીમી, પારડીમાં 161, ઉમરગામમાં 159 મીમી, ઘોઘામાં 156 મીમી, નાનાપોંધામાં 150 મીમી, કપરાડામાં
147 મીમી, સુરતમાં 137 મીમી, વલસાડમાં 134 મીમી, ખેરગામાં 124 મીમી, લાઠીમાં 117 મીમી, ભાવનગરમાં 114 મીમી, સિંહોરમાં 113 મીમી, બાબરામાં 111 મીમી, અમરેલીમાં 108 મીમી, રાધનપુરમાં 107 મીમી, સિંનોરમાં 99 મીમી, ખાનપુરમાં 98 મીમી,
સાવરકુંડલામાં 97 મીમી, ડોલવણમાં 94 મીમી, ધરમપુરમાં 92 મીમી, ડભોઈમાં 90 મીમી, બોડેલીમાં 87 મીમી, ગારિયાધારમાં 86 મીમી, ઉમરાળામાં 80 મીમી, શાકબારામાં 79 મીમી, વાગરામાં 78 મીમી, ગણદેવીમાં 75 મીમી, માળિયા હાટીનામાં 73 મીમી અને નવસારીમાં 71 મીમી સુધી વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત અલગ અલગ 54 તાલુકાઓમાં દોઢ ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે 24 તાલુકાઓમાં એક થી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે પણ રાજ્યના સાત જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતમાં સવારથી ભારે વરસાદ
શાળા-કોલેજોમાં રજા જાહેર
દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોય સુરત અને વલસાડ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. હેડક્વાટર ન છોડવા પણ તાકીદ કરી દેવામાં આવી છે. ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, સુરત, નવસારીમાં ગઈકાલે ભારે વરસાદ પડ્યા બાદ આજે સવારથી પણ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે મોટાભાગની મુખ્ય બજારો પણ સવારથી બંધ છે. આજે સવારથી નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં સુપડાધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 94 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ ગોઠણડુબ પાણી ભરાયા છે. લોકોને કામ વિના ઘરની બહાર ન નિકળવા તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી સામે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાત પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અહીં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો પણ મોકલી દેવામાં આવી છે.
આજે રેડ એલર્ટ વચ્ચે તાપી, સુરત, વલસાડ, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ
| તાલુકો | ઈંચ |
| વાપી | 8.58 |
| કામરેજ | 6.46 |
| પારડી | 6.34 |
| ઉમરગામ | 6.26 |
| ઘોઘા | 6.14 |
| નાનાપોંધા | 5.91 |
| કપરાડા | 5.79 |
| સુરત | 5.39 |
| વલસાડ | 5.28 |
| ખેરગામ | 4.88 |
| લાઠી | 4.61 |
| ભાવનગર | 4.49 |
| સિંહોર | 4.45 |
| બાબરા | 4.37 |
| અમરેલી | 4.25 |
| રાધનપુર | 4.21 |
| સિંનોર | 3.9 |
| ખાનપુર | 3.86 |
| સાવરકુંડલા | 3.82 |
| ડોલવામ | 3.7 |
| ધરમપુર | 3.62 |
| ડભોઈ | 3.54 |
| બુડેલી | 3.43 |
| ગારિયાધાર | 3.39 |
| ઉમરપાડા | 3.15 |
| સાગબારા | 3.21 |
| વાગરા | 3.07 |
| ગણદેવી | 2.95 |
| માળિયા(મી) | 2.89 |
| નવસારી | 2.8 |
પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો તમામ 59 દરવાજા ખોલાયા
નદી કાંઠાના 20 ગામોને એલર્ટ કરાયા: જળસંકટ હલ
ભાવનગર જિલ્લાના પાલીતાણાનો શેત્રુંજી ડેમ ગઈકાલે સાંજે ઓવરફ્લો થઈ ગયો હતો. સૌરાષ્ટ્રના સૌથી મોટા પૈકીના એક એવા શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા આજે સવારે ખોલી નાખવામાં આવ્યા છે. નદીકાંઠા વિસ્તારના 20 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપી દેવામાં આવી છે. એક જ સપ્તાહમાં મેઘરાજાએ પાલીતાણા અને આસપાસના ગામોનું જળસંકટ હલ કરી દીધું છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સોમવારના સાંજે સાંજે 5.45 વાગ્યે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.
છેલ્લા થોડા દિવસથી અમરેલી તથા ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા સોમવારના રોજ સાંજે 5.45 વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો.
શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
ડેમમાં પાણીની ધીંગી આવક ચાલુ રહેવાના કારણે આજે સવારે ડેમના તમામ 59 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતાં. નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા માટે પણ તાકીદ કરી દેવામાં આવી છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં 20.44 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા
કચ્છમાં સૌથી ઓછો માત્ર 1.92 ટકા જ વરસાદ
રાજ્યમાં ગત 1 જૂલાઈથી મેઘ સવારી આવી પહોંચી છે. છેલ્લા છ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 20.44 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર રિઝિયનમાં 26.79 ટકા પડ્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 1.92 ટકા જ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 12 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 15.20 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા વરસાદ પડ્યો છે. 1996થી 2025 સુધીના ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ 909 મીમી જેટલો વરસાદ પડે છે. આજ સુધીમાં 185.77 મીમી વરસાદ વરસી ગયો છે.
એક તાલુકામાં 1000 મીમીથી વધુ પણ વરસાદ પડ્યો છે. જ્યારે 24 તાલુકાઓમાં 501 મીમીથી લઈ 1000 મીમી સુધી, 32 તાલુકાઓમાં 251 મીમીથી લઈ 500 મીમી સુધી, 71 તાલુકાઓમાં 126 મીમીથી લઈ 150 મીમી સુધી, 95 તાલુકાઓમાં 51થી લઈ 125 મીમી સુધી, 38 તાલુકાઓમાં બે ઈંચ સુધી વરસાદ પડ્યો છે. સાત તાલુકા એવા છે કે ત્યાં હજુ સુધી એક પણ ટીપુ વરસાદ પડ્યો નથી. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 19.49 ટકા, રાજકોટ જિલ્લામાં 18.38 ટકા, મોરબી જિલ્લામાં 9.43 ટકા, જામનગર જિલ્લામાં 9 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 0.92 ટકા, પોરબંદર જિલ્લામાં 11.56 ટકા, જૂનાગઢ જિલ્લામાં 42.56 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 38.34 ટકા, અમરેલી જિલ્લામાં 42.53 ટકા, ભાવનગર જિલ્લામાં 30.42 ટકા અને બોટાદ જિલ્લામાં 22.77 ટકા વરસાદ પડ્યો છે.

