Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગુજરાતમાં મેઘમહેર: વાપીમાં 8 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં ચોમાસાની સક્રિયતા, 36 NDRF-SDRF ટીમો તૈનાત

ગુજરાતમાં મેઘમહેર: વાપીમાં 8 ઇંચ વરસાદ સાથે રાજ્યમાં ચોમાસાની સક્રિયતા, 36 NDRF-SDRF ટીમો તૈનાત

અબતક 1 week ago

રાજ્યમાં ચોમાસાની ઋતુ પૂરજોશમાં આગળ વધી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કટોકટીને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકના આંકડા પર નજર કરીએ તો, વલસાડ જિલ્લાનો વાપી તાલુકો સૌથી વધુ વરસાદ સાથે ટોચ પર રહ્યો છે, જ્યાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, પારડી અને ઉમરગામમાં ૬-૬ ઇંચથી વધુ, સુરતના કામરેજમાં ૬ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ ૬ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ૦૭ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૦.૪૪ ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર રીઝીયન ૨૬.૭૯ ટકા સાથે મોખરે છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં ૨.૧૭ લાખ mcft જળસંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના આશરે ૬૫ ટકા જેટલો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો પણ ૪૦.૦૧ ટકા ભરાઈ ગયા છે. હાલમાં ૧૧ ડેમ ‘હાઇ એલર્ટ’ પર, ૦૪ ડેમ ‘એલર્ટ’ પર અને ૦૭ ડેમ માટે ‘વોર્નિંગ’ જારી કરવામાં આવી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા ૧ જૂનથી અત્યાર સુધીમાં ૧,૫૨૮ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૧૩૪ નાગરિકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ કે પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં NDRF અને SDRF ની કુલ ૩૬ ટીમો ખડેપગે તૈનાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર વરસાદી સ્થિતિ પર સતત મોનિટરિંગ કરી રહી છે. નાગરિકોને સાવચેત રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં તંત્રની સતર્કતાને કારણે સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak