Tuesday, 22 Sep, 11.07 am અબતક

ગુજરાત
હવે દરેક તહેવારો સાથે જ હશે કોવિડ-૧૯ !! તેની સાથે જીવતા શીખી લો.

એક વો ભી દિવાલીથી, એક યે ભી દિવાલી હૈ

રક્ષાબંધન, સાતમ-આઠમનો મેળોને હવે નવરાત્રીને દિવાળી સાથે ૩૧ ડિસેમ્બર તમામમાં કોરોના વિરોધી ટેવો પાડવી પડશે

વૈશ્વિક કોરોના મહામારીના પગલે ભારતમાં માર્ચ ૨૦૨૦થી આજે ૬ માસ થયા, હજી કેટલા થશે એ નકકી નથી. શાળા-કોલેજના બે સત્રો સમાપ્ત થઈ ગયા. વેકેશન કયારે આવ્યું ને કયાં ગયું તેજ યાદ નથી. આર્થિક મુશ્કેલીના પગલે શિક્ષણ, આરોગ્ય, ટ્રાવેલ જેવા તમામ સેકટરને કોવિડ-૧૯ની અસર પડી છે. જીવનમાં ૫હેલીવાર નિયમબઘ્ધ-સમય બઘ્ધ માનવી જીવતો થયો. રૂટીંગ લાઈફને લોકડાઉન સાથે અનલોક ૧ થી ૪ આવી ગયા પણ હજી શાળા, મોલ, સિનેમા બંધ છે. ગુજરાતી પ્રજા તહેવાર પ્રિય છે, દર માસે એક-બે તહેવારોના રંગે ગુજરાતી રંગાતો હોય છે પણ કોરોના ઈફેકટસને કારણે બધુ જ બદલાય ગયું છે. આપણા મહત્વના તહેવારો કયારે આવ્યાને કયારે ચાલ્યા ગયા તે જ ખબર નથી. કંટ્રોલવાળી લાઈફ માનવી હાલ જીવી રહ્યો છે. આખુ ૨૦૨૦ તો પુરુ જ થયું સમજોને !! ઘરના વાતાવરણમાં દિનચર્યામાં બદલાવ આવી ગયો. માર્ચથી અત્યાર સુધીમાં રક્ષાબંધન, સાતમ-આઠમનો મેળો, ગણેશ ઉત્સવ, શ્રાવણી પર્વ, શ્રાદ્ધ મહિનોને આ અધિક માસ વર્ષોથી આપણા જીવન સાથે જોડાયેલા હતા પણ ઈતિહાસમાં પ્રથમવાર ઉજવાયા નહીં !!

હવે તો નવ દિવસનો સૌથી લાંબો તહેવાર, નવરાત્રી, દશેરા, શરદપૂનમ, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ ભાઈબીજ કે દેવદિવાળી સાથે ૩૧ ડિસેમ્બરનું નવા વર્ષનું વેલકમ સેલીબ્રેશન બધુ જ આવશે પણ આપણે ઉજવી નહીં શકીએ. કારણકે હવે બધા તહેવારો સાથે કોવિડ-૧૯ પણ આપણી સાથે હશે. આપણે હવે એઈડસની જેમ તેની સાથે જીવતા શીખી લેવુ પડશે. માસ્ક, સેનેટાઈઝર, સામાજીક અંતર જેવી તમામ ગાઈડલાઈન પાળવી જ પડશે.'હા' ફરજીયાત !! એમાં નહીં ચાલે. આપણા પરિવારમાં બધા જ હવે કંટાળ્યા છે કારણકે આવી સ્થિતિ કયારે આપણે જોઈ ન હતી. જીવન છે ને હવે તો બધુ ખુલ્લી પણ ગયું છે પણ સાવચેતી એજ સલામતી છે. મોટાભાગે પરિવારજનો બહાર નીકળવાનું ટાળે છે ત્યારે તહેવારો કેમ ઉજવવા એજ યક્ષ પ્રશ્ર્ન છે. સૌથી કપરી સ્થિતિ બાળકોની છે તેને બહાર રમવુ, કુદવું, હરવું-ફરવુંને ભાઈબંધો સાથે મોજ કરવી છે પણ ત્યાં કોરોના આડે આવી જાય છે. બાળથી મોટેરાને ઘરબંધ જેવું જીવન છે. માનવીના જીવનમાં બદલાવ આવ્યો છે પહેલાની જેમ હવે કશું જ થવાનું નથી કે થાય તો કોઈ નવો વાયરસ દસ્તક દે એ પહેલા તેની સાથે રહેતા તમામ નાગરીકે શીખી લેવુ પડશે. જુના ફિલ્મી એક સુંદર લાઈન. એક યે ભી દિવાલી હૈ ઔર એક વો ભી દિવાલી થી.બધી જ વ્યવસ્થા બદલાશે પણ હજી રસી કયાં શોધાય છે !!લોકડાઉન કાયમી રાખવું શકય નથી. હવે તો બધાયે આ મહામારીની સાથે જીવન જીવતા અને ધંધાકિય પ્રવૃતિ શીખવાનો સમય આવી ગયો છે. આપણે બધાએ વાયરસથી સુરક્ષિત રહેવા પણ અમુક બદલાવ, આદતો પાડવી પડશે. રાજયની જનતા કોરોના મહામારીમાં પણ નવરાત્રી રમવાની કે રમાડવાની આયોજકો માંગણી કરી રહ્યા છે ત્યારે કદાચ નવરાત્રી થાય તો રમવા કેટલા આવે ? એ પણ પ્રશ્ર્ન છે, માં-બાપો સંતાનોને શાળાએ મોકલવા રાજી નથી ત્યારે રમવા મોકલે કે કેમ તે પણ સમય જ બતાવશે. મંદિરોને પણ તાળા લાગી ગયા હતા કદાચ આ ઘટના જીવનમાં પ્રથમવાર બની હશે. આપણે ઘણુ બધુ સહન કર્યુંને જોયું છે. હાલમાં સૌ પોતે પોતાની તકેદારી રાખીને જીવન જીવે તે અતિમહત્વની બાબત છે. આ વૈશ્ર્વિક મહામારીએ આપણું જીવન સાવ બદલી નાખ્યું છે. તમે તકેદારી ન રાખો તો બીજાના જીવ જોખમમાં મુકીને બીજો તકેદારી ન રાખે તો તમારો જીવ જોખમમાં અત્યારે તો ચેપ લાગતો વાર જ નથી લાગવાની માટે તેની સાથે જીવતા શીખવુ જરૂરી છે. આજે ઘણા બધા લોકોના ધંધા ભાંગ્યા છે કે આવક બંધ થઈ ગઈ તેમાં કાર્યક્રમો કરવાવાળા કલાકારો, સાંજીદા, ખાનગી શાળાના શિક્ષકો, સિનેમાઘરો જેવા વિવિધ યુનિટો સાથે સંકળાયેલા માનવી કપરા કાળમાં જીવી રહ્યો છે. અમુકે તો પોતાનો ધંધો બદલી નાખ્યો છે જેમ કે માસ્તરે શાકભાજીની લારી કાઢીને ગુજરાન ચલાવે છે.

પહેલાની જેમ થતી સગાઈ-લગ્ન, શુભ પ્રસંગો કે હોળી-ધુળેટીના તહેવારો કે ઉત્સવો હવે ઉજવી નહી શકીએ. કારણકે હજી આપણી આસપાસ કોરોના છે, હા એક વાત છે તેનો ડર રાખવાની જરૂર ૧૦૦ ટકા નથી પણ તકેદારી તો રાખવી ફરજીયાત રહેશે. કુટુંબ પરીવાર સાથે દર શનિ-રવિએ બહાર ફરવા જવું કે હોટલમાં જમવા જવું તે ભુતકાળ બની ગયો છે. હવે સમયને સમય જ છે પરિવાર માટે પણ ચાર દિવાલો વચ્ચે જ ! ઈનડોરનો આનંદ માનવી ખરાઅર્થમાં માણી રહ્યો છે. કોરોના મહામારીમાં આપણું જીવન અને સંબંધો બદલાઈ રહ્યા છે ત્યારે આપણે સલાહ દેનારો વર્ગ ખુબ જ વધી ગયો છે. હાલ શરૂ થયેલ આઈપીએલ-૨૦૨૦ પણ પ્રેક્ષકો વગરની નિરસ લાગે છે. એક વાત નકકી છે કે કોરોના વાઈરસ આપણી તમામ આદતો બદલી નાખનારો સાબિત થશે ત્યાં તહેવારોનું શું આવે ? આ મહામારીએ વિશ્ર્વની અર્થવ્યવસ્થા તબાહ કરી નાખી છે ને આપણી માનવતાની પરીક્ષા પણ તે લઈ રહ્યો છે. સદીઓ જુની નમસ્કારની પરંપરા ફરી શરૂ થઈ ગઈ છે. આપણી ખાણી-પીણી અને હાઈજીનની આદતો બદલાઈ ગઈ છે.

આગામી નવરાત્રી ઉજવાય કે ન ઉજવાય પણ મોબાઈલમાં ગરબા વગાડીને ઘરમાં પરિવાર સાથે રમી તો શકાય જ છે. શેરી-મહોલ્લામાં બધા ભેગા થઈને નહીં.કારણકે ઘરમાં રહો, સુરક્ષિત રહો આ મંત્ર જ જીવન આજના યુગમાં ટકાવી રાખશે.આવો..ઈસ દિવાલી, નવરાત્રી મેં.કુછ નયા કરકે જીતે હૈ !!

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: AbTak
Top