રાજકોટ જિલ્લાના મોજ ડેમમાં 4.72 ફૂટ, ફોફળમાં 1.48 ફૂટ, વેણુ-2 6.63 ફૂટ, સોળવદરમાં 9.02 ફૂટ, ન્યારી-2માં 0.30 ફૂટ, કરમાળમાં 0.66 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 માં 0.07 ફૂટ, ડેમીમાં 0.33 ફૂટ, જામનગર જિલ્લામાં ફોફળ-2માં 0.36 ફૂટ, ફુલઝરમાં 9.25 ફૂટ, ઉમિયા સાગરમાં 10.17 ફૂટ જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો-2 માં 0.20 ફૂટ પાણીની આવક
સૌરાષ્ટ્રમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવકના શ્રી ગણેશ થયા છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તકના 12 જળાશયોની સપાટીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વધારો થયો હોવાનું નોંધાયું છે. ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે વેણુ-2 ડેમ નિર્ધારિત સપાટીથી 80 ટકા જેટલોભરાઈ જવાના કારણે ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જળાશયોમાં પાણીની આવક થવાના કારણે ખેડુતો સાથે સામાન્ય લોકોના હૈયા પણ હરખાઈ ગયા છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના મોજ ડેમમાં 4.72 ફૂટ, ફોફળ ડેમમાં 1.48 ફૂટ, વેણુ-2 ડેમમાં 6.63 ફૂટ, સોળવદરમાં 9.02 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.30 ફૂટ અને કરમાળમાં 0.66 ફૂટ પાણીની આવક થવા પાણી છે. ભાદર, મોજ, ફોફળ, વેણુ, આજી-1, સોળવદર, સુરવો, ગોંડલી, વેરી, ન્યારી-2, મોતીસર, છાપરવડી-1, છાપરવડી-2, ઈશ્ર્વરિયા, કરમાળ, ભાદર-2, ઘેલો સોમનાથ અને માલગઢ ડેમ સાઈડ પર વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.07 ફૂટ અને ડેમી-1 ડેમમાં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી હતી. જામનગર જિલ્લાના ફોફળ-2 ડેમમાં 0.36 ફૂટ, ફૂલઝર (કોબા)માં 9.25 ફૂટ અને ઉમિયા સાગર ડેમમાં 10.17 ફૂટ પાણીની આવક થવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા) ડેમમાં 0.20 ફૂટ પાણીની આવક થવા પામી છે. પ્રથમ વરસાદમાં જ જળાશયોમાં માતબર પાણીની આવક થવાના કારણે જગતાતમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. જુન માસમાં વરસાદ ન પડવાના કારણે મોટાભાગના જળાશયો ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ ગયા હતાં.
દરમિયાન ગઈકાલે મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા જળાશયોમાં આજે જળ વૈભવ હિલોળા લેવા માંડ્યો છે. પ્રથમ વરસાદે જ જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના અનેક જિલ્લાઓમાં જળસંકટ હલ કરી દીધું છે. દક્ષિણ ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદના કારણે જળાશયોમાં પાણીની સંતોષકારક આવક થવા પામી છે. ઉપરવાસના વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે.
પ્રથમ વરસાદમાં જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવકથી જગતાત
ખુશખુશાલસોરઠ પંથકમાં જળ સંકટ તણાયું

