એસઓજીએ દરોડો પાડી કોકેન, મેફેડ્રોન સહિત નશાકારક પદાર્થ કબ્જે કર્યા, સિન્ડીકેડને ભેદવા પોલીસનો તપાસનો ધમધમાટ
જામનગર શહેરમાં નશાકારક પદાર્થોના વેપાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને મોટી સફળતા મળી છે. એસઓજીએ શહેરમાંથી રૂ. 21.95 લાખની કિંમતના 19 ગ્રામ કોકેન અને 123 ગ્રામ એમડીએમએ (મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટા માઈન) સહિત કુલ 142 ગ્રામ નશાકારક પદાર્થ સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડી તેની સામે એન.ડી.પી.એસ.
એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ)ના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ મુજબ જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા “No Drugs In Jamnagar” અભિયાન અંતર્ગત એસઓજીદ્વારા નશાકારક પદાર્થોના વેચાણ અને હેરફેર સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નરશિરામ કુપારામ લુણા રબારી નામનો શખ્સ ટાઉન હોલ નજીક કોટક મહિન્દ્રા બેંકની શેરીમાં ડ્રગ્સના વેચાણ માટે આવવાનો છે. જેના આધારે ગોઠવાયેલી વોચ દરમિયાન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ નરશિરામ કુપારામ લુણા રબારી (હાલ રહેવાસી સજુબા સ્કૂલ પાસે, હનુમાનજી મંદિરવાળી ગલી, જામનગર તથા મૂળ વતની અરણાઈ ગામ, તા. સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન) તરીકે થઈ છે.
આરોપીની તલાશી દરમિયાન તેની પાસેથી રૂ. 9.50 લાખની કિંમતનું 19 ગ્રામ કોકેન, રૂ. 12.30 લાખની કિંમતનું 123 ગ્રામ એમડીએમએ પાવડર, બે મોબાઇલ ફોન અને એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળી કુલ રૂ. 21,95,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સિટી 'બી' ડિવિઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી), 22(સી) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી મળ્યો, તેનો સપ્લાય ક્યાંથી થતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

