રાજયભરના ખેડુતોને એકત્ર કરી આંદોલન પાર્ટ 3 વ્યુહરચનાની જાહેરાત
મોરબીના જેતપર ગામે વીજલાઈન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં 19મા દિવસે તમામ ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા. ખેડૂત સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયો છે, આંદોલન નહીં. હવે સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે લઈને 'આંદોલન પાર્ટ-3' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના જેતપર ગામે વીજ ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા. ખેડૂત સમિતિએ જણાવ્યું હતું કે ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, પરંતુ આંદોલન યથાવત રહેશે. સમિતિએ હવે 'આંદોલન પાર્ટ-3'ની જાહેરાત કરતાં સમગ્ર ગુજરાતના ગામોના ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા વળતર સુધારાઓ અંગે પોતાના અભિપ્રાય નિયત ફોર્મેટમાં મોકલવા અપીલ કરી છે.
ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના લેખિત અભિપ્રાયના આધારે જીલ્લાવાર બેઠકો યોજવામાં આવશે અને ત્યારબાદ આગામી લડતની વ્યૂહરચના ઘડવામાં આવશે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતમાં યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે. આંદોલનના આગામી તબક્કાની તૈયારી માટે 8 જુલાઈએ જેતપરની રામવાડી ખાતે મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા જીલ્લાના આગેવાનો અને પ્રતિનિધિઓની બેઠક યોજાશે. ત્યારબાદ 9 જુલાઈએ બીજા તબક્કાની બેઠકમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જીલ્લાના પ્રતિનિધિઓ હાજર રહી રાજ્યવ્યાપી 'આંદોલન પાર્ટ-3'ને આખરી સ્વરૂપ આપશે.

