સિદ્ધારમૈયાએ 'માનભેર' ડિકેને ગાદી સોંપી !
સિદ્ધારમૈયાનું કોઈ પણ વિરોધ વગર શાંતિપૂર્ણ રીતે રાજીનામું, રાજ્યસભામાં જવા માટે નનૈયો ભણ્યો
કર્ણાટકના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ પોતાની 5 દાયકા લાંબી રાજકીય સફર બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ગુરુવારે બપોરે 3 વાગ્યે તેઓ લોક ભવન પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
રાજ્યપાલ થાવરચંદ ગેહલોત શહેરની બહાર હોવાથી તેમણે વિશેષ સચિવને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ તેમના બીજા કાર્યકાળનો અંત આવ્યો છે.
બીજી તરફ કોંગ્રેસને સિદ્ધારમૈયાની સિદ્ધિ ફળી છે. એક દશકા સુધી તેઓએ સતા જાળવી રાખી અલગ જ ચીલો ચાતર્યો હતો.
રાજીનામું આપતા પહેલા સિદ્ધારમૈયાએ તેમના સત્તાવાર નિવાસસ્થાને કેબિનેટ સાથીઓ માટે બ્રેકફાસ્ટ મીટિંગનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ હાજર હતા. શિવકુમારે સભા પહેલા જ બંધ બારણે વિદાય લેતા સીએમ સાથે મુલાકાત કરી હતી, તેમને ગળે લગાવ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ પસ્તાવા વિના અને પૂરા દિલથી આ પદ છોડી રહ્યા છે. 77 વર્ષીય સિદ્ધારમૈયાએ પક્ષ દ્વારા ઓફર કરવામાં આવેલ રાજ્યસભા મારફતે રાષ્ટ્રીય ભૂમિકાને નમ્રતાપૂર્વક નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજ્યના રાજકારણમાં જ સક્રિય રહેવા માંગે છે. 20 મે, 2023 ના રોજ બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેઓએ ત્રણ વર્ષથી વધુ સમય સુધી આ જવાબદારી નિભાવી હતી.
આ વિદાય મીટિંગ એકદમ ભાવનાત્મક રહી હતી. સિદ્ધારમૈયાએ તેમના મંત્રીઓને શાસન સુધારવા માટે ભૂતકાળમાં કહેલા કોઈ પણ કડક શબ્દો બદલ માફી માંગી હતી. આ સાંભળીને આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવ અને શ્રમ મંત્રી સંતોષ લાડ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.
નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે પૂછવામાં આવતા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કોઈ સ્પષ્ટ નામ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે અનૌપચારિક રીતે શિવકુમાર કાર્યભાર સંભાળશે તેવો ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું કે ધારાસભ્ય દળ અને હાઈકમાન્ડ જે નક્કી કરશે તે જ મુખ્યમંત્રી બનશે. રાજ્યપાલ દ્વારા રાજીનામું મંજૂર થયા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ બેંગલુરુમાં સીએલપીની બેઠક બોલાવશે.
દિલ્હીની ફ્લાઇટ ડાયવર્ટ થતા રાહુલ ગાંધી સાથેની મિટિંગ મુલતવી રહી
રાજીનામું આપ્યા બાદ ગુરુવારે સાંજે સિદ્ધારમૈયા અને કોંગ્રેસના અન્ય નેતાઓને લઈને દિલ્હી જતી વિશેષ ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે જયપુર ડાયવર્ટ કરવી પડી હતી. આના કારણે રાહુલ ગાંધી સાથેની તેમની મહત્વપૂર્ણ બેઠક શુક્રવાર સવાર સુધી મુલતવી રહી હતી. જોકે, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અન્ય ફ્લાઇટ મારફતે પહેલાથી જ દિલ્હી પહોંચી ગયા હતા.
સિદ્ધારમૈયાની 5 દાયકાની રાજકીય સફર
સક્રિય રાજકારણમાં 5 દાયકા વિતાવ્યા બાદ તેમણે જણાવ્યું કે તેઓ એકદમ સ્વચ્છ અંતરાત્મા સાથે ઓફિસ છોડી રહ્યા છે. તેમણે ક્યારેય સત્તા કે પૈસા પાછળ દોટ મૂકી નથી. પોતાની સમાજવાદી વિચારધારાને યાદ કરતા તેમણે કહ્યું કે જો ભારતના બંધારણે તક ન આપી હોત તો તેમના જેવો સામાન્ય ગામડિયો ક્યારેય બે વખત સીએમ બની શક્યો ન હોત.
ટૂંક સમયમાં નવા મંત્રીમંડળની થશે જાહેરાત
હવે કર્ણાટકમાં નવી સરકારની રચના અને સંક્રમણ અંગે ચિત્ર સ્પષ્ટ થવામાં થોડા દિવસો લાગી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ નવા સીએલપી વડાની ચૂંટણી, નવી કેબિનેટની રચના અને પીસીસી ચીફના પદ અંગે ગહન ચર્ચાઓ કરશે. હાલમાં પીસીસી ચીફનું પદ ડીકે શિવકુમાર પાસે છે, જેથી આગામી દિવસોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
સિદ્ધારમૈયાની એકદમ શાંત અને પરિપક્વ વિદાય
સિદ્ધારમૈયાની વિદાય તેમની આક્રમક રાજકીય છબીથી તદ્દન વિપરીત અને અત્યંત શાંત રહી હતી. તેમણે પોતાના સમર્થકોને પક્ષના નિર્ણય સામે કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરવા અને શિસ્ત જાળવી રાખવા સમજાવ્યા હતા. તેમના આ પરિપક્વ વલણે કોઈપણ મોટા વિવાદને ટાળ્યો હતો અને તેમણે એક સાચા રાજનેતાની જેમ પક્ષનો નિર્ણય હસતા મુખે સ્વીકારી લીધો.

