રેતી ભરેલા ટ્રકોની સીઝની કાર્યવાહી દરમિયાન ખાણ-ખનીજની ટીમ પર ટ્રક હુમલાને પગલે
સાપર ગામી તળાવ વિસ્તારમાં મોરમનું ગેર કાયદે ખનન સામે તંત્રની લાલ આંખ
જામનગરના જોડીયા તાલુકાના બાદનપર ઉંડ નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને નીકળતા ઓવરલોડ ટ્રકોને પકડવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર ટ્રક માલિકે હિચકારો હુમલાને પગલે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
જિલ્લાના ખાણ ખનીજ વિભાગ (ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ) તથા સિક્કા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. સાપર ગામના તળાવ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ચાલી રહેલા ખનન પર દરોડો પાડીને અંદાજે ₹6પ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોડીયા તાલુકાના હડીયાણા-બાદનપર રોડ પર લીંબુડા ગામના પાટીયા પાસે 8 ગેરકાયદે રેતી ભરેલા ટ્રકો મળી રૂપિયા 1.15 કરોડનો મુદ્દામાલ ખાન -ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. આ તમામ ટ્રકોને કાયદેસરની કાર્યવાહી દરમિયાન ટ્રકના માલિક દ્વારા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટનાના સરકારી તંત્રમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને પગલે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ખનન માફિયા પર તૂટી પડવા આપેલા આદેશને પગલે જામનગર જિલ્લાના સાપર ગામને તળાવ વિસ્તારમાં મોરમ ખનિજનું ગેરકાયદે ખનન અને વહન કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભૂસ્તરવિજ્ઞાન વિભાગની તપાસ ટીમ અને સિક્કા પોલીસની ક્ષેત્રીય ટીમે સંયુક્ત પ્લાન બનાવીને અચાનક દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી હિટાચી મશીન અને મોરમ ભરેલું ડમ્પર મળી આવ્યું હતું. આ વાહનો દ્વારા સરકારી સંપત્તિ સમાન ખનિજની ચોરી કરીને તેનું બિનઅધિકૃત વહન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થળ પર જ સાબિત થયું હતું. 65 લાખનો મુદ્દામાલ જપ્ત, વાહનો સિક્કા પોલીસ મથકે ખસેડાયા સંયુક્ત ટીમે ત્વરિત પગલાં ભરીને ઘટનાસ્થળેથી ગેરકાયદે ખનનમાં વપરાતા બંને વાહનો (હિટાચી મશીન અને ડમ્પર)ને કસ્ટડીમાં લીધા હતા. જપ્ત કરાયેલા આ વાહનોની અંદાજિત કિંમત રૂપિયા 65 લાખ જેટલી આંકવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે આ તમામ મુદ્દામાલને સિક્કા પોલીસ સ્ટેશન ખાતે લાવીને અટકમાં રાખવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ સામે ખનિજ નિયમો અને દંડકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે
લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યાનો આક્ષેપ
રેતી ખનનની બાતમી આપ્યાની શંકાએ
પટેલ ખેડૂત પાસે આરોપીઓની દંડની રકમ ત્રણ લાખની માંગ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ
લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ, ખંડણીની માંગ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ ઇજાગ્રસ્ત ખેડૂત જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ફરિયાદ મુજબ, તા. 4 જુલાઈના રોજ બપોરે ગામના કિશનભાઈ ભાણજીભાઈ વૈષ્ણવનો ફોન આવતા તેઓને તેમની વાડીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં મેમાણા ગામના બળદેવસિંહ, ઋતુભા અને સુખુભા હાજર હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે બળદેવસિંહે ગેરકાયદે રેતી ખનન અંગે ખાણ-ખનીજ વિભાગને બાતમી આપવાનો આરોપ મૂકી તેમનો મોબાઇલ તપાસ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક કાળી રંગની ફોરવ્હીલ ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.આરોપ મુજબ, ફરિયાદીને અન્ય એક વાડીમાં લઈ જઈ ઝાડ સાથે ઊંધા બાંધી દેવામાં આવ્યા હતા અને જ્યાં સુધી બાતમી આપ્યાની કબૂલાત ન કરે ત્યાં સુધી માર મારવાની સૂચના આપવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ ખાણ-ખનીજ વિભાગ દ્વારા થયેલા આશરે ત્રણ લાખ રૂપિયાના દંડની રકમ ચૂકવવાની માંગ કરી હતી અને ફરિયાદ કરશે અથવા સારવાર લેવા જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીને અને તેમની સાથે રહેલા કિશનભાઈને પરત મૂકી દેવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે અપહરણ, ગંભીર મારપીટ, ધાકધમકી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

