રાજકોટ અને અમદાવાદમાં કોલ સેન્ટર શરૂ કરી રાજ્યભરના ખેડૂતોને ધિરાણના બહાને ફસાવી જમીન પચાવી લેવાના કારસ્તાનનો પર્દાફાશ
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતોને ધિરાણના બહાને ફસાવી જમીન હડપ કરી જવા કુખ્યાત ચીટર અલ્પેશ દોંગા અને તેના સાગરીત અક્ષીત અકબરીએ શરૂ કરેલુ કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડી 14 મોબાઇલ ફોન, કમ્પ્યુટર, 32 ખેડૂતોની જમીનના 7/12, સહીવાળા કોરા ચેક, હજારો સંભવિત ગ્રાહકોના નંબરોની યાદી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન મુજબ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) કરતા શખ્સો અને ખેડૂતોની જમીન સંબંધી છેતરપિંડીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા શિક્ષાત્મક કાયદાકીય પગલા લેવાની આપેલ સૂચનાથી પડધરી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જી. ચૌહાણ અને ટીમ દ્વારા એક ગંભીર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ગુનામાં કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના સરપદડ ગામના ખેડૂતને રૂ. 5.50 લાખનું ધિરાણ આપી રૂ. 1.07 કરોડની મતા અને નવ વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઇ પડાવી લીધી હતી.
જે બાદ રૂરલ પોલીસની ટીમોએ 150 ફૂટ રિંગ રોડ પરની ઓફિસમાં “બાલાજી લોન” તથા “ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ”ના નામે ચાલતા કોલ સેન્ટર પર મોડી રાત્રે દરોડો પાડી 14 મોબાઇલ ફોન, કમ્પ્યુટર, 32 ખેડૂતોની જમીનના 7/12, સહીવાળા કોરા ચેક, હજારો સંભવિત ગ્રાહકોના નંબરોની યાદી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેમાં કોલિંગ માટે વપરાતા જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન – 14 (સીમકાર્ડ સહિત), કમ્પ્યુટર સી.પી.યુ. 1, વાઇ-ફાઇ રાઉટર – 1, અગાઉ વપરાયેલ સીમકાર્ડ – 1 તથા સીલપેક નવા સીમકાર્ડ – 4, કોલ રેકોર્ડની નોંધવાળી ડાયરીઓ તથા ફૂલસ્કેપ બુકો રાજ્યના 8 જિલ્લાઓ (રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા)ના 32 જેટલા જમીન માલિકોના ગામ નમૂના નં. 7/12, 8-અ, હક્કપત્રક, બોજા પત્રક તથા આધાર/પાન કાર્ડની નકલો, અન્ય વ્યક્તિઓના કબજા રહિત સાટાખત કરાર, જુદા જુદા ખાતેદારોના સહીવાળા ચેક, મોબાઇલ નંબરોની યાદી, લોન બાબતની વાતચીતના લખાણ તથા 7/12 ની નકલો, “શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ” લખાણવાળા આશરે 300 કવરો તથા આશરે 200 જાહેરાત પત્રિકાઓ તેમજ અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉ નોંધાયેલ એફ.આઇ.આર. તથા જામીન હુકમોની નકલો કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
ઝડતી સમયે ઓફિસમાં કાચના પાર્ટીશનવાળા અલગ અલગ રૂમમાં કુલ 14 મહિલા કર્મચારીઓ ફોન પર કામ કરતી મળી આવી. તમામ મહિલાઓની પૂછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, આરોપીઓ રાજકોટ ઉપરાંત અમદાવાદ શહેર ખાતે પણ આવુ કોલ સેન્ટર ચલાવતાં હોય જેથી અમદાવાદના ગોતામાં ગણેશ ગ્લોરી ખાતેની જગ્યાએ પણ ઝડતી કરતાં ત્યાંથી પણ ચાર સીમ કાર્ડ, ત્રણ મોબાઇલ ફોન, અલગ-અલગ વ્યકિતના સહિ વાળા કોરા ચેક નંગ-09, વાઇફાઇ એક, અલગ-અલગ લખાણ લખેલ ચોપડા, ડાયરી, નોટીસ વિજીટીંગ કાર્ડ, દસ્તાવેજોની નકલો ખેડુતોની જમીનના 7/12ના ઉતારા, સમંતિપત્રક, તથા ઓફીસનુ લાઇટબીલ, તથા ભાડા કરાર જેવી વિગેરે ચીજ વસ્તુઓ મળી આવેલ છે.
જે અંગે વધુમાં એસપી વિજયસિંહ ગુર્જેરે જણાવ્યું હતું કે, અલ્પેશ દોંગાને રૂપીયા કોણ ફાયનાન્સ કરતું હતું અને ગેરકાયદેસર કમાણી ક્યાં રોકાણ થતી તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ જોતરાઈ: ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહીના એંધાણ
કુખ્યાત અલ્પેશ દોંગા અને તેના સાગરીતોએ મની પ્લસ નામે શરાફી મંડળી શરૂ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતોની જમીનો ધિરાણના બહાને પડાવી લેવાનું કારસ્તાન શરૂ કર્યું હતું. સંચાલક અલ્પેશ દોંગા સામે હાલ સુધીમાં જીપીઆઇડી એકટ સહિતની ગંભીર કલમો હેઠળ અલગ અલગ પોલીસ મથકમાં 14 જેટલા ગુના દાખલ થયેલ છે. હવે રૂરલ પોલીસની સાથે શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે ત્યારે આગામી દિવસમાં અલ્પેશ દોંગા આણી ટોળકી સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
જે ખેડૂતોનો ડેટાબેઝ મળ્યો તેમના સુધી પોલીસ પહોંચશે: 'ટ્રસ્ટ' વોટ્સઅપ ગ્રુપની સાયબર નિષ્ણાંતો દ્વારા તપાસ કરાશે
અલ્પેશ દોંગાની ઓફિસમાંથી મળેલા 7/12, સાટાખત તથા સહીવાળા કોરા ચેક જે ખેડૂતો/વ્યક્તિઓના છે, તેઓનો સંપર્ક કરી તેઓ પણ આ ટોળકીનો ભોગ બન્યા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવશે. મોબાઇલ ફોન, કમ્પ્યુટર તથા “ટ્રસ્ટ” વોટ્સએપ ગ્રુપનો ડેટા સાયબર નિષ્ણાતો મારફતે મેળવી વિશ્લેષણ કરવામાં આવશે. આરોપીઓ પાસે નાણાં ધીરધારનું માન્ય લાયસન્સ છે કે કેમ, નાણાંકીય વ્યવહારો, બેંક ખાતાઓ તથા જમીનના દસ્તાવેજોના આધારે લેવાયેલ નાણાંની તપાસ કરવામાં આવશે.
14 મોબાઇલ ફોન, કમ્પ્યુટર, 32 ખેડૂતોની જમીનના 7/12, સહીવાળા કોરા ચેક, હજારો સંભવિત ગ્રાહકોના નંબરોની યાદી કબ્જે: રૂરલ એલસીબી ટીમની કાર્યવાહી

