Dailyhunt
લખનઉ સામે પ્રારંભિક ધબડકા બાદ રીઝવી-સ્ટ્રબ્સે દિલ્હીને મેચ જીતાડી

લખનઉ સામે પ્રારંભિક ધબડકા બાદ રીઝવી-સ્ટ્રબ્સે દિલ્હીને મેચ જીતાડી

અબતક 1 week ago

142 રનના આસાન લક્ષ્‍યને દિલ્હી કેપિટલ્સે 17 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો

આઈપીએલની 5મી મેચમાં દર્શકોને એક જબરદસ્ત રોમાંચક મુકાબલો જોવા મળ્યો. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. એક સમયે દિલ્હીની ટીમે માત્ર 26 રનના સ્કોર પર જ પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી અને એવું લાગી રહ્યું હતું કે દિલ્હી આ મેચ આસાનીથી હારી જશે.

પરંતુ, ત્યારપછી યુવા ખેલાડી સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સની જોડીએ મેદાન પર એવો ચમત્કાર કર્યો કે આખી મેચનો પાસો જ પલટાઈ ગયો. આ બંનેએ 119 રનની અણનમ ભાગીદારી કરીને દિલ્હીને અશક્ય લાગતી જીત અપાવી દીધી.

મેચની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 18.4 ઓવરમાં માત્ર 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. લખનૌ તરફથી અબ્દુલ સમદે થોડી લડત આપતા 25 બોલમાં 36 રન બનાવ્યા હતા. દિલ્હીના બોલર્સની વાત કરીએ તો, લુંગી ન્ગિડી અને ટી. નટરાજને તરખાટ મચાવતા 3-3 વિકેટ પોતાના નામે કરી હતી.

142 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રન ચેઝની શરૂઆતમાં જ દિલ્હીની બેટિંગ લાઈનઅપ વેરવિખેર થઈ ગઈ હતી. પાવરપ્લેમાં ટીમે માંડ 33 રન બનાવ્યા ત્યાં સુધીમાં તો 4 ટોપ ઓર્ડરના બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જેમાં કેએલ રાહુલ (0), નીતિશ રાણા (15), પથુમ નિસાન્કા (0) અને અક્ષર પટેલ (0) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. 26 રનમાં 4 વિકેટ પડ્યા પછી દિલ્હીની જીત સાવ અશક્ય લાગી રહી હતી.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે મોરચો સંભાળ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 76 બોલમાં 119 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ઇનિંગને મજબૂતી આપી. શરૂઆતમાં સાવચેતીથી રમ્યા બાદ, મેચ જેમ જેમ આગળ વધી તેમ બંનેએ પોતાની બેટિંગની ઝડપ વધારી અને 17.1 ઓવરમાં જ ટીમને વિજય રેખા પાર કરાવી દીધી. સમીર રિઝવી આ જીતનો અસલી હીરો રહ્યો, જેણે માત્ર 47 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર 70 અણનમ રન ફટકાર્યા હતા.

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી બોલિંગમાં પ્રિન્સ યાદવે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી, જેના માટે તેણે 3 ઓવરમાં 20 રન આપ્યા હતા. આ ઉપરાંત અનુભવી બોલર મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ અને મોહસીન ખાને 4 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જોકે, શરૂઆતના ઝટકા આપ્યા બાદ તેઓ રિઝવી અને સ્ટબ્સની જોડીને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા.

લખનઉ માટે પંતનું ઓપનિંગ નિષ્ફળ સાબિત થયું

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હાર બાદ બ્રોડકાસ્ટર સાથે વાત કરતી વખતે રિષભ પંતે સૌપ્રથમ પોતાના રન આઉટ વિશે પૂછાયેલા સવાલનો જવાબ આપ્યો જેમાં તેને કહ્યું કે મને લાગે છે કે આ રીતે આઉટ થવાના આઘાતને દૂર કરવાનો બેસ્ટ રસ્તો એ છે કે તેના પર બિલકુલ ધ્યાન ન આપવું, કારણ કે મારો તેના પર કોઈ નિયંત્રણ નથી.આ સિવાય રિષભ પંતે કહ્યું કે આ પીચ પર અમે જે રીતે બેટિંગ કરી, તેનાથી અમે કોઈ મોટી પાર્ટનરશીપ કરી શક્યા નહીં. આવી સ્થિતિમાં અમને એક ઈમ્પેક્ટ પ્લેયરની પણ જરૂર હતી જે કેટલાક રન ઉમેરી શકે, પરંતુ અમે તેમાં પણ સફળ ન થયા. અમે ટોપના ક્રમમાં રાઈટ-લેફ્ટ કોમ્બિનેશન સાથે ગયા જેથી અમે તેમને શરૂઆતમાં લેફ્ટ હેન્ડ સ્પિનરોને બોલિંગ કરતા અટકાવી શકીએ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak