Dailyhunt
LPGની અછતમાં ઘરેલું કનેક્શનની માંગને પહોંચી વળવા કર્મચારીઓની સંખ્યા ડબલ કરતી ગેસ કંપની

LPGની અછતમાં ઘરેલું કનેક્શનની માંગને પહોંચી વળવા કર્મચારીઓની સંખ્યા ડબલ કરતી ગેસ કંપની

અબતક 1 week ago

ગુજરાત ગેસ અને અદાણી ટોટલના કર્મચારીઓ યુદ્ધના ધોરણે મેદાનમાં: દૈનિક અરજીઓમાં 300%નો ઉછાળો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીની સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આ અછત અને સરકારના નવા કડક નિયમોને પગલે ગુજરાતમાં પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) મેળવવા માટે નાગરિકોની પડાપડી થઈ રહી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક પહેલેથી ઉપલબ્ધ છે, ત્યાં સરકારે એલપીજી કનેક્શન સરેન્ડર કરી પીએનજી પર સ્વિચ કરવાનું ફરજિયાત બનાવતા નવી અરજીઓનો ધોધ વછૂટ્યો છે.

આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ અને સાબરમતી ગેસ જેવી અગ્રણી કંપનીઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. વધતી જતી માંગને સમયસર પૂરી કરવા માટે આ કંપનીઓએ પોતાની ફિલ્ડ વર્કફોર્સ (કર્મચારીઓની સંખ્યા) રાતોરાત બમણી કરી દીધી છે. હાલમાં સૌથી મોટો પડકાર કુશળ પ્લમ્બિંગ અને પાઇપલાઇન ટેકનિશિયનોની અછતનો છે. આ સમસ્યાના ઉકેલ માટે ગેસ કંપનીઓ હવે આઈ.ટી.આઈ. (ઈંઝઈં) અને અન્ય વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓ સાથે હાથ મિલાવી રહી છે. આ ક્ષેત્રમાં અત્યારે તેજીનો માહોલ છે અને કામદારો તેમની કુશળતા મુજબ માસિક ₹18,000 થી ₹20,000 સુધીની કમાણી કરી રહ્યા છે. કંપનીઓ નવા સ્ટાફને ઝડપી તાલીમ આપીને સીધા ફિલ્ડ પર ઉતારી રહી છે જેથી ગ્રાહકોને ઇન્સ્ટોલેશન માટે લાંબો સમય રાહ જોવી ન પડે.

વહીવટી સુધારા અને ગ્રાહકોનો સકારાત્મક પ્રતિસાદ

સરકારે પણ આ પ્રક્રિયામાં આવતા અવરોધો દૂર કરવા માટે કમર કસી છે. 'રાઇટ ઓફ વે' (માર્ગનો અધિકાર) મંજૂરી માટેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સ્થાનિક તંત્રના વિલંબને કારણે પાઇપલાઇન નાખવાનું કામ અટકે નહીં. ગ્રાહકો પણ આ બદલાવથી સંતુષ્ટ જણાય છે. અમદાવાદના સ્થાનિક રહીશોના મતે, હવે અરજી કર્યા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં જોડાણ મળી જાય છે. એલપીજીના વિકલ્પ તરીકે પીએનજી વધુ સુરક્ષિત અને સરળ હોવાથી લોકોમાં તેનો સ્વીકાર વધી રહ્યો છે.

અરજીઓમાં ધરખમ ઉછાળો અને મેનપાવરમાં વધારો

ક્ષ ગુજરાત ગેસ: 22 લાખ ગ્રાહકો ધરાવતી આ કંપનીમાં અત્યાર સુધી દૈનિક 300 થી 400 અરજીઓ આવતી હતી, જે હવે વધીને 800 થી 900 પર પહોંચી છે. આથી કંપનીએ પોતાના કામદારોની સંખ્યા 1,150 થી વધારીને 2,450 કરી છે.

ક્ષ અદાણી ટોટલ ગેસ: કંપનીને દરરોજ અંદાજે 500 જેટલી નવી વિનંતીઓ મળી રહી છે, જેને પહોંચી વળવા માટે તેમણે વધારાના 300 નવા કુશળ કામદારોની નિમણૂક કરી છે.

ક્ષ સાબરમતી ગેસ: ઉત્તર ગુજરાતમાં કાર્યરત આ કંપનીમાં અરજીઓ ત્રણ ગણી વધીને દૈનિક 180 થઈ ગઈ છે. પરિણામે, કોન્ટ્રાક્ટ વર્કફોર્સ વધારીને 340 કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak