1350થી વધુ વાહનોની આવક : ચેરમેન જયેશભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ ઉતરાઈની સુચારૂ વ્યવસ્થા ગોઠવાઈ
સૌરાષ્ટ્રના વેપારના હાર્દ સમાન રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 17 એપ્રિલના રોજ ખેતપેદાશોની મબલખ આવક નોંધાઈ છે.
વહેલી સવારથી જ ખેડૂતો પોતાની જણસીઓ લઈને ઉમટી પડતા યાર્ડમાં અંદાજે 1350થી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આજના દિવસે સૌથી વધુ આવક ઘઉં અને ચણાની થઈ છે, જેમાં 1,30,000 મણ ઘઉં અને 1,00,000 મણ ચણાની આવક સાથે યાર્ડમાં જણસીના પહાડ જેવા ઢગલા ખડકાયા હતા.
રવિ પાકની સીઝન પૂરબહારમાં ખીલી હોય તેમ અન્ય જણસીઓની પણ નોંધપાત્ર આવક થઈ હતી. જેમાં મેથી 11,000 મણ, તુવેર 7,200 મણ, વટાણા 6,300 મણ, ધાણા 5,000 મણ તેમજ રાય-રાયડો 4,500 મણની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત કલોંજી, મગફળી અને કપાસ જેવી જણસીઓ પણ પ્રત્યેક 4,000 મણથી વધુ પ્રમાણમાં યાર્ડમાં ઠલવાઈ હતી. સફેદ તલ, વરિયાળી, જીરું, એરંડા અને લસણ ભરેલા વાહનોને પણ ક્રમવાર પ્રવેશ આપી હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યાર્ડમાં વાહનોના ભારે ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન તથા ડિરેક્ટરઓ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સ્ટાફને ખડેપગે રાખીને ખેડૂતોને હાલાકી ન પડે તે રીતે માલની ઉતરાઈ કરાવવામાં આવી હતી. ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યાર્ડનું વહીવટી તંત્ર સતત કાર્યરત રહ્યું હતું.

