ચોમાસાની ચાલુ સીઝન દરમિયાન નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરની સરખામણીએ અત્યાર સુધીમાં 65 ટકા જેટલો ભરાઈ ગયો
ગુજરાતના ખેડૂતો અને કરોડો નાગરિકોની પીવાના પાણી તેમજ સિંચાઈની આશા સમાન નર્મદા ડેમમાંથી ઉત્સાહવર્ધક સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ અને નર્મદા નદીના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત વરસાદને કારણે જળાશયની સપાટીમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમના પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા અનુસાર, હાલ ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક જેટલું પાણી નર્મદા ડેમમાં ઠલવાઈ રહ્યું છે. આ જળપ્રવાહના કારણે ડેમની વર્તમાન સપાટી 126.43 મીટરે પહોંચી ગઈ છે.ચોમાસાની ચાલુ સીઝન દરમિયાન નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરની સરખામણીએ અત્યાર સુધીમાં 65 ટકા જેટલો ભરાઈ ગયો છે. અગાઉના દિવસો કરતાં સપાટીમાં રોજ 24 સેમી જેટલો ઝડપી વધારો નોંધાતા આગામી દિવસો માટે પાણીની ચિંતા હળવી થઈ છે. ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના વિવિધ ડેમોમાં પાણીની સ્થિતિ મજબૂત હોવાથી અને ત્યાંના જળવિદ્યુત મથકો સતત ચાલુ રખાતા, ત્યાંથી છોડવામાં આવતું પાણી સીધું સરદાર સરોવર જળાશયમાં આવી રહ્યું છે.ડેમમાં પાણીની સપાટી સર્વોત્તમ લેવલ તરફ આગળ વધી રહી હોવાથી ટેકનિકલ ટીમ દ્વારા રિવર બેડ પાવર હાઉસના 2 મહત્વપૂર્ણ પાવર હાઉસના યુનિટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ પાવર હાઉસ ચાલુ થવાના કારણે એક તરફ કરોડો યુનિટ સસ્તી ઇકો-ફ્રેન્ડલી વીજળીનું ઉત્પાદન શરૂ થયું છે, તો બીજી તરફ પાવર હાઉસમાંથી ડિસ્ચાર્જ થતું પાણી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમના પટમાં વહી રહ્યું છે, જેનાથી નદી ફરી જીવંત બની છે. નર્મદા નિગમના અધિકારીઓ ડેમની સપાટી અને ઉપરવાસમાંથી આવનારા સંભવિત પૂરના આંકડા પર સતત નજર રાખી રહ્યા છે.

