Dailyhunt
પંચનાથ મંદિરે અયપ્પા ભક્તિનું પાવન પુર્નજાગરમ: સાંજે ભજન કાર્યક્રમ

પંચનાથ મંદિરે અયપ્પા ભક્તિનું પાવન પુર્નજાગરમ: સાંજે ભજન કાર્યક્રમ

અબતક 2 weeks ago

પંચનાથ મંદિરે ભગવાન અયપ્પાની એક તસ્વીર મુકી ભજનની શરૂઆત કરાઈ હતી

શુભ અને પવિત્ર ઉત્તરમ નક્ષત્રના અવસરે રાજકોટના ભગવાન અય્યપ્પાના ભક્તો દ્વારા એક અનોખી અને આધ્યાત્મિક પહેલરૂપે મંદિર સંકલન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશે વિશેષ માહિતી આપતા પ્રમુખ ડો. સંજુ પિલ્લાઇ ઉપપ્રમુખ રાજેશ પિલ્લાઈ, સેક્રેટરીગોપાલ કૃષ્ણ પિલ્લાઇ વિશેષ જણાવે છે કે,પવિત્ર ભજન કાર્યક્રમ શહેરના ઐતિહાસિક અને પાવન પંચનાથ મંદિર ખાતે યોજાશે.

આ આયોજન માત્ર એક ભજન કાર્યક્રમ નહીં પરંતુ ભક્તિભાવ અને આધ્યાત્મિક સ્મૃતિઓ સાથે જોડાયેલું એક વિશેષ પ્રસંગ છે. વર્ષો પહેલાં, જ્યારે રાજકોટમાં અય્યપ્પા મંદિરનું નિર્માણ થયું નહોતું, ત્યારે પંચનાથ મંદિર ખાતે ભગવાન અય્યપ્પાની માત્ર એક પવિત્ર તસ્વીર સ્થાપિત કરીને ભજનની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની નિષ્કપટ શ્રદ્ધા, સમર્પણ અને એકતાના ભાવથી આ નાનકડી શરૂઆત આજે એક વિશાળ અને સશક્ત આધ્યાત્મિક પરંપરામાં વિકસિત થઈ છે.

ભગવાન અય્યપ્પા ધર્મ, શિસ્ત, સમર્પણ અને સમાનતાના જીવંત પ્રતિક છે. તેઓ દરેક ભક્તને જાતિ, વર્ણ અને ભેદભાવથી પરે રહીને ભક્તિ અને સદાચારના માર્ગે ચાલવાનો ઉપદેશ આપે છે. સમગ્ર ભારતમાં, ખાસ કરીને શબરીમલા મંદિર ખાતે તેમની વિશેષ આરાધના કરવામાં આવે છેમ ભગવાન અય્યપ્પા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના દૈવી પુત્ર તરીકે માનવામાં આવે છે, જે શૈવ અને વિષ્ણુ પરંપરાના સુંદર સમન્વયનું પ્રતિક છે.

મંદિર સંકલન ભજન પહેલનો મુખ્ય હેતુ રાજકોટના વિવિધ મંદિરો અને ભક્તોને એક સૂત્રમાં બાંધવાનો છે. આ પહેલ દ્વારા ભક્તોમાં પરસ્પર સ્નેહ, સહકાર અને આધ્યાત્મિક એકતાનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી સમયમાં દર મહિને ભગવાન અય્યપ્પા માટે અત્યંત પવિત્ર માનાતા ઉત્તરમ નક્ષત્રના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં ક્રમશ: ભજન કાર્યક્રમો યોજવાનો નિર્ધાર કરવામાં આવ્યો છેમ આ દ્વારા શહેરના વિવિધ મંદિરો વચ્ચે આધ્યાત્મિક જોડાણ મજબૂત બનશે અને ભક્તિનો પ્રવાહ વધુ વ્યાપક રીતે ફેલાશે. આ પાવન પ્રસંગે તમામ ભક્તોને હાજરી આપવા અનુરોધ કરાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak