Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રથમ ટી-20માં અભિષેક-અય્યરની તોફાની બેટીંગ, વરસાદને કારણે મેચ રદ

પ્રથમ ટી-20માં અભિષેક-અય્યરની તોફાની બેટીંગ, વરસાદને કારણે મેચ રદ

અબતક 3 weeks ago

ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય ન બની: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 189 રનનો મજબૂત સ્કોર ખડક્યો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય બની ન હતી. વરસાદ બંધ ના થતા આખરે અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી. ભારતના બેટસમેનોએ શાનદાર પ્રદર્શન કરવા છતાં મેચ જીતવાની મહેનત વ્યર્થ ગઈ.

ઇંગ્લેન્ડ સામે અભિષેક શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી. ઓપનર અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને કુલ 24 બોલમાં 59 રનની તોફાની ઇનિંગ રમી પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેને સેમ કરને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ઇનિંગ્સના અંતિમ ભાગમાં શિવમ દુબેએ 200ના સ્ટ્રાઇક રેટથી 42 રન બનાવીને ટીમના સ્કોરને 189 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સંજુ સેમસન (1 રન) ફરી એકવાર સસ્તો આઉટ થયો હતો, યુકેના પ્રવાસમાં તેનો ખરાબ ફોર્મ (છેલ્લા ત્રણ સ્કોર: 5, 0, 1) ચિંતાનો વિષય બન્યો છે. તે જ ઓવરમાં ઇશાન કિશન પણ સતત બીજી ઇનિંગ્સમાં રનઆઉટ થતાં ભારતે માત્ર 2 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી.

ઇંગ્લેન્ડ તરફથી લાંબા સમય પછી વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે 33 રન આપીને 3 મહત્વની વિકેટો (સંજુ સેમસન, શ્રેયસ ઐયર અને તિલક વર્મા) ઝડપી હતી. ડાબા ઘૂંટણની સર્જરી અને લાંબા આરામ બાદ સાકિબ મહમૂદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. આ ઇજાના કારણે તે આયર્લેન્ડ પ્રવાસ, એસએ20 અને વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. જોકે, ઇસીબી એ તેના પર ભરોસો રાખીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેને સાકિબે આ મેચમાં સાર્થક કર્યો હતો. શરૂઆતમાં અભિષેક શર્માએ સાકિબની એક ઓવરમાં 21 રન ફટકાર્યા હતા, પરંતુ તેણે શાનદાર વાપસી કરીને ઇનિંગ્સના મધ્ય અને અંતિમ ભાગમાં ભારતને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું.

ટી-20માં ફાસ્ટેસ્ટ 100 સિક્સ ફટકારવાનો અભિષેક શર્માનો રેકોર્ડ

વરસાદમાં ધોવાઈ ગયેલી મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ 59 રનની ઈનિંગ દરમિયાન મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સર ફટકારનારો ક્રિકેટર બન્યો હતો. તેણે 785 બોલમાં જ 100 સિક્સ મારી હતી. અભિષેકે વેસ્ટ ઈન્ડિઝના એવિન લુઈસનો રેકોર્ડ તોડ્યો હતો, લિઈસે 789 બોલમાં 100 છગ્ગા માર્યા હતા.

ઉપરાંત અભિષેક શર્માએ ઇંગ્લેન્ડની ધરતી પર ભારત તરફથી રમતાં સૌથી ઝડપી ટી20 ફિફ્ટી પણ ફટકારી હતી. પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અને બેટ્સમેન રાહુલ દ્રવિડના નામે હતો. દ્રવિડે 2018માં માંચેસ્ટરમાં 27 બોલમાં અડધી સદી ફટકારી હતી.

અય્યરે ટી-20માં પાંચ હજાર રન પુરા કર્યા

ઇંગ્લેન્ડ સામે રમાયેલી રોમાંચક પ્રથમ ટી20 મેચમાં ભારતીય કેપ્ટ્ન શ્રેયસ અય્યરે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શાનદાર અર્ધસદી ફટકારવાની સાથે જ અય્યરે ટી20 ક્રિકેટમાં પોતાના 5,000 રન પૂરા કરી લીધા છે.અય્યરે આ મુકામ સુધી પહોંચવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની આ સિદ્ધિ દર્શાવે છે કે તે ટૂંકા ફોર્મેટમાં કેટલો સાતત્યપૂર્ણ ખેલાડી રહ્યો છે.

મેદાન બહાર બેસાડી રાખવાથી સૂર્યવંશી પર દબાણ વધી જશે: સુનીલ ગવાસ્કર

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને ચેતવણી આપતા જણાવ્યું છે કે, 15 વર્ષીય યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂમાં સતત વિલંબ કરવાથી તેના પર દબાણ વધુ વધી જશે.આ વિલંબ વૈભવ જ્યારે પણ મેદાન પર ઉતરશે ત્યારે તેના પર વધુ દબાણ ઊભું કરશે. જોકે, માત્ર 15 વર્ષની ઉંમરે ખેલાડીઓ દબાણ વિશે બહુ વિચારતા નથી. પણ તે એટલું ચોક્કસ જાણે છે કે જો તેને બીજી કે ત્રીજી મેચમાં તક મળશે, તો તેણે તરત જ પરફોર્મ કરીને બતાવવું પડશે.જોકે ગાવસ્કરે ઉમેર્યું કે, ટીમ ઇન્ડિયાના આ ડ્રેસિંગ રૂમમાં અત્યારે અદ્ભુત ખેલાડીઓ છે અને તેમની સાથે રહીને ઘણું શીખવું એ પણ વૈભવ માટે એક શાનદાર અનુભવ છે.જો આ સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ભારત તરફથી ડેબ્યૂ કરશે, તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટોપ-લેવલ મેન્સ ટી20 ક્રિકેટ રમનારો વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની જશે. આ સાથે જ તે ભારત તરફથી ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ (16 વર્ષની ઉંમરે ડેબ્યૂ) પણ તોડી નાખશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak