હૈદરાબાદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર દેશની 37 વીરાંગના દીકરીઓ દેશની સુરક્ષામાં અધિકારી તરીકે જોડાય છે. ઐતિહાસિક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેલંગાણાના હૈદરાબાદ નજીક આવેલા ડુંડીગલ સ્થિત પ્રતિષ્ઠિત એર ફોર્સ એકેડેમી (AFA) ખાતે ૨૧૭મા કોર્સની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) ભવ્ય અને લશ્કરી શિસ્તબદ્ધ માહોલમાં યોજાઈ ગઈ.
આ ગૌરવશાળી પ્રસંગે ભારતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે વાયુસેનાના ફ્લાઇટ કેડેટ્સની પ્રી-કમિશનિંગ ટ્રેનિંગના સફળ સમાપન નિમિત્તે યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને નવા કમિશન્ડ થયેલા અધિકારીઓને દેશના સંરક્ષણ કાજે સમર્પિત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પરેડ ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ સમાન છે કારણ કે આ વખતે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) માંથી તાલીમ મેળવીને આવેલી મહિલા કેડેટ્સની પ્રથમ બેચ પણ આ વાયુસેના પરેડનો ભાગ બનીને ઓફિસર તરીકે દેશસેવામાં જોડાઈ છે.
૨૩૧ ફ્લાઇટ કેડેટ્સ વાયુસેનાના ઓફિસર બન્યા
આ ઐતિહાસિક કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડમાં કુલ ૨૩૧ ફ્લાઇટ કેડેટ્સ (૧૯૪ પુરુષો અને ૩૭ મહિલાઓ) એ વાયુસેનાના ફ્લાઈંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચમાં ઓફિસર તરીકે શપથ લીધા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ કેડેટ્સને ‘પ્રેસિડેન્ટ્સ કમિશન’ એનાયત કર્યું હતું. આ ઉપરાંત, પીપિંગ અને કમિશનિંગ સેરેમની દરમિયાન કેડેટ્સના ખભા પર ઓફિસરના સ્ટાર્સ લગાવવામાં આવ્યા ત્યારે વાતાવરણ ભાવુક અને ગૌરવપૂર્ણ બની ગયું હતું. આ પ્રસંગે ભારતીય નૌકાદળ ના ૯ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના ૩ અધિકારીઓ અને વિયેતનામના ૨ મિત્ર દેશના અધિકારીઓને પણ વાયુસેના તરફથી ફ્લાઇંગ વિંગ્સ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ૩ અધિકારીઓને નેવિગેશન ટ્રેનિંગ પૂર્ણ કરવા બદલ બ્રેવેટ્સ આપવામાં આવ્યા હતા.
પરેડની સલામી ઝીલ્યા બાદ દેશના યુવા વાયુ યોદ્ધાઓને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેના (IAF) ની વીરતાના ભવ્ય ઇતિહાસને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ભારતીય વાયુસેનાએ હંમેશા દેશ માટે એક ઢાલ (Shield) અને તલવાર (Sword) બંને તરીકે કામ કર્યું છે. આપણો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે, ત્યારે વાયુસેનાના વીરોએ દુશ્મનોના દાંત ખાટા કર્યા છે.”
રાજનાથ સિંહે ૧૯૪૭-૪૮ના કાશ્મીર યુદ્ધમાં શ્રીનગર એરલિફ્ટ ઓપરેશન અને ૧૯૭૧ના યુદ્ધમાં માત્ર ૧૩ દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દેનારી નિર્ણાયક એર સ્ટ્રાઇક્સનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે વાયુસેનાની તાજેતરની ક્ષમતાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫માં હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન વાયુસેનાએ અદભુત શૌર્ય દાખવીને આતંકવાદીઓના અડ્ડાઓનો સચોટ સફાયો કર્યો હતો. આ ઓપરેશન માત્ર આપણી સ્વદેશી ટેક્નોલોજી અને પ્લેટફોર્મ્સના કારણે જ નહીં, પરંતુ વાયુસેનાના પ્રશિક્ષિત, હિંમતવાન અને શિસ્તબદ્ધ અધિકારીઓની કુશળતાના કારણે જ સફળ બન્યું હતું. સંરક્ષણ મંત્રીએ પોતાના ભાષણમાં વાયુસેનામાં મહિલા પાયલોટ્સ અને અધિકારીઓની વધતી સંખ્યા અંગે ભારે આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ભારતીય વાયુસેનામાં લિંગ સમાનતા (Gender Equality) હવે માત્ર એક વૈચારિક કન્સેપ્ટ નથી રહી, પરંતુ તે જમીની સ્તરે એક વાસ્તવિકતા બની ચૂકી છે. એનડીએ (NDA) માંથી ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલી મહિલા કેડેટ્સની પ્રથમ બેચનું વાયુસેનામાં સામેલ થવું એ આપણી વધતી નારી શક્તિનું જીવંત પ્રતીક છે.” તેમણે ઉમેર્યું કે, વાયુસેનામાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી આપણું સૈન્ય માળખું વધુ મજબૂત, સંતુલિત અને વ્યાપક બનશે. આ સમાવેશી સંસ્કૃતિ અને મહિલાઓનો આત્મવિશ્વાસ નવા ભારતના પ્રગતિશીલ અભિગમની સાબિતી આપે છે.
ભવિષ્યના યુદ્ધો અને આધુનિક યુદ્ધ તકનીક અંગે ચેતવણી
આજના આધુનિક યુગમાં બદલાતા યુદ્ધના સ્વરૂપો અંગે નવા અધિકારીઓને માર્ગદર્શન આપતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, પરંપરાગત યુદ્ધો સૈનિકો અને તેમના હથિયારો વચ્ચે લડાતા હતા, પરંતુ આજનું યુદ્ધ ક્ષેત્ર બદલાઈ ગયું છે. હવે આધુનિક ટેક્નોલોજી, સાયબર સ્પેસ અને ડ્રોન ટેક્નોલોજીના કારણે ઘણી વખત દુશ્મન સામે દેખાતો પણ નથી અને હથિયાર ક્યાંથી વાપરવામાં આવ્યું તે પણ જાણી શકાતું નથી.
આથી, તેમણે યુવા ઓફિસર્સને ભવિષ્યની આવી અણધારી અને અદ્રશ્ય સુરક્ષા પડકારો સામે સદાય સતર્ક અને તત્પર રહેવા માટે આહ્વાન કર્યું હતું. રાજનાથ સિંહે કેડેટ્સને સલાહ આપી કે, “ભવિષ્યની યુદ્ધ પ્રણાલીઓ અને રણનીતિઓને ઊંડાણપૂર્વક સમજો. ભવિષ્યની ટેક્નોલોજીને અપનાવો અને તેમાં સુધારા કરો જેથી આપણે કોઈપણ વૈશ્વિક પડકાર સામે વિજયી બની શકીએ. રાષ્ટ્રહિતને હંમેશા દરેક બાબતથી ઉપર રાખવું એ તમારી સર્વોચ્ચ ફરજ છે.”
વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય
રાજનાથ સિંહે એર ચીફ માર્શલ એ. પી. સિંહની હાજરીમાં વાયુસેનાના નેતૃત્વની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આ નવી પેઢીના યોદ્ધાઓ ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. તેમણે જણાવ્યું કે, યુવા ઓફિસર્સની દૂરંદેશી અને દેશભક્તિ જ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં એક પૂર્ણ વિકસિત અને શક્તિશાળી રાષ્ટ્ર (Developed India) તરીકે પ્રસ્થાપિત કરશે.
ભવ્ય એર શો અને કરતબો
આ ગ્રેજ્યુએશન પરેડના અંતે આકાશમાં વાયુસેનાના વિમાનો અને હેલિકોપ્ટરો દ્વારા દિલધડક ફ્લાયપાસ્ટ અને એરોબેટિક કરતબો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આકાશમાં ત્રિરંગો બનાવતા વાયુસેનાના રાફેલ, સુખોઈ અને સ્વદેશી તેજસ વિમાનોની ગર્જનાએ ડુંડીગલ એરપોર્ટના વાતાવરણમાં દેશભક્તિનો રોમાંચ ભરી દીધો હતો. હાજર રહેલા કેડેટ્સના પરિવારોના ચહેરા પર પોતાના સંતાનોને ઓફિસર યુનિફોર્મમાં જોઈને ખુશી અને ગર્વના આંસુ છલકાઈ આવ્યા હતા.
હૈદરાબાદની આ એર ફોર્સ પરેડ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે ભારતીય સૈન્યની અદમ્ય ક્ષમતા દર્શાવે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના પ્રેરણાદાયી શબ્દો સાથે વાયુસેનાના ૨૩૧ નવા લડાકુ અધિકારીઓ હવે ગગનની રક્ષા કરવા માટે સજ્જ થઈ ચૂક્યા છે.

