Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રીમિયમ સેગમેન્ટમાં વિદેશી નહીં પરંતુ ટાટા અને મહિન્દ્રા વચ્ચે જબરદસ્ત હોડ જામી

પ્રીમિયમ સેગમેન્ટમાં વિદેશી નહીં પરંતુ ટાટા અને મહિન્દ્રા વચ્ચે જબરદસ્ત હોડ જામી

અબતક 2 weeks ago

ઇલેક્ટ્રિક વ્હિકલમાં વિકાસના 'મોજા' ઉછળ્યાં

હિન્દ્રા 2031 સુધીમાં 6 નવી 'બોર્ન-ઇલેક્ટ્રિક' કાર લાવશે, તો ટાટા પ્રીમિયમ સિયેરા ઇવી સાથે માર્કેટ ગજવવા તૈયાર

ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યારે ઇલેક્ટ્રિક વ્હિકલ (ઈવી) ક્રાંતિ પૂરજોશમાં ચાલી રહી છે અને દેશમાં ઇવી વિકાસના મોજા ઉછળ્યા છે. પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ ઇલેક્ટ્રિક કાર માર્કેટ પર કબજો જમાવવા માટે અત્યારે કોઈ વિદેશી કંપનીઓ નહીં, પરંતુ ભારતની જ બે સ્વદેશી ઓટોમોબાઈલ દિગ્ગજ કંપનીઓ ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વચ્ચે જબરદસ્ત દોટ જામી છે.

નાણાકીય વર્ષ 2026 ના વાર્ષિક અહેવાલો દર્શાવે છે કે બંને કંપનીઓ તદ્દન અલગ પરંતુ આક્રમક બિઝનેસ સ્ટ્રેટેજી સાથે માર્કેટ લીડર બનવા માટે આમને-સામને આવી ગઈ છે.

પ્રોફિટેબિલિટી અને પ્રીમિયમ પાથ પર મહિન્દ્રાનો દાવ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બજારમાં મોટી સંખ્યામાં સસ્તી ગાડીઓ વેચવાને બદલે માત્ર હાઈ-વેલ્યુ અને પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવી (ઈ -એસયુવી) પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપની ખાસ ઇવી માટે જ તૈયાર કરાયેલા 'બોર્ન-ઇલેક્ટ્રિક' પ્લેટફોર્મ પર ભરોસો મૂકી રહી છે.

નાણાકીય વર્ષ 2026 માં મહિન્દ્રાના આ પ્રીમિયમ અભિગમનો મોટો ફાયદો જોવા મળ્યો છે. આ ગાળામાં કંપનીના ઈ -એસયુવી બિઝનેસે ₹15,089 કરોડની જંગી આવક મેળવી છે, જ્યારે આ વર્ષ દરમિયાન કંપનીએ 50,835 વાહનોનું વેચાણ કર્યું હતું. રેવન્યુ માર્કેટ શેરની દ્રષ્ટિએ મહિન્દ્રા દેશની નં. 1 પ્રીમિયમ ઈ -એસયુવી પ્લેયર તરીકે ઉભરી આવી છે. કંપની આગામી નાણાકીય વર્ષ 2031 સુધીમાં વધુ 6 નવી બોર્ન-ઇલેક્ટ્રિક પ્રીમિયમ એસયુવી માર્કેટમાં ઉતારવાનું મજબૂત આયોજન ધરાવે છે.

બીજી તરફ, દેશની સૌથી મોટી ઇવી ઉત્પાદક કંપની ટાટા મોટર્સ માર્કેટના તમામ સેગમેન્ટને આવરી લઈને મોટા પાયે ઉત્પાદન અને માર્કેટ વિસ્તારની વ્યૂહરચના પર આગળ વધી રહી છે. ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસે નાણાકીય વર્ષ 2026 માં વાર્ષિક ધોરણે 63.8% નો મજબૂત ઉછાળો નોંધીને ₹13,410 કરોડની આવક મેળવી છે.

વોલ્યુમ એટલે કે વાહનોની સંખ્યાની દ્રષ્ટિએ ટાટાએ 43 ટકા ના ગ્રોથ સાથે રેકોર્ડબ્રેક 92,179 ઇવી યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે તેને દેશનો સૌથી મોટો પેસેન્જર ઈવી બિઝનેસ બનાવે છે. આગામી સમયમાં ટાટા મોટર્સ પોતાની બહુપ્રતિક્ષિત પ્રીમિયમ સિયેરા ઇવી લોન્ચ કરવા જઈ રહી છે. ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીના એમડી શૈલેષ ચંદ્રાના જણાવ્યા મુજબ, જેમ-જેમ માર્કેટ પ્રીમિયમ તરફ શિફ્ટ થઈ રહ્યું છે, તેમ ટાટા પણ પોતાની મિડિયન પ્રાઇસ રેન્જ વધારીને આ સેગમેન્ટમાં પકડ મજબૂત કરી રહી છે. કંપની આ દાયકાના અંત સુધીમાં પોતાના કુલ વેચાણમાં ઈવીનો હિસ્સો 30 ટકા સુધી લઈ જવા માંગે છે.

ટાટા અને મહિન્દ્રા વચ્ચેની આ રેસ પર માર્કેટ એનાલિટ્સ પણ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જો દેશમાં ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધશે તો ટાટા મોટર્સના બ્રોડ પોર્ટફોલિયો અને માર્કેટ સ્કેલને મોટો ફાયદો થશે. જ્યારે બીજી તરફ, પ્રીમિયમ અને લક્ઝરી ગ્રાહકો આકર્ષાશે તો મહિન્દ્રાનું 'બોર્ન-ઇલેક્ટ્રિક' પ્રીમિયમ લાઇન-અપ ભવિષ્યમાં વધુ પ્રોફિટેબલ સાબિત થઈ શકે છે. જો કે, હાલના તબક્કે તો ગ્રીન મોબિલિટી માર્કેટમાં આ બંને ભારતીય દિગ્ગજો જ બજાર પર રાજ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak