5 દિવસ પૂર્વે વડોદરાથી રાજકોટ નોકરીની શોધમાં આવેલા યુવકે માનસિક તણાવમાં જીવન ટૂંકાવ્યું
રાજકોટ-મોરબી હાઈવે પર હડાળા પાટિયા પાસે ગઈકાલે બપોરે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ વડોદરા સ્થાયી થયેલા અને રોજગારીની શોધમાં રાજકોટ આવેલા 39 વર્ષીય નેપાળી યુવકે માનસિક કંટાળાના કારણે ચાલતા ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જગદીશભાઈ રામદૂત પ્રસાદ જોશી (ઉં.વ. 39) છેલ્લા પાંચ દિવસથી કામની શોધમાં રાજકોટ આવ્યા હતા અને હાઈવે પર આવેલી વિરાટ હોટલમાં રોકાયા હતા. ગઈકાલે બપોરે 12:30 વાગ્યાની આસપાસ હોટલ પાસે જ તેઓએ અચાનક રોડ પરથી પસાર થતા ટ્રક નીચે ઝંપલાવ્યું હતું.
આ અકસ્માતમાં તેમના બંને પગ કપાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નેપાળી સમાજના અગ્રણી સંજય કાર્તિક સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાંજગદીશભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ગઈકાલે સાંજે તેમનું મોત નીપજ્યું હતું.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા. તેમના પરિવારમાં સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.
તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે પરેશાન હતા, જેના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. બનાવને પગલે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને કબજે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કામ માટે આવેલા યુવકના મોતના સમાચારથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

