વરસાદને કારણે કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગોંડલ રોડ અને હોસ્પિટલ ચોક જેવા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા, ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા ભારે વરસાદી માહોલ વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ગત રાત્રીએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.શનિવાર બાદ રવિવારની રાત્રે પણ રાજકોટ શહેરમાં મેઘરાજાએ જમાવટ કરી હતી.
રવિવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ તોફાની ઇનિંગ રમી હતી. શહેરમાં મોડી રાત્રે ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રવિવારે મધરાતે પણ મેઘરાજાની ગર્જના સાથે તોફાની આગમન થયું હતું.
જોરદાર એન્ટ્રી સાથે વરસતા તોફાની પાણીથી ઘણા વિસ્તારોમાં માત્ર બે રાતના થયેલા વરસાદમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને કાદવ-કીચડની વ્યાપક ફરિયાદો ઉઠી છે.મધ્યરાત્રિ પછી વરસાદ વધ્યો હતો.રાત્રે 3 થી 4 વાગ્યા વચ્ચે શહેરમાં સૌથી વધુ વરસાદ રાત્રે 3 થી 4 વાગ્યાના એક કલાક દરમિયાન નોંધાયો હતો. આ સમયગાળામાં ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ 20 મિમી વરસાદ, વેસ્ટ ઝોનમાં 24 મિમી વરસાદ, સેન્ટ્રલ ઝોનમાં 22 મિમી વરસાદ પડ્યો હતો.
માત્ર થોડા જ કલાકોમાં ખાબકેલા ભારે વરસાદને કારણે કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગોંડલ રોડ અને હોસ્પિટલ ચોક જેવા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા.રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જસદણ અને લોધીકા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ગાજવીજ સાથે ઘણા સ્થળોએ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.રાતે ભારે વરસાદ નોંધાયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.
આજી-2 ડેમના બે દરવાજા ખોલાયા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના
વરસાદને કારણે પાણીની આવકને પગલે રાજકોટ તાલુકાના આજી-2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમના બે દરવાજા રાતે 1.10 કલાકે 0.0762 મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.
આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
ડેમની પૂર્ણ જળસપાટી 73.76 મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર 72.5 મીટર છે, આવક અને જાવક 340 ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ
| પડધરી | 35 મીમી |
| રાજકોટ | 114મીમી |
| લોધીકા | 165મીમી |
| કોટડાસાંગણી | 127મીમી |
| જસદણ | 13 મીમી |
| ગોંડલ | 205મીમી |
| જામકંડોરણા | 118મીમી |
| ઉપલેટા | 175મીમી |
| ધોરાજી | 270મીમી |
| જેતપુર | 158મીમી |
| વીંછિયા | 33 મીમી |

