સોનાના ઘરેણાં પેટે પૂરું પેમેન્ટ મેળવી મુંબઈના શખ્સે ઓર્ડર મુજબ માલ ન મોકલ્યો: ટોળકીએ કાવતરૂ રચી યુવાનને ફસાવી પૈસાની ઉઘરાણી શરૂ કરી'તી
દુકાને ધસી જઈ સતત માનસિક યાતના આપતાં શખ્સોના ત્રાસથી કંટાળી સોની વેપારીએ નાઈટ્રીક એસિડ ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી'તી
કેવડાવાડીમાં રહેતા સોની વેપારીએ નાઈટ્રીક એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
યુવાનને સોના-ચાંદીના દાગીનાના વેપારમાં પુરા પૈસા મેળવી અધૂરો માલ આપી વ્યવસ્થિત ફસાવી લઈ સાત શખ્સોએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. સતત આરોપીઓ દ્વારા મળતી ધમકીથી કંટાળી યુવાને સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. જે મામલે ભક્તિનગર પોલીસે સુસાઇડ નોટના આધારે સાત શખ્સો વિરુદ્ધ મરવા મજબુર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
કેવડાવાડી શેરી નં.-15 માં રહેતા 58 વર્ષીય પ્રૌઢા ગીતાબેન શીરીશભાઇ રાણપરાએ આરોપી તરીકે હાર્દિક ભરતભાઈ ગોસ્વામી (રહે. મોરબી), ભરત ગોસ્વામી, વિનોદભાઈ (રહે. મુંબઈ), અરવિંદ ગઢવી (રહે. સૂરત), વિપુલભાઈ, રવિભાઈ, યશભાઈ અને ભાયજીનું નામ આપતાં ભક્તિનગર પોલીસે બીએનએસની કલમ 108,351(2), 54 હેઠળ ગુનો નોંધ્યો હતો.
પ્રૌઢાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મારા પરીવારમાં હું તથા મારા પતિ શીરીશ ચીમનલાલ અને બે દીકરા છે. જેમા મોટો દીકરો તેજસભાઈ છે જેના લગ્ન બીજલબેન સાથે થયેલ છે. તેને સંતાનમા એક દીકરો અને એક દીકરી છે. તેનાથી નાનો દીકરો રૂપેશભાઇ છે જેના લગ્ન સ્વેતાબેન સાથે થયેલ છે અને તેને સંતાનમા એક દીકરી છે.
ગોસ્વામી પિતા-પુત્ર રૂ 20 લાખની ઉઘરાણી કરતા
પાંચ વર્ષ પહેલા મારા બન્ને દીકરાઓએ દેવપરામાં શક્તિ હોટલવાળી શેરીમા બી.એમ.જ્વેલર્સ નામથી સોના-ચાંદીની દુકાન શરૂ કરેલ હતી. મારો મોટો દીકરો તેજસ તૈયાર સોના તથા ચાંદીના દાગીના ખરીદી કરી વેચાણ કરતો હતો. નાનો દીકરો રૂપેશ તે દુકાનમા ઉપરના માળે બહારથી ઓર્ડર લઇ ચાંદીના દાગીના બનાવતો હતો. ડિસેમ્બર, 2025 માં પુત્ર તેજસે મને વાત કરેલ કે, મે મોરબીના હાર્દીકભાઈ ભરતભાઇ ગોસ્વામી તથા તેના પિતા ભરતભાઈ ગોસ્વામી પાસેથી સોનાના દાગીનાઓ ખરીદી કરેલ હતા. ધંધામા થોડી નુકશાની જતા તેઓ પાસેથી ખરીદેલા દાગીના પેટે 20 લાખ ચુકવવાના બાકી છે. જે પૈસાની ઉઘરાણી કરી હાર્દીકભાઇ તથા તેના પિતા ભરતભાઇ દુકાને આવી ધમકી આપે છે. જેથી મે કટકે કટકે પૈસા ચૂકવી આપવાનું પુત્રને કહ્યું હતું.
ગોસ્વામી પિતા-પુત્રે મુંબઈના વિનોદ સાથે પરિચય કરાવ્યો, વિનોદે 70 લાખ મેળવી લઈ માલ ઓછો મોકલ્યો
વધુમાં મે ધંધામાં નુકસાની બાબતે પૂછતાં તેજસે જણાવેલ કે, હાર્દીકભાઇએ મુંબઇમાં સોનાના દાગીના વેચતા વિનોદભાઇની ઓળખાણ કરાવેલ હતી. મે વિનોદભાઇ પાસેથી આશરે 70 લાખના દાગીના મંગાવેલ હતા. જેના પૈસા ચૂકવવા સુરત ખાતે રહેતા અરવિંદભાઈ ગઢવી પાસેથી ઉછીના પૈસા લઇને વિનોદભાઈને આપેલ હતા. પરંતુ જેટલા દાગીના મંગાવેલ તેનાથી ઘણા ઓછા દાગીના વિનોદભાઇએ મોકલેલ હતા. જેના લીધે ધંધામા પૈસાનુ રોકાણ મોટું થઇ ગયેલ હતું. મે વિનોદભાઈને પૂરા દાગીના મોકલાવવાનું કહેતા હાર્દીકભાઈને હું પૈસા ચુકવી આપું પછી તે દાગીના મોકલશે તેમ જણાવતા હતા.
પૈસા આજે પણ આપવા પડશે અને કાલે પણ આપવા પડશે, નહીતર હુ તને જીવવા નહી દઉં તેવી ધમકી આપી
બે-ત્રણ મહીના પહેલા બપોરના બાર વાગ્યે હુ દુકાને ગયેલ હતી. ત્યારે મારો મોટો દીકરો તેજસ પણ હાજર હતો. અમે બન્ને દુકાને બેસેલ હતા ત્યારે ભરતભાઈ ગોસ્વામી અને તેના સંબંધી કાતિભાઇ દુકાને આવેલ અને મારા દીકરા તેજસને ભરતભાઇ ગોસ્વામીએ પૈસા આપવાના છે કે કેમ ? તેમ કહી તારે પૈસા આજે પણ આપવા પડશે અને કાલે પણ આપવા પડશે, નહીતર હુ તને જીવવા નહી દઉં તેવી ધમકીઓ આપવા લાગેલ હતો. તેની સાથે આવેલ કાંતિભાઇ મધ્યસ્થી કરી શાંતિથી સમાધાન મારફતે રસ્તો કાઢવાની વાત કરતા હતા.
વિનોદ અમારો જ માણસ છે, તે તને પૈસા નહિ આપે…
તેજસએ ભરતભાઇ અને વિનોદભાઇએ મને દાગીના આપેલ નથી, તેના લીધે મારૂ બધુ રોટેશન અટકી ગયેલ છે તેવી વાત કરતા ભરતભાઈએ કહેલ કે, વિનોદભાઈ તમને પૈસા નહી આપે તે અમારા માણસ છે. બાદ ભરતભાઇ બોલાચાલી કરવા લાગેલ હતા પણ કાંતિભાઈએ વચ્ચે પડી ઝગડો અટકાવેલ હતો બાદ તેઓ બંને ચાલ્યા ગયેલ હતા. ત્યારે તેજસે મને કહેલ કે, હુ આ લોકોને પૈસા નહી ચુકવુ તો તે આપણા પરીવારને હેરાન કરી નાખશે તેવી ધમકીઓ આપે છે, હું લોકોના ત્રાસથી થાકી ગયેલ છુ તેમ કહેલ હતુ.
વેપારીએ દુકાને જ વખ ઘોળ્યું, ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી
પ્રૌઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પુત્ર તેજસે તમામ આરોપીઓની ધમકીથી કંટાળી ગઈ તા- 19/06/2026 ના રોજ દુકાને નાઇટ્રીક એસીડ પી લેતા તેનું મોત નીપજ્યું હતું. દીકરાની સારવાર ચાલુ હતી ત્યારેને તેના પેન્ટના ખિસ્સામાંથી સુસાઇડ નોટના પાના મળેલ હતા. જેમાં તેણે તમામ આરોપીએ આપેલી ધમકીઓથી કંટાળી પગલું ભરી લીધાનું જણાવ્યું હતું.
ભક્તિનગર પોલીસે મોરબી, સુરત અને મુંબઈ સહિતના સાત શખ્સો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણની કલમો હેઠળ ગુનો નોંધ્યો

