ગોંડલ એસઆરપી જૂથના અધિક્ષક કલ્પેશકુમાર ચાવડા, સુરત એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ, અમદાવાદના ભરતકુમાર રાઠોડ, પ્રફુલ વાનિયા, રાજેશકુમાર પરમારની પણ પસંદગી
ગુજરાત કેડરના છ અધિકારીઓને આઈપીએસ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. રાજકોટના ડીસીપી રાકેશ દેસાઈ સહીત છ વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા કેડરમાં પ્રમોશન આપતી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પત્ર અનુસાર, 6 અધિકારીઓને પ્રોબેશન પર આઇપીએસ કેડર ફાળવવામાં આવી છે. જેમાં રાજદીપસિંહ એન. નકુમ, ભરતકુમાર બી. રાઠોડ, પ્રફુલ વી. વાનિયા, રાજેશકુમાર ટી. પરમાર, કલ્પેશકુમાર એમ. ચાવડા અને રાકેશ ડી. દેસાઈનો સમાવેશ થાય છે.
આ તમામ 6 અધિકારીઓ ઇન્ડિયન પોલીસ સર્વિસના નિયમો અનુસાર એક વર્ષ માટે પ્રોબેશન પર રહેશે. આ સમયગાળા દરમિયાન તેમણે ટ્રેનિંગ પણ પૂર્ણ કરવાની રહેશે. આ નિમણૂક ઇન્ડિયન પોલીસ સર્વિસ હેઠળ રાષ્ટ્રપતિની મંજૂરીથી કરવામાં આવી છે.
જેમાં આઇપીએસ તરીકે નોમિનેટ થયેલ અધિકારીઓમાં રાકેશ દેસાઈ હાલ રાજકોટ શહેરમાં ડીસીપી ઝોન 2 તરીકે ફરજ બજાવી રહેલ છે. ઉપરાંત ગોંડલ એસઆરપી જૂથના અધિક્ષક કલ્પેશકુમાર ચાવડા, રાજદીપસિંહ નકુમ હાલ સુરત ડીસીપી, ભરતકુમાર રાઠોડ અમદાવાદ ડીસીપી, પ્રફુલ વાનીયા ઇન્ટેલિજન્સ ગાંધીનગર, રાજેશકુમાર પરમાર ડીસીપી સુરત તરીકે ફરજ બજાવે છે.

