બ્રિજના તમામ 26 ફાઉન્ડેશન, 26 પિયર તથા 26 પિયર કેપનું કાર્ય 100 ટકા પૂર્ણ
કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે કલાવડ રોડ અને રિંગ રોડ-2ના કટરિયા ચોક ખાતે નિર્માણાધીન ટ્રાયએંગલ ફ્લાયઓવર અને અન્ડરપાસ પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે તેમજ વાહનચાલકોને વધુ સુરક્ષિત, ઝડપી અને સુગમ મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે.
આજની સ્થિતિ મુજબ પ્રોજેક્ટમાં કુલ 47 ટકા કામ થયું છે. જયારે 40.51 ટકા નાણાકીય પ્રગતિ નોંધાઈ છે. પ્રોજેક્ટનું અમલીકરણ, ગુણવત્તા નિયંત્રણ અને બિલિંગ પ્રક્રિયા નિર્ધારિત આયોજન મુજબ સંતોષકારક રીતે આગળ વધી રહી છે.
પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ખોદકામનું 76.03 ટકા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ફ્લાયઓવર માટે જરૂરી તમામ 26 ફાઉન્ડેશન, 26 પિયર તથા 26 પિયર કેપનું કાર્ય 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. કુલ 111 પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ ગર્ડરમાંથી 88 ગર્ડરનું કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે તથા 36 ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.
હાલમાં રિટેઇનિંગ વોલનું આશરે 50 ટકા કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે કુલ 26 પૈકી 2 ડેક સ્લેબનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત યુ-ટાઇપ રિટેઇનિંગ વોલ, પાઇલિંગ, બોક્સ કલ્વર્ટ વિસ્તરણ તેમજ અન્ય તમામ બાકી રહેલી માળખાકીય કામગીરી વિવિધ તબક્કામાં ઝડપી ગતિએ પ્રગતિ હેઠળ છે. કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટની ગુણવત્તા, સલામતી અને સમયમર્યાદાનું કડક પાલન થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી નાગરિકોને આધુનિક અને સુવ્યવસ્થિત ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. કટારીયા ચોકડી ખાતે બની રહેલો સિગ્નેચર બ્રિજ રાજકોટની એક આગવી ઓળખ સમો બની રહેશે. કારણ કે આ ટ્રાયેંગલ બ્રિજમાં ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનશે સાથો સાથે રેગ્યુલર રસ્તો પણ ચાલુ રહેશે શહેર પરનું ટ્રાફિકનું ભારણ ઘટશે અને કટારીયા ચોકડીએ દિવસ દરમિયાન વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા પણ મહદ્? અંશે હલ થઈ જશે.બ્રિજનું નિર્માણ કામ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે.શહેરના ગોંડલ રોડ પર પણ બે નવા બ્રિજ બનાવવામાં આવશે.

