ફિફા વર્લ્ડકપ 2026
સ્પેનનું ફિફા વર્લ્ડકપમાં અજેય ડિફેન્સ, એકપણ ટીમને ગોલ કરવાં નથી દીધો: સ્પેન સામે 1-0 થી હાર બાદ પોર્ટુગલ વર્લ્ડકપમાંથી બહાર ફેકાયું
જ્યારે રમતગમતના ઇતિહાસમાં કોઈ મહાન ખેલાડી પોતાની સફરના અંતિમ પડાવ પર હોય, ત્યારે આખી દુનિયાની નજર તેના પર ટકેલી હોય છે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે પણ કંઈક એવું જ થયું. ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલ અને સ્પેન વચ્ચે રમાયેલી રોમાંચક મેચ માત્ર એક હાર-જીત નહોતી, પરંતુ એક યુગની અંતિમ ક્ષણોની સાક્ષી હતી.
રોનાલ્ડો કદાચ વર્લ્ડ કપની એ એક ટ્રોફી ક્યારેય જીતી ન શક્યો જે હંમેશા તેનાથી દૂર રહી, પરંતુ તેણે ફૂટબોલ ચાહકોના દિલમાં જે સ્થાન મેળવ્યું છે તે ક્યારેય ભૂલી શકાશે નહીં.ફિફા વર્લ્ડકપ 2026 ના રાઉન્ડ ઓફ 16ના એક અત્યંત રોમાંચક મુકાબલામાં યુરોપિયન ચેમ્પિયન સ્પેને પોર્ટુગલને 1-0 થી હરાવીને ક્વાર્ટર-ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. અમેરિકાના ટેક્સાસમાં આવેલા ડલાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં છેલ્લી ઘડી સુધી બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.મેચ દરમિયાન બંને ટીમો રક્ષણાત્મક અને આક્રમક રમત બતાવી રહી હતી અને સ્કોર 0-0 હતો. મેચ જ્યારે એક્સ્ટ્રા ટાઇમ તરફ વધી રહી હોય તેવું લાગતું હતું, ત્યારે જ ઇન્જરી ટાઇમમાં સ્પેનના સબ્સ્ટિટ્યુટ ખેલાડી મિખેલ મેરિનોએ (90+1' મિનિટે) ફેરાન ટોરેસના પાસ પર શાનદાર ગોલ કરીને સ્પેનને અદભુત જીત અપાવી હતી. પ્રથમ હાફમાં બંને ટીમો પાસે સ્કોર કરવાની ઉત્તમ તકો હતી. સ્પેનના મિકેલ ઓયારઝાબાલ અને એલેક્સ બેનાના પ્રયાસોને પોર્ટુગલના ગોલકીપર ડિઓગો કોસ્ટાએ નિષ્ફળ બનાવ્યા હતા, જ્યારે પોર્ટુગલના નુનો મેન્ડિસનો એક શાનદાર શોટ ગોલપોસ્ટના ક્રોસબાર સાથે અથડાયો હતો. સ્પેનની ટીમે આ ટુર્નામેન્ટમાં હજી સુધી એક પણ ગોલ ખાધો નથી અને તેમનો ડિફેન્સ આ મેચમાં પણ અજેય રહ્યો હતો.
રોનાલ્ડોનું સપનું અધૂરૂ જ રહ્યું! મેદાન પર જ રડવા લાગ્યો
મેચ પૂરી થઈ ત્યારે સ્કોરબોર્ડ પર પોર્ટુગલ 0 અને સ્પેન 1 દેખાઈ રહ્યું હતું. સ્પેનના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા અને રોનાલ્ડો મેદાન પર બિલકુલ શાંત ઊભો હતો. તે પોતાની કારકિર્દીમાં છેલ્લી વાર આ ભવ્ય સ્ટેજને નિહાળી રહ્યો હતો. આ શાંત ક્ષણો પછી રોનાલ્ડોની આંખોમાંથી આંસુ વહી પડ્યા. સ્ટોપેજ ટાઈમમાં મિકેલ મેરિનોએ કરેલા ગોલે સ્પેનને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધું અને રોનાલ્ડોની છેલ્લી વર્લ્ડ કપ સફર પર પૂર્ણવિરામ મૂકી દીધું.રોનાલ્ડોને મેદાન પરથી બહાર જતો જોઈને સ્ટેડિયમમાં હાજર તેના ફેન્સ પણ રડી પડ્યા હતા. દુનિયા આંતરરાષ્ટ્રીય ફૂટબોલની એક સૌથી મોટી કારકિર્દીના અંતિમ પ્રકરણની સાક્ષી બની રહી હતી. 41 વર્ષની ઉંમરે રોનાલ્ડોમાં કદાચ પહેલા જેવી સ્પીડ નહોતી રહી, પરંતુ તેનો લડાયક મૂડ અકબંધ હતો. પોર્ટુગલના મેનેજર રોબર્ટો માર્ટિનેઝે તેના પર પૂરો ભરોસો રાખ્યો અને રોનાલ્ડોએ પણ મેદાન પર કટોકટીની ક્ષણોમાં સ્પેનના ડિફેન્ડર્સ સામે એકલા હાથે સંઘર્ષ કરીને એ ભરોસો સાર્થક કરવાનો પ્રયાસ કર્યો.રોનાલ્ડો ફુટબોલના ઈતિહાસનો પહેલો એવો ખેલાડી છે. જેમણે 6 ફીફા વર્લ્ડકપમાં ગોલ કર્યા છે. જે ફીફા વર્લ્ડકપની નોક આઉટ મેચમાં પહોંચવા માટે રમાયેલા સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફીફા વર્લ્ડકપમાં પોર્ટુગલ માટે સૌથી વધારે 11 ગોલ કરનાર ખેલાડી છે.
રેફરીએ રેડ કાર્ડ આપ્યું! ટ્રમ્પએ ફિફાના ચીફને 3 ફોન કરીને અમેરિકાના ફૂટબોલરને અપાયેલું રેડ કાર્ડ રદ કરાવ્યું
અમેરિકાના પ્રમુખે વર્લ્ડ કપના ઇતિહાસમાં 64 વર્ષનો વિક્રમ તોડાવ્યો
અમેરિકન પ્રમુખે ફીફા વર્લ્ડ કપમાં અમેરિકાના ફૂટબોલ પ્લેયર ફોલારિન બાલોગુનને મળેલા સસ્પેન્શનને હટાવી દીધું છે. બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે રાઉન્ડ-32 મેચમાં બાલોગુનને રેડ કાર્ડ મળ્યું હતું, જેના કારણે તેઓ રાઉન્ડ-16 મેચમાંથી બહાર થઈ ગયા હતા. પરંતુ હવે તેઓ બેલ્જિયમ સામે મેચમાં રમતા તો જોવા મળ્યા પણ યુએસએ આ મેચ 4-1થી હારી જતા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે.જોકે બલોગનનું ફાઉલ (મેદાન પરનો ગુનો) ગંભીર ન હોવા છતાં તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હોવાની અમેરિકાની ટીમની દલીલ હતી. રેડ કાર્ડ બતાવાતાં બલોગનને મંગળવારની બેલ્જિયમ સામેની પ્રી-ક્વોર્ટર ફાઇનલ (મંગળવારે પરોઢિયે 5.30)માંથી બાકાત કરવામાં આવ્યો હતો. જોકે એ.પી.ના એક અહેવાલ મુજબ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફેડરેશન ઇન્ટરનેશનલ દ ફૂટબોલ અસોસિયેશન (ફિફા)ના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોને ફોન કરીને બલોગન પરનું રેડ કાર્ડ પાછું ખેંચાવી લેવા કહ્યું હતું અને એ પાછું ખેંચાયું છે જેને પગલે તેને બેલ્જિયમ સામેની મેચમાં રમવાની છૂટ મળી હતી.
બેલ્જિયમે યજમાન અમેરિકાને 4-1થી હરાવી વર્લ્ડકપની રેસમાંથી બહાર કર્યું
ફિફા વર્લ્ડકપ 2026ના રાઉન્ડ ઓફ 16ના રોમાંચક મુકાબલામાં બેલ્જિયમે સહ-યજમાન યુએસએને 4-1થી કારમી હાર આપી છે. આ જીત સાથે બેલ્જિયમે ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, જ્યારે યુએસએનું વર્લ્ડકપ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. કેનેડા અને મેક્સિકો બાદ યુએસએ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થતાં હવે ત્રણેય સહ-યજમાન દેશો આ રેસમાંથી બહાર થઈ ગયા છે.ચાર્લ્સ ડી કેટેલેરે મેચના અસલી હીરો રહ્યા જેમણે પ્રથમ હાફમાં જ બે શાનદાર ગોલ (9મી અને 33મી મિનિટે) કરીને યુએસએની ડિફેન્સ લાઇનને વેરવિખેર કરી નાખી હતી.ક્વાર્ટર ફાઇનલમાં હવે બેલ્જિયમનો સામનો 10 જુલાઈના રોજ લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે મજબૂત સ્પેન સામે થશે, જેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલ ટીમને હરાવીને અહીં સુધી સફર ખેડી છે.

