ભારે વરસાદ અને લેન્ડસ્લાઈડને કારણે મુંબઈ-પુણે વચ્ચેનો સંપર્ક તૂટ્યો, 48 કલાકમાં 13 લોકોના મોત અને અનેક ટ્રેનો રદ: બે દિવસ રેડ એલર્ટ
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરીને 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
ભારે જળબંબાકારને કારણે આ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં વાહનોની ગતિ અત્યંત ધીમી છે.નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પુણે પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજ્યા છે. પુણેના માવળ તહેસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનમાં ઘર દબાઈ જતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ખેડ વિસ્તારમાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ છે. પાલઘરમાં માત્ર બે કલાકમાં 300 મીમી જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યાં તેજ પવનના કારણે રહેણાંક શાળાના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં રવિવારે એક જ દિવસમાં 350 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જે સમગ્ર સીઝનની સરેરાશ (800 વૃક્ષો) કરતાં ઘણી વધારે છે.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક અને ત્રિમ્બકેશ્વર માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. નાસિકમાં આજે 'ક્લાઉડબર્સ્ટ' (વાદળ ફાટવા) જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર 8 જુલાઈ સુધી આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
17 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ રદ કરાઈ
મુશળધાર વરસાદને કારણે હવાઈ સેવા પર પણ ગંભીર અસર પડી હતી. ખરાબ હવામાનને કારણે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની ફ્લાઈટ સેવા પર ગંભીર અસર પડી હતી. રાતના 12 વાગ્યાથી સોમવારે સાંજના પાંચ વાગ્યા સુધી 17 ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ કરી હતી, જ્યારે 365 ફ્લાઈટ્સનું સંચાલન પણ કલાકો સુધી વિલંબિત થયું હતું, જેને કારણે હજારો પ્રવાસીઓને ફ્લાઈટની રાહ જોવામાં હાલાકી પડી હતી. ભારે વરસાદને કારણે હવાઈ સેવા પર અસર થવાથી નાગપુરના એક પ્રધાન સહિત અન્ય વિધાનસભ્યો પણ શહેરના એરપોર્ટ પર ફસાઈ ગયા હતા અને જેને કારણે સોમવારના મોન્સૂન સત્રમાં પણ પહોંચી શક્યા નહોતા. ખરાબ હવામાનને કારણે રાજ્યના મંત્રી ચંદ્રશેખર બાવનકુળે અને અન્ય વિધાનસભ્યોએ પોતાના ટૂર પ્લાન કેન્સલ કરવા પડ્યા હતા, જ્યારે કોંગ્રેસના વિધાનસભ્યએ વિધાનસભાનું સત્ર વધારવાની અપીલ કરી હતી.
રેલવે વ્યવસ્થા ખોરવાઈ ગુજરાતથી આવતી બે ટ્રેન રદ કરાઈ
રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને જોધપુર-બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસને વાપી સ્ટેશને ટૂંકાવી દેવાઈ છે. જ્યારે અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને બિલીમોરા અને કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવી છે. આ ઉપરાંત ભુજ-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલ ડેકર એક્સપ્રેસને સુરત સ્ટેશન પર ટૂંકાવી દેવાઈ છે તેમજ અજમેર-દાદર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેની 20 થી વધુ લાંબા અંતરની ટ્રેનો મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે અટવાઈ છે, જ્યારે 40 થી વધુ સેવાઓને અસર થઈ છે. 10 ટ્રેનો રદ કરાઈ છે અને 8 ના સમયમાં ફેરફાર કરાયો છે.

