Dailyhunt
સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો: કલ્યાણપુર-વેરાવળમાં એક ઈંચ

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો: કલ્યાણપુર-વેરાવળમાં એક ઈંચ

અબતક 1 week ago

એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થતાં

* રાજકોટમાં કાળુ ડિબાંગ વાતાવરણ: અનેક વિસ્તારોમાં છાંટા પડ્યા, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં માવઠાની આગાહી

* ખંભાળિયામાં અર્ધો ઈંચ, ઓખા, મુંદ્રા, ભામવડ અને તાલાલામાં ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી

* જામનગર શહેરમાં વરસાદ ચાલુ: રાજમાર્ગો પર પાણી ચાલવા માંડ્યા

દેશમાં એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થયું છે જે ગુજરાત અને રાજસ્થાન સરહદ નજીકથી પસાર થવાની શક્યતા છે.

આ ઉપરાંત અન્ય બે સિસ્ટમો પણ સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર અને વેરાવળમાં સવારે ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સતત બીજા દિવસે ઝાપટું પડ્યું હતું. રાજકોટમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. શહેરના એક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડ્યા હતાં. જગતાત ફરી ચિંતિત બની ગયો છે.

રાજ્યમાં ગુરૂવાર બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યામપુર અને ઓખા મંડળમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

જામનગર શહેરમાં ગુરૂવારે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક જ આકાશમાં વાદળછાયા છવાઈ ગયા હતા. ત્યારબાદ ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા શહેરમાં ધૂપછાંવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

હવામાનમાં આવેલા આ બદલાવને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ધૂળના વંટોળ ઊડ્યા હતા, અને લોકો થોડો સમય માટે તકલીફમાં મુકાયા હતા.

અચાનક પડેલા ઝાપટાંને કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી હતી, પરંતુ સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ ફરી અનુભવાયો હતો.

જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોર દરમિયાન છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. લાલપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં બદલાવ આવ્યો હતો, અને ઝાપટા વરસ્યા હતા.

દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આકાશમાં વાદળોનો જમાવડો જામ્યો છે. રૈયા, મવડી, નાનામૌવા, મોટા મૌવા, જૂના રાજકોટ સહિતના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડ્યા હતાં. આજે સવારથી રાજ્યના સાત તાલુકામાં માવઠા વરસી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 26 મીમી અર્થાત એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત પાટણ-વેરાવળમાં પણ એક ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખંભાળિયામાં અર્ધાઈંચ પાણી પડ્યું હતું. ઓખા મંડળ ભાણવડ, મુંદ્રા અને તાલાલામાં જોરદાર ઝાપટા પડ્યા હતાં. બપોર બાદ વરસાદનું જોર વધશે.

શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટબન્સ જ્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પરથી પસાર થઈ પશ્ર્ચિમ બંગાળ તરફ ફંટાશે ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગના સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે. એક બાદ એક માવઠાથી જગતાતને પારાવાર નુક્શાની થઈ રહી છે. આગામી રવિવાર સુધી રાજ્યમાં વાતાવરણ પલટાતુ રહેશે.

અલનીનોનું સંકટ ચોમાસું નબળું રહેવાની શક્યતા: ભડલીકાર મગનભાઈ ચાંગેલા

ભડલીકાર મગનભાઈ ચાંગેલાએ 'અબતક' સાથેની વાતચીતમાં આગામી ચોમાસા અને વાતાવરણને લઈને ચિંતાજનક પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, હાલમાં વરસાદ માટે સાનુકૂળ એવી 'લા નીના'ની સ્થિતિ ધીમે-ધીમે ઘટી રહી છે અને મે-જુલાઈ 2026 સુધીમાં વાતાવરણ સામાન્ય સ્થિતિ તરફ આગળ વધશે. જોકે, ચિંતાની વાત એ છે કે જૂન-ઓગસ્ટ 2026થી 'અલ નીનો' સક્રિય થવાની 62% સંભાવના છે, જે વર્ષના અંત સુધી યથાવત રહી શકે છે. કેટલાક વૈજ્ઞાનિક મોડલ્સ તો આ વર્ષે ' અલનીનો' બનવાની પણ આશંકા સેવી રહ્યા છે. જો આવું થશે તો ચોમાસા (જૂન-સપ્ટેમ્બર) પર તેની ગંભીર અસર પડી શકે છે. વરસાદની તીવ્રતા ઘટવા સાથે તેનું વિતરણ અસમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, તાપમાનમાં વધારો થતા આ વર્ષે આકરી ગરમી અને 'હીટવેવ'નો સામનો પણ કરવો પડી શકે છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની ભારે અછત સર્જાવાની ચિંતા છે.

અલનીનોની વિદાય અને નક્ષત્રોના સાનુકૂળ સંયોગથી આ વર્ષ સારૂ રહેશે: રમણીકભાઈ વામઝા

જાણીતા ભડલીકાર રમણીકભાઈ વામઝાએ આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. 'અબતક' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે માવઠાની સ્થિતિ વચ્ચે પણ ચોમાસું ખૂબ જ આશાસ્પદ રહેવાનું છે.આજે હળવોથી ભારે વરસાદ થયા બાદ, 6 એપ્રિલથી 24 એપ્રિલ અને ત્યારબાદ 1 થી 18 મે દરમિયાન પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કૃતિકા નક્ષત્ર બાદ રોહિણી નક્ષત્રમાં વરસાદના આગમન સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. આ વર્ષે વાતાવરણમાં મોટા ફેરફારનું મુખ્ય કારણ 18 ઓગસ્ટે સર્જાનાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સ્થિતિ છે, જે વરસાદી સિસ્ટમને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ, વૈશ્ર્વિક સ્તરે 'અલ-નીનો'ની અસર હવે ધીમે-ધીમે ઓસરી રહી છે. સમુદ્રની સપાટી પર તાપમાન ઘટવાને કારણે 'લા-નીના'ની સ્થિતિ સર્જાઈ રહી છે, જે ભારતીય ખેતી અને ચોમાસા માટે વરદાન સાબિત થાય છે. અલ-નીનોની વિદાય અને નક્ષત્રોના સાનુકૂળ સંયોગોને જોતા ખેડૂતો માટે આ વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ રહેવાના એંધાણ મળી રહ્યા છે.

આંબા, ચીકુ અને લીંબુના પાકને નુકસાનની ભીતિ

હવામાન વિભાગ દ્વારા તા. 03-04-2026 થી 05-04-2026 દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થવાની શક્યતાને જોતા જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા ખેડૂતો માટે ખાસ ટેકનિકલ ભલામણો અને સાવચેતીના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. માવઠાને કારણે આંબામાં કેરી ખરવાની અને ફળ પર ડાઘ પડવાની સમસ્યા સર્જાઈ શકે છે. તેવી જ રીતે ચીકુમાં પાકટ કળીઓનું ખરણ અને લીંબુમાં 'કેન્કર' નામના રોગનો ખતરો વધી જાય છે. ખેડૂતોને પોતાના તૈયાર પાકને સુરક્ષિત રાખવા અને માર્કેટિંગ યાર્ડમાં જણસ લાવતા પહેલા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વળી, આ સમયગાળા દરમિયાન ટેકાના ભાવે ખરીદી પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak