નાવલી નદી બની ગાંડીતુર, ચેકડેમો અને તળાવો ઓવરફ્લો
સાવરકુંડલા પંથકમાં જાણે કુદરત રૂઠી હોય તેમ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 50 કરતાં વધુ કલાકથી અવિરતપણે વરસી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાવરકુંડલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
અવિરત વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
પંથકની જીવાદોરી સમાન તમામ નદીઓ અને નાળા બે કાંઠે વહી રહ્યા છે. ખાસ કરીને સાવરકુંડલાની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાવલી નદી બંને કાંઠે સતત ભયજનક સપાટીએ વહેતી થતાં આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. તાલુકાના તમામ તળાવો છલકાયા છે અને ચેકડેમો ઓવરફ્લો થતાં ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. અનેક ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે.
ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે વાહનવ્યવહારની વાત કરીએ તો, સાવરકુંડલાથી જોડાતા તમામ મુખ્ય માર્ગો જેવા કે અમરેલી, રંઘોળા, મહુવા અને ભાવનગર તરફના હાઈવે બંધકરી દેવાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા અદકા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી માટે સ્થાનિક નગરપાલિકાની નબળી કામગીરી સીધી રીતે જવાબદાર હોવાનો રોષ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. ચોમાસા પહેલાં કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ, યોગ્ય સફાઈના અભાવે ગટરના પાણી બેક મારતાં રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. પાલિકાની આ ઘોર બેદરકારીનો ભોગ સ્થાનિક નાગરિકોને બનવું પડ્યું છે અને લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
ગરીબ વિસ્તારોની હાલત કફોડી: મુશ્કેલીના સમયે નેતાઓ ગાયબ!
ભારે વરસાદની સૌથી કપરી અને માઠી અસર ઝૂંપડપટ્ટી અને ગરીબ વિસ્તારો પર પડી છે. કાચા મકાનો અને ઝૂંપડાઓમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી તણાઈ ગઈ છે. આવા કપરા સમયે ગરીબો વહારે આવવાને બદલે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને આગેવાનોની મોટી ખોટ વર્તાઈ રહી છે. ચૂંટણી ટાણે હાથ જોડીને આવતા નેતાઓ આ આપત્તિના સમયે ગરીબોની પડખે ઊભા રહેવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો આક્રોશ જનતામાં જોવા મળી રહ્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પોતાના ઘરે જ રહેવા અથવા વહીવટી તંત્ર દ્વારા સૂચવાયેલા સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરી જવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.
શહેરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ (જેવી કે દૂધ અને દવાઓ) સિવાયની તમામ નાની-મોટી દુકાનો અને વ્યાપારિક પ્રતિષ્ઠાનો સંપૂર્ણપણે બંધ રહ્યા છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો અને વાડીઓ પાણીમાં ગરકાવ થઈ જતાં મોલ ધોવાઈ ગયો છે. કાળી મજૂરી કરીને વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાતા જગતનો તાત ભારે ચિંતામાં ડૂબી ગયો છે.હજુ પણ આકાશમાં કાળાડિબંગ વાદળો ઘેરાયેલા છે અને વરસાદનું જોર યથાવત છે, ત્યારે સાવરકુંડલા પંથક ક્યારે આ જળસંકટમાંથી બહાર આવશે તે જોવાનું રહ્યું.
સાવરકુંડલા : ઓળિયા ગામનજીક રોડનું ધોવાણ થતા વાહન વ્યવહાર ખોરવાયો
અમરેલી-સાવરકુંડલા રાજ્ય ધોરીમાર્ગ પર ઓળીયા ગામ નજીક ભારે વરસાદને પગલે રોડનું મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે. માર્ગની આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા, વાહનચાલકોની સુરક્ષા અને અકસ્માતની સંભાવનાઓને ટાળવા માટે વહીવટીતંત્ર દ્વારા આ માર્ગ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલ આ માર્ગ પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
સુરક્ષાના કારણોસર બંધ કરાયેલા માર્ગ પરથી અવર-જવર કરવાનો પ્રયાસ ન કરવો. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો. અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને માર્ગ પુન: શરૂ થયા અંગેની સત્તાવાર માહિતી માટે રાહ જોવી.માર્ગનું સમારકામ ઝડપથી પૂર્ણ કરી સામાન્ય જનતા માટે વ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
સાવરકુંડલા-લીલીયામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું વહીવટી તંત્ર સાથે સતત મોનિટરિંગ
હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ભારેથી અતિ ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે સાવરકુંડલા-લીલીયાના કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્રને 'એલર્ટ મોડ' પર મૂકી દીધું છે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પોતે મોરચો સંભાળીને મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, પોલીસ નગરપાલિકા, તાલુકા પંચાયત, આરએમબી (છઇ) અને સિંચાઈ વિભાગ સહિતની તમામ કચેરીઓના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સ્થળ પર બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપી છે કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા, પાણીના નિકાલ અને જાનહાનિ ન થાય તે માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવે.

