Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શહેરી વિસ્તારોમાં 12 મીટરથી વધુ ઉંચાઇના બિલ્ડિંગો "એપાર્ટમેન્ટ" ગણાશે

શહેરી વિસ્તારોમાં 12 મીટરથી વધુ ઉંચાઇના બિલ્ડિંગો "એપાર્ટમેન્ટ" ગણાશે

અબતક 2 weeks ago

બંગલાના નામે પ્લાન પાસ કરાવી બાંધકામ કર્યા બાદ ફ્લેટ વેચવામાં આવતા

12 મીટર સુધીની ઉંચાઇ અને મહત્તમ 3 માળ સુધીના રહેણાંક બાંધકામને 'બંગલા" તરીકે માન્યતા મળશે: જીડીસીઆરમાં મહત્વપૂર્ણ સુધારો

બંગલાની ઉંચાઇ માટે કોઇ ચોક્કસ જોગવાઇ અત્યાર સુધી ન હોતી, હવે ફરજિયાત માર્જીન છોડવું પડશે

રાજ્યભરમાં અત્યાર સુધી બંગલા ટાઇપ બાંધકામ માટે બિલ્ડીંગની ઉંચાઇની કોઇ જોગવાઇ હતી નહી જેનો લાભ બિલ્ડરો ખાટી જતા હતા.

હવે જીડીસીઆરમાં સુધારો કરવામાં આવ્યો છે. 12 મીટરની ઉંચાઇ સુધીના બિલ્ડીંગને બંગલા તરીકે માન્યતા મળતા 12 મીટરથી વધુ ઉંચાઇના બાંધકામોને એપાર્ટમેન્ટ તરીકે ગણવામાં આવશે. જેમાં માર્જીન છોડવા સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે 28 જુલાઈના રોજ સીજીડીસીઆર (કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)માં સુધારા માટે નોટિફિકેશન જારી કરીને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા છે. આ પ્રસ્તાવિત સુધારામાં પહેલી વાર બંગલોના બાંધકામ માટે સ્પષ્ટ ઊંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં, રહેણાંક બાંધકામ જો 12 મીટર સુધીની ઊંચાઈ અને મહત્તમ ત્રણ માળ સુધીનું હોય તો તેને બંગલો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. જો રહેણાંક બાંધકામની ઊંચાઈ 12 મીટરથી વધુ હોય તો તેને એપાર્ટમેન્ટના નિયમો અનુસાર વર્તવામાં આવશે. એટલે કે, 12 મીટરથી વધુ ઊંચા રહેણાંક બાંધકામને બંગલો ન ગણતાં એપાર્ટમેન્ટ પ્રકારની રચના તરીકે ગણવામાં આવશે અને તેમાં ફરજિયાત ખુલ્લી જગ્યા (માર્જિન) છોડવાની જરૂર પડશે. રાજ્ય સરકારે 2017માં સીજીડીસીઆર અમલમાં મૂક્યું હતું, પરંતુ તેમાં રહેણાંક બંગલોની ઊંચાઈ અંગે સ્પષ્ટતા નહોતી. અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં જમીનના ભાવમાં વધારો થયો છે અને રહેણાંક વિકાસ ઝડપથી વધી રહ્યો છે. હાલના સીજીડીસીઆરમાં બંગલોની ઊંચાઈ માટે કોઈ ચોક્કસ જોગવાઈ નહોતી. અનેક કિસ્સાઓમાં ચાર કે પાંચ માળના રહેણાંક બાંધકામના લેઆઉટ પ્લાનને બંગલોના નામે મંજૂરી મળી જતી હતી અને બીયુ (બિલ્ડિંગ યુઝ) પરમિશન મળ્યા પછી તેને ફ્લેટ તરીકે વેચવામાં આવતા હતા. આ પ્રકારની ગેરરીતિ રોકવા માટે સીજીડીસીઆરમાં સુધારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. પ્રસ્તાવિત સુધારા અનુસાર, માત્ર 12 મીટર સુધીની ઊંચાઈના રહેણાંક બાંધકામને જ બંગલો તરીકે વિકાસ પરવાનગી આપવામાં આવશે. જો 12 મીટરથી વધુ ઊંચા રહેણાંક સ્ટ્રક્ચરના લેઆઉટ પ્લાન સબમિટ થાય તો એપાર્ટમેન્ટના નિયમો લાગુ પડશે અને ડીડબલ્યુ3 કેટેગરીના બાંધકામના નિયમોનું પાલન કરવું પડશે. પરિણામે, કોઈ પણ જમીનમાલિક કે પ્લોટ માલિક બંગલોના લેઆઉટ પ્લાન મંજૂરી માટે રજૂ કરે તો તેમને 12 મીટરથી વધુ ઊંચાઈની મંજૂરી મળશે નહીં. 12 મીટરથી વધુ ઊંચાઈ હોય તો ડીડબલ્યુ3 કેટેગરીના નિયમો લાગુ થશે, જેમાં યોગ્ય સીડી, માર્જિન જગ્યા અને ફાયર એનઓસી જેવી જરૂરિયાતો પૂરી કરવી પડશે. વધુમાં, 12 મીટર સુધીની ઊંચાઈના રહેણાંક બંગલોમાં ડોક્ટર, વકીલ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા વ્યાવસાયિકોને તેમના વ્યવસાયિક ઓફિસ માટે મહત્તમ 50 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા વાપરવાની મંજૂરી આપવામાં આવશે.

ભુગર્ભ જળ ખાનગી મિલકત નહીં પણ સહિયારૂં સંસાધન

વિધાનસભાના આગામી સત્રમાં નવુ વિધેયક લવાશે

ગુજરાત સરકાર ભૂગર્ભજળના વધતા અવક્ષયને રોકવા માટે એક મહત્વપૂર્ણ કાયદો લાવવાની તૈયારીમાં છે. ગુજરાત ભૂગર્ભજળ બિલ, 2026 તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને આગામી મહિને વિધાનસભામાં રજૂ કરવાની શક્યતા છે. આ બિલ ભૂગર્ભજળને ખાનગી મિલકત નહીં, પરંતુ સમગ્ર સમાજનું સહિયારું જાહેર સંસાધન માનશે. રાજ્યમાં ભૂગર્ભજળની સપાટી સતત ઘટી રહી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. મુખ્ય જોગવાઇઓમાં પીવાનું પાણી, ખેતી અને આજીવિકા માટે ભૂગર્ભજળને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્ય સ્તરે ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થા ભૂગર્ભજળના ટકાઉ ઉપયોગની નીતિઓ અમલમાં મૂકશે. ઇકોલોજિકલી સંવેદનશીલ વિસ્તારોને ગ્રાઉન્ડવોટર પ્રોટેક્શન ઝોન જાહેર કરી શકાશે. આ વિસ્તારોમાં પાણી ઉપાડ પર કડક નિયંત્રણ રહેશે. ખેતી માટેના ભૂગર્ભજળ ઉપયોગને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. ઔદ્યોગિક અને મોટા વપરાશકારો: ફેક્ટરીઓ અને અન્ય મોટા વપરાશકારોએ ભૂગર્ભજળ ઉપાડતા પહેલાં પરવાનગી લેવી પડશે. તેમના પર પાણીના ચાર્જ પણ લાગુ થશે. આવકનો ઉપયોગ પાણી સંરક્ષણ કાર્યો માટે થશે. ભૂગર્ભજળ પ્રદૂષિત કરવા બદલ રૂ.1 લાખ સુધીનો દંડ. સુરક્ષા વિસ્તારમાં ગેરકાયદે પાણી ઉપાડવા બદલ રૂ.10 લાખ સુધીનો દંડ. ગેરકાયદે ઉપાડ કે પ્રદૂષણ કરનારને જેલની સજા પણ થઈ શકે છે. વરસાદી પાણી સંગ્રહ (રેઈનવોટર હાર્વેસિ્ંટગ) સિસ્ટમ ન લગાવવા બદલ પણ દંડ અને જેલની જોગવાઈ છે.

નવા એપાર્ટમેન્ટ-કોમ્પ્લેક્સમાં પીજીની સુવિધાને મંજૂરી નહીં

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગે જીડીસીઆરમાં સુધારા માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. આ સુધારા અનુસાર નવા એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પેઇંગ ગેસ્ટ સુવિધાઓ મંજૂર કરવામાં આવશે નહીં. મિક્સ્ડ એપાર્ટમેન્ટ-અને-પીજી બાંધકામની યોજનાઓને પણ નકારી કાઢવામાં આવશે.

આ અગાઉ ગુજરાતના અર્બન પ્લાનિંગ રૂલબુકમાં પેઇંગ ગેસ્ટ શબ્દનો જ ઉલ્લેખ નહોતો. નવા સુધારાની પ્રક્રિયા શરૂ કરી છે. આમાં પીજીનું વર્ગીકરણ અને પ્રીસ્કૂલ માટેના બાંધકામના નિયમોનો સમાવેશ કરવામાં આવશે. જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે અને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો 3 ઓક્ટોબર સુધી મંગાવવામાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak