Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોરઠ પંથકમાં ધરતીપુત્રો દ્વારા વાવણીનો પ્રારંભ: ઘેડ વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ગરકાવ

સોરઠ પંથકમાં ધરતીપુત્રો દ્વારા વાવણીનો પ્રારંભ: ઘેડ વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ગરકાવ

અબતક 1 week ago

માંગરોળમાં વરસાદની પ્રથમ ઇનિંગમાં 106 ટકા, કેશોદમાં 75.13 ટકા અને માળિયામાં 70.08 ટકા વરસાદ નોંધાયો

જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘાએ વિરામ લેતા અને રવિવારે બપોર બાદ સામાન્ય વરાપ નીકળતા ધરતીપુત્રોએ પોતાના ખેતરોમાં હોંશે હોંશે વાવણી કરી, પરિવાર સાથે દંતારીયા લાડુની મોજ માણી હતી, જો કે, જિલ્લામાં ગત તા. 3 અને 4ના રોજ પડેલ ભારેથી અતિ ભારે વરસાદના કારણે 'કહી ખુશી, કહી ગમ' જેવો માહોલ સર્જાયો છે.

કેશોદ, માણાવદર, માળીયા હાટીના, માંગરોળ તથા ખાસ કરીને ઘેડના અનેક વિસ્તારોમાં હજુ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેડૂતો ચિંતિત છે.

જુનાગઢ જિલ્લામાં આખો જૂન માસ વરસાદ ન થતા લોકો ભારે ચિંતિત હતા. ત્યારે જ જિલ્લામાં ગત તા. 3 અને 4ના રોજ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. અને માંગરોળ, માળીયા હાટીના, માણાવદર, કેશોદ સહિતના વિસ્તારમાં રુદ્ર રપ ધારણ કરી બારે મેઘ ખાંગા કરી દેતા અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું, ખેડૂતોના ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા હતા, નદી – નાળા છલકાયા હતા, જિલ્લાના 4 ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા, જિલ્લાના અનેક રસ્તાઓ પૂરના પાણીથી પ્રભાવિત થતા વાહન વ્યવહાર થંભી જવા પામ્યો હતો, અનેક ગામો સંપર્ક વિહાણા બન્યા હતા. અને લોકોના જીવ તાળવે ચોટીયા હતા તો બીજી બાજુ તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ હતી.

જો કે, કેશોદ, માણાવદર અને માંગરોળ પંથકની સાથે ઘેડ વિસ્તારના અનેક ગામો અને ખેતરોમાં આજે પણ પાણી ભરાયા છે. છેલ્લા પાંચ દિવસથી અનેક ગામો હજુ પણ વીજળી વિહોણા રહ્યા છે. જો કે, તંત્ર દ્વારા રોડ – રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ ઘેડ વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી 12 જેટલા માર્ગો હજુ રીપેર થઈ શક્યા નથી. વીજળી પુરવઠો પ્રસ્થાપિત કરવા માટે કામગીરી હાથ ધરાય તેવી પરિસ્થિતિ નથી જેને લઈને અનેક ગામના લોકો હજુ પણ ઓશિયાળા બની રહ્યા છે.

જુનાગઢ જિલ્લામાં પ્રથમ વરસાદના માત્ર બે દિવસમાં જ માણાવદરમાં 342 મિમી; વંથલીમાં 242 મિમી; જૂનાગઢમાં 171 મિમી; ભેસાણમાં 176 મિમી; વિસાવદરમાં 223 મીમી; મેંદરડામાં 469 મીમી; કેશોદમાં 746 મીમી; માંગરોળમાં 1021 મીમી; માળીયા હાટીનામાં 787 મીમી તથા ગિરનાર અને ગિરનાર જંગલમાં 188 મીમી. સત્તાવાર રીતે નોંધાયો છે, જે જોતા માંગરોળ પંથકમાં વાર્ષિક સરેરાશ વરસાદ કરતા 6 ટકા વધુ એટલે કે 106.23 ટકા વરસાદ થઈ જવા પામ્યો છે. જ્યારે કેશોદમાં સરેરાશ વાર્ષિક વરસાદના 75.13 ટકા, માળીયાહાટીના માં સરેરાશ વાર્ષિક વરસાદના 70.78 ટકા અને મેંદરડામાં સરેરાશ વાર્ષિક વરસાદના 44.20 તેમજ માણાવદરમાં 36.81 ટકા જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે. દરમિયાન ગઈકાલે આખો દિવસ મેઘાએ વરસવાનું મુલત્વી રાખ્યું હતું પણ રાત્રિના 12 થી 2 દરમિયાન માળિયા હાટીના, માણાવદરમાં અડધો ઈંચ, વિસાવદરમાં પોણો ઈંચ અને કેશોદમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. તથા ગત રાતથી ફરી જુનાગઢ સહિત જિલ્લામાં વાદળીયું વાતાવરણ સર્જાયુ છે, ત્યારે ધરતીને નવડાવવા મેઘો વરસી પડે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદથી પ્રભાવિત રસ્તાઓની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઇ

ઘેડ પંથકના 12 રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ તુરંત જ કાર્યવાહી શરૂ થશે

જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલા રસ્તાઓને પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે બંધ થયેલા 40 રસ્તાઓ પૂર્વવત થયા છે. જિલ્લા પંચાયત કચેરીની બાંધકામ શાખા દ્વારા મળતી વિગતો મુજબ, અતિભારે વરસાદના કારણે જિલ્લાના માંગરોળ, કેશોદ, માળીયા હાટીના, મેંદરડા, વંથલી અને માણાવદર તાલુકાના કુલ 52 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ તાલુકાઓ પૈકી કેશોદ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં વરસાદના કારણે વધુ નુકસાન નોંધાયું છે. આ બંધ રસ્તાઓને ફરીથી ચાલુ કરવા માટે કાર્યપાલક ઇજનેરના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગની કુલ 12 ટીમો સતત કાર્યરત છે. તમામ ટીમો દ્વારા રસ્તાઓ પર સતત કામગીરી કરીને નાળામાં ફસાયેલા ઝાડી-ઝાંખરા સાફ કરવા, તૂટેલા રસ્તા કે બ્રીચ થયેલા ભાગોમાં મટીરીયલનું પુરાણ કરવું તેમજ રસ્તા પર જમા થયેલી માટી અને કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુન:સ્થાપિત કરવા માટેની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. આ સઘન કામગીરીના પરિણામે 52 પૈકી કુલ 40 રસ્તાઓ વાહનવ્યવહાર માટે ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી બચેલા 12 રસ્તાઓ ઘેડ વિસ્તારના હોવાથી ત્યાં હાલ પાણી ફરી વળવાને કારણે ઓવરટોપિંગ લીધે બંધ છે. આ રસ્તાઓ પરથી પાણી ઉતર્યા બાદ તુરંત જ જરૂરી કાર્યવાહી કરીને તેને પણ શરૂ કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: AbTak