દૂધ, શાકભાજી, કરિયાણું, ઓટો અને ટેક્સી ભાડા જેવા રોજિંદા નાના ખર્ચાઓ પર આનો કોઈ પ્રભાવ નહીં પડે
આજના ડિજિટલ યુગમાં આપણે સૌ રોજિંદા જીવનમાં પેમેન્ટ કરવા માટે યુપીઆઈનો વ્યાપક ઉપયોગ કરીએ છીએ. તાજેતરમાં સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા 'ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ બિલ' બાદ એવા અહેવાલો આવ્યા છે કે સરકાર રૂ. 2,000 થી વધુના અમુક યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે નાનો ચાર્જ વસૂલવાની મંજૂરી આપી શકે છે.
આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત અને ટકાઉ બનાવવાનો છે.
આ નિયમ માત્ર વેપારીઓને કરવામાં આવતા પેમેન્ટ પર લાગુ પડશે, વ્યક્તિથી વ્યક્તિ થતા ટ્રાન્ઝેક્શન પર નહીં. 2,000 થી વધુ રકમનાં યુપીઆઈ પેમેન્ટ્સ પર જ આ ચાર્જ લાગુ થવાની શક્યતા છે. સરકાર 0.25% થી 0.4% સુધીનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ મંજૂર કરી શકે છે. માત્ર 5% યુપીઆઈ વ્યવહારો જ આના દાયરામાં આવશે, જ્યારે બાકીના 95% વ્યવહારો મફત રહેશે.
દૂધ, શાકભાજી, કરિયાણું, ઓટો અને ટેક્સી ભાડા જેવા રોજિંદા નાના ખર્ચાઓ પર આનો કોઈ પ્રભાવ નહીં પડે. 2,000 થી વધુના આ 5% વ્યવહારો કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વેલ્યુનો 65% હિસ્સો ધરાવે છે. સરકારે હજુ સુધી આ પ્રસ્તાવને લાગુ કરવાની કોઈ ચોક્કસ તારીખ કે અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી.
જીએસટી દ્વારા જેવી રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વેટ, સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી જેવા અનેક અલગ-અલગ ટેક્સ નાબૂદ કરીને સમગ્ર દેશમાં એક જ ટેક્સ લાગુ કરવામાં આવ્યો, જેથી વેપાર-ધંધા સરળ બને અને “વન નેશન, વન ટેક્સ, વન માર્કેટ” નું સ્વપ્ન સાકાર થઈ શકે.
એવી જ રીતે આ ફેરફાર માત્ર મોટા અને વ્યાપારી પેમેન્ટ્સને લક્ષ્ય બનાવવા માટે છે, જેનાથી સામાન્ય જનતાને ડામાડોળ કે ચિંતા કરવાની જરૂર નથી. દૂધ, શાકભાજી કે કરિયાણા જેવી રોજિંદી વસ્તુઓની ખરીદી પર આનો કોઈ ભાર નહીં પડે. ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે જો આ ચાર્જ લાગુ થાય તો પણ ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે માટે સરકાર ચોક્કસ મર્યાદા નક્કી કરી શકે છે. આ પગલું ડિજિટલ ઇકોસિસ્ટમને સંતુલિત રાખવા માટે છે, જે સામાન્ય નાગરિકોના રોજિંદા વ્યવહારોને સુરક્ષિત રાખશે.

