આરોપીને ગાળો બોલવાની ના પાડતા પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો
અબતક, ઘનશ્યામ ભટ્ટી, સુરેન્દ્રનગર
વઢવાણ તાલુકાના વડોદ ગામે નજીવી બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે અંગે જોરાવરનગર પોલીસ મથકે 05 શખ્શો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના વડોદ ગામે રહેતા ફરિયાદી વિક્રમભાઈ ઉર્ફે પલો લાલજીભાઈ વાઘરોડીયાની બહેન દીકરીઓ શેરીમાં નીકળે ત્યારે ગામમાં મનસુખભાઈની દુકાન પાસે તેમના છોકરાઓ દેકારો કરી ગાળો બોલતા હતા આથી ફરિયાદીએ તેમને ઠપકો આપ્યો હતો.
જે બાબતની દાઝ રાખી ગામમાં જ રહેતા મનસુખભાઈ સહિત અન્ય શખ્સોએ એક સંપ થઈ ફરિયાદીના ઘર બહાર જઈ ગાળો આપી હતી તેમજ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ફરિયાદી તેમજ તેમનો ભાણો વિપુલ અને માતા સુરજબેનને મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે 05 શખ્સો (1) મનસુખભાઈ ગાંડાભાઈ બાટિયા (2) વિશાલભાઈ મનસુખભાઈ બાટિયા (3) મહેશભાઈ મનસુખભાઈ બાટિયા (4) રવિભાઈ રસિકભાઈ બાટિયા અને (5) રસિકભાઈ ગાંડાભાઈ બાટિયા, તમામ રહે.વડોદ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

