આજથી હવામાનમાં પલટો આવશે, તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા
રાજ્યમાં ચોમેર ગરમીનું સામ્રાજ્ય છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સોમવારથી ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.
આ સિવાય રાજ્યના મોટાભાગના ભાગોમાં ઉનાળાની તીવ્ર સ્થિતિ ચાલુ રહેવાની ધારણા છે, અને આગામી અઠવાડિયા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેશે, ત્યારે ભારતીય હવામાન વિભાગએ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 30 મે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 મેએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
1 જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીમાં અમદાવાદ, ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, સુરત તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.વરસાદની આગાહીની સાથે આ જ જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજથી હવામાનમાં પલટો આવશે. જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે સાથે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે.
લાલચોળ “સુરજદાદા" ટાઢા પડતા નથી: સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી સાથે હોટ સિટી
અમદાવાદ 44.4 ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું સૌથી ગરમ શહેર, 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ
રાજ્યમાં છેલ્લા બે માસથી કાળઝાળ ગરમી પડી રહી છે. લાલચોળ બનેલા સુરજદાદા શાંત પડવાનું નામ લેતા નથી. મે માસમાં ગરમીના તમામ રેકોર્ડ જાણે બ્રેક થઇ રહ્યા હોય તેવી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું.
સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદનું તાપમાન 44.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 42.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 42.2 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 37.8 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 40 ડિગ્રી, અમરેલીનું તાપમાન 41.9 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 42.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32.3 ડિગ્રી, ઓખાનું તાપમાન 34 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 35.1 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43.6 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34 ડિગ્રી, દિવનું તાપમાન 33.8 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.4 ડિગ્રી અને કેશોદનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. આજે પણ મહત્તમ તાપમાનનો પારો ઉંચો રહેશે. આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

