Sunday, 09 Aug, 9.36 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
કેન્દ્રમાં ભાજપની સરકાર માટે ગામડું, ગરીબ અને કિસાન કેન્દ્ર સ્થાને : સીઆર પાટીલ

અમદાવાદ: વડાપ્રધાન મોદીએ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત એક લાખ કરોડની ધિરાણ સુવિધાની શરૂઆત કરી છે. ઉપરાંત 'પીએમ કિસાન યોજના' હેઠળ છઠ્ઠી વખતની આર્થિક સહાય સ્વરૂપે દેશનાં 8.5 કરોડ ખેડૂત પરિવારોને ડિબિટી દ્વારા 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. જેને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આવકારી છે. સીઆર પાટિલે જણાવ્યું કે કેન્દ્રમાં ભાજપાની સરકાર માટે ગામડું, ગરીબ અને કિસાન કેન્દ્ર સ્થાને રહ્યા છે.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી. ત્યારથી જ કેન્દ્ર સરકાર દ્વારા ગામડું, ગરીબ અને કિસાનને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ હિતકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ઉદ્યોગો માટે આજે જેમ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે તે જ પ્રકારનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ ક્ષેત્રે પણ સ્થાપિત થાય, દેશના ખેડૂતોએ પોતાનો પરસેવો પાડીને ઉપજાવેલું ધાન યોગ્ય સંગ્રહ વ્યવસ્થા ન હોવાના કારણે બગડી ન જાય અને ખેડૂતોને પોતાની પેદાશના યોગ્ય ભાવ મળી રહે, તે માટે આજે વડાપ્રધાન મોદીએ ખેતપેદાશોના ભંડાર માટે આધુનિક વેરહાઉસ, કોલ્ડ ચેઈન સ્ટોરેજ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત રૂપિયા એક લાખ કરોડની જાહેરાત કરી છે. તેનાથી અવશ્યપણે રાજ્ય સહિત દેશના ખેડૂતોને ફાયદો થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા પીએમ કિસાન યોજના શરૂ કરીને દેશના ખેડૂતોને સન્માન નિધિના રૂપે છેલ્લા દોઢ વર્ષમાં 75,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય ડીબિટીના માધ્યમથી સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત આજરોજ દેશના 8.5 કરોડ ખેડૂત પરિવારોને 17,000 કરોડ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવાની ઘોષણા કરવામાં આવી છે.

સીઆર પાટિલે જણાવ્યું કે પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીના સમયમાં લોકડાઉનમાં પણ કેન્દ્રની ભાજપ સરકારે અનેકવિધ સહાયો કરી છે. મોદીના નેતૃત્વમાં દેશની કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે ખડેપગે ઊભી છે. દેશના નાનામાં નાના ખેડૂતને સમૃદ્ધિ તરફ લઈ જવા માટેની પ્રતિબદ્ધતા સાથે અવિરતપણે કાર્ય કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે અનેક કૃષિલક્ષી નિર્ણયો લેવાઈ રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top