Wednesday, 19 Aug, 1.20 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
માદરે વતન માટે સરકારની ઓફર : પ્રજાલક્ષી યોજના માટે ૫૦% દાન આપી તકતી મૂકાવો

રાજકોટ તા. ૧૯ : રાજ્ય સરકારે જિલ્લા, રાજ્ય કે દેશ બહાર વસતા કોઇપણ દાતા અથવા ગામના વ્યકિતના દાન અને સરકારના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવા દાતાઓને પ્રોત્સાહન આપવા માટે 'માદરે વતન યોજના' અમલમાં મૂકી છે. ગઇકાલે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુકત સચિવશ્રી જયદીપ દ્વિવેદીની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. નજીકની પંચાયત કચેરીનો સંપર્ક સાધી શકાય છે. પંચાયત વિભાગનો ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૦૧

પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, પરંતુ વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે. વતન માટે કંઇક કરી છૂટવાની તેમના દિલમાં તમન્ના હોય છે. આવા વતન પ્રેમી ગુજરાતીઓ પોતાના વતનમાં મોટા પ્રમાણમાં દાન આપે છે. આવા વતન પ્રેમી દાતાઓને પ્રોત્સાહન આપવા અને ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવાના ઉમદા આશયથી 'માદરે વતન યોજના' નીચેની જોગવાઇઓને આધીન રહીને અમલમાં મૂકવાનું ઠરાવવાનું આવે છે.

દાતા : ગામમાં વસવાટ કરનાર કોઇ વ્યકિત, ગામ માટે લાગણી ધરાવતી વ્યકિત અથવા જે વ્યકિત ગામમાં જન્મી હોય કે તેના વડવાઓએ તે ગામમાં વસવાટ કરેલા હોય અને ગ્રામ પંચાયત વિસ્તારમાં તેમના વસવાટના આધારે ગામની હોય તેવી જિલ્લા, રાજ્ય, દેશ બહાર ગમે ત્યાં વસવાટ કરતી હોય તેવી વ્યકિત આવી વ્યકિતએ દાન તરીકેની રકમ જે તે ગામના વિકાસ માટે રાજ્ય સરકાર નક્કી કરે તે કચેરીમાં જમા કરાવવાની રહેશે.

યોજના હેઠળ લઇ શકાય તેવા કામોની સુચિમાં ગામના મુખ્ય પ્રવેશદ્વાર થઇને ગ્રામ પંચાયત ઘર અથવા ગામના ચોરા સુધી પાકો રોડ, ગામના અન્ય રસ્તાઓ, ગામનો ચોરો, ગ્રામ પંચાયત ઘર, પ્રાથમિક શાળા - માધ્યમિક શાળાના ઓરડા - સ્માર્ટ કલાસ, પીવાના પાણીની સુવિધા - ઘર ઘર નળની સુવિધા, એસ.ટી. બસ પીક અપ સ્ટેન્ડ (ગરમી અને વરસાદી ઋતુમાં રક્ષણ મળે તેવું), સ્મશાનગૃહ - કબ્રસ્તાન, સબ સેન્ટર - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, કોમ્યુનિટી હોલ, ગામના જાહેર સ્થળો - જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટ, ગ્રામ હાટ - હાટ, ઘન કચરાને ડોર ટુ ડોર એકત્રિત કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી તેનો લેન્ડફીલ સાઇટ સુધી નિકાલની વ્યવસ્થા, દૂધ મંડળીનું મકાન, પશુ સારવાર સેન્ટર, ગામના જાહેર રસ્તા અને જાહેર ચોકનું પેવરીંગ બ્લોકનું કામ, પંચવટી યોજના હેઠળ ઉદ્યાન બનાવવું, રમતગમતનું મેદાન, સામુહિક શૌચાલય, પશુઓ માટે હવાડાની સુવિધા, પરબ, ઘર વપરાશના પાણીના એકત્રીકરણ માટે ભુગર્ભ ગટર વ્યવસ્થા અને તેના વોટર રીસાઇકલીંગની વ્યવસ્થા, પુસ્તકાલય, ગામનું પ્રવેશદ્વાર વગેરેનો સમાવેશ થાય છે.

આ યાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા પરંતુ ગ્રામ પંચાયતને વૈધાનિક રીતે સોંપાયેલ ફરજોના પાલન માટે કોઇ પાયાની સગવડના કામો કરવાના થતા હોય તો તે કામો અંગેનું ગ્રામ સભામાં ઠરાવ કરીને, તાલુકા વિકાસ અધિકારીની મંજૂરીથી કરી શકાશે. દાતા સરકારના નીતિ નિયમોને આધીન યોજનામાં જોડાઇ શકશે.

જે કામ માટે દાતા - દાતાઓ ઓછામાં ઓછું ૫૦ ટકા કે તેથી વધુ દાન આપશે તે દાનની રકમ સામે ખુટતી રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે તેમજ આ કામો ઉપર જ દાતાનું કે દાતાઓ દ્વારા સુચવવામાં આવેલ વ્યકિત - સંસ્થાનું નામાભિધાન અથવા નામની તકતી મુકી શકાશે. દાતા - દાતાઓ પોતે પણ સૂચવેલ કામનું બાંધકામ જાતે કરાવી શકશે અથવા સુચિત કરેલ કામની રકમ નક્કી કરેલ ગ્રામ પંચાયત - તાલુકા પંચાયતના બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકશે. જો તેઓ જાતે બાંધકામ કરાવવા માંગતા હોય તો કરાવી શકશે પરંતુ તે કિસ્સામાં જે તે કામનું બાંધકામ પ્રથમ તેમણે સ્વખર્ચે પૂર્ણ કરાવવાનું રહેશે અને બાંધકામ પૂર્ણ થયે અને સક્ષમ અધિકારી દ્વારા બાંધકામની ગુણવત્તા બાબતે ચકાસણી કર્યા બાદ પ્રમાણપત્ર રજુ થાય ત્યારબાદ જ સરકારના અનુદાનનો હિસ્સો દાતાને ચુકવવામાં આવશે. જો દાતા - દાતાઓ સરકારની અથવા પંચાયતની મશીનરી મારફતે કામ કરાવવા માંગતા હોય તો તેવી રીતે પણ કામ કરાવવાની તેઓને સ્વતંત્રતા રહેશે તેમજ આવા કામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે તેઓ કામની ચકાસણી પણ કરી શકશે - કરાવી શકશે અને તે માટે તેઓને જિલ્લા વિકાસ અધિકારી સહાયરૂપ બનશે. જે વર્ષમાં કામ મંજૂર થયેલ હોય તે વર્ષમાં શકય હોય તો કામ પૂર્ણ કરવાનું રહેશે. કામ પૂર્ણ કરાવવા વધુમાં વધુ ૧ વર્ષ સુધીનો સમય વધારી શકાશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top