રાજકોટ
રૈયા રોડ અન્ડર બ્રિજથી કિસાનપરા આવતો મુખ્ય માર્ગ બંધ કરવામાં ઘરની ધોરાજીઃ વાંધા સુચનો પણ ન મંગાવાયા

રાજકોટઃ રૈયા રોડ આમ્રપાલી ફાટક પર ટ્રાફિક જામ થવાની સમસ્યા કે જે વર્ષો પુરાણી હતી તેનો અંત અહિ અન્ડર બ્રિજ બનવાને કારણે આવી ગયો હોવાની લાગણી હજ્જારો વાહનચાલકોએ લોકાર્પણના દિવસે અનુભવી હતી. પરંતુ અહિથી પસાર થતાં વાહનચાલકોની આ ખુશી એક દિવસની જ મહેમાન બની હતી! કરોડોના ખર્ચે બનેલા અન્ડર બ્રિજનું ખુદ રાજકોટના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયું હતું. એ સાથે જ રૈયા રોડ આમ્રપાલી ફાટકની ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ ગઇ હોવાનું બધાને થયું હતું. પરંતુ અચાનક જ લોકાર્પણની રાતે જ એવું થઇ ગયું કે જે આ બ્રિજ નીચેથી પસાર થનારા વાહનચાલકો માટે મોટા આંચકારૂપ હતું. રાત્રે જ તંત્રવાહકોને કોણ જાણે શું સુજ્યું હોય તેમણે આમ્રપાલી બ્રિજ નીચે થઇ કિસાનપરા પહોંચી ત્યાંથી જીલ્લા પંચાયત અકિલા સર્કલ તરફ આગળ જતો મુખ્ય રસ્તો જ બંધ કરી દીધો.
આવું કરવા પાછળનું કારણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનું આપી દીધું. પરંતુ હકિકતે તો ટ્રાફિકની સમસ્યા આ મુખ્ય રોડ બંધ કરવાને કારણે સર્જાઇ રહી છે. આ તરફ કોઇપણ સંબંધીત તંત્રવાહકો કોઇપણ અંગત કારણોસર કે પછી અહમ ઘવાતો હોય એ રીતે ધ્યાન આપી રહ્યા નથી. જે વાહન ચાલકોને કિસાનપરાથી આગળ જવું હોય તેને ડાબી બાજુ વળી મેયર બંગલો સામેથી યુ-ટર્ન લેવા ધકેલાય છે.
અહિ જે તકલીફો ઉભી થાય છે એ જોતાં વાહનચાલકો એવું અનુભવી રહ્યા છે કે કરોડોનો ખર્ચ સરકારે તંત્રવાહકોએ શા માટે કર્યો હશે? શું મુખ્ય માર્ગ બંધ કરી દેવો એ ઉકેલ છે? જાણકારો કહે છે કે કોઇપણ જાહેર મુખ્ય માર્ગ બંધ કરવા હોય તો નિયમો મુજબ વાંધા સુચનો મંગાવવા પડે છે. પબ્લીકને પહેલા તેની જાણ કરવી પડે છે કે ફલાણો ફલાણો મુખ્ય માર્ગ બંધ કરી વૈકલ્પીક માર્ગ રૂપે વાહનવ્યવહાર બીજી તરફ વાળવામાં આવશે, વાંધા સુચનો હોય તો રજૂ કરવા...આ મુજબની કાર્યવાહી નિયમ મુજબ કરવાની હોય છે.
પરંતુ તંત્રવાહકોએ અહિ ઘરની ધોરાજી ચલાવી ઓચીંતો જ બ્રિજ લોકાર્પણની રાતે જ મુખ્ય રસ્તો બંધ કરી દીધો છે. આ લોકોની આંખ કોણ ઉઘાડશે એ રહસ્ય છે અને કોના કહેવાથી કોણે રસ્તો બંધ કરવાનો નિર્ણય લઇ લીધો અને વાહનચાલકોને ફરીથી હેરાનગતિમાં ધકેલી દીધા? એ પણ રહસ્ય છે. બીજી તરફ રાતે દસ વાગ્યે પણ આ અન્ડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે.
કર્ફયુને કારણે કદાચ આમ થતું હશે પણ ઓચિંતા અહિ આવી પહોંચતા વાહનચાલકોને આ વાતની ખબર ન હોઇ તેમને મહિલા કોલેજ અન્ડર બ્રિજ સુધી લાંબા થવું પડે છે. અન્ડરબ્રિજ લોકોની સુવિધા માટે બનાવાયો છે કે સુવિધા છીનવી લેવા માટે? એવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે.