Thursday, 23 Apr, 11.41 am અકિલા ન્યૂઝ

હોમ પેજ
શિક્ષકોને વેકેશનમાં ઓનલાઈન તાલીમઃ જૂનમાં શાળાઓ ન ખોલી શકાય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ઓનલાઈન

રાજકોટ, તા. ૨૩ :. રાજ્ય સરકારની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા વેકેશનમાં શિક્ષકોનું કૌશલ્ય વધારવા માટે ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, એજ્યુકેશનલ સ્ટેટેસ્ટીકસ, ગાંધી શિક્ષણ દર્શન વગેરે વિષય પર ઓનલાઈન જ્ઞાન મેળવવા શિક્ષકોની નોંધણી થઈ રહી છે. આ તાલીમ સ્વૈચ્છીક છે. તેના પછી શિક્ષકો માટે જુદા જુદા વિષયોની તાલીમ આવશે. તે વિષયોની તાલીમ ફરજિયાત રહેશે. હાલ કોરોનાની સ્થિતિને અનુલક્ષીને સરકારે ફરજિયાત તાલીમનો કાર્યક્રમ હજુ જાહેર કર્યો નથી. ૮ જૂનથી ધો. ૧ થી ૧૨નું વેકેશન ખુલશે ત્યાં સુધીમાં કોરોનાની સ્થિતિ થાળે પડી જવાની આશા છે. જો શાળાઓ તે વખતે ખોલી શકાય તેવી સ્થિતિ ન હોય તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવાની વિચારણા સરકારે શરૂ કરી છે. વિદ્યાર્થીઓને વર્ગમાં બોલાવીને ભણાવવાના બદલે ઓનલાઈન શિક્ષણ આપવાની અનુકુળતા અને પ્રતિકુળતા ચકાસાય રહી છે.

રાજ્યમાં ધો. ૧ થી ૮માં ૨ લાખ જેટલા શિક્ષકો છે. તેમના માટે જ્ઞાનવર્ધક વિષયોની ઓનલાઈન તાલીમનું આયોજન કરાયુ છે. જેમાં આઈસીટી શિક્ષણમાં ૫૧૭૨, એજ્યુકેશનલ સ્ટેટેસ્ટીકસમાં ૩૦૨૫ અને ગાંધી શિક્ષણ દર્શનમાં ૧૧૭૮ મળી કુલ ૯૩૭૫ જેટલા શિક્ષકોએ ગઈકાલ સુધીમાં નોંધણી કરાવેલ. હજુ નોંધણી ચાલુ છે. તાલીમના ભાગરૂપે શિક્ષકોને નિષ્ણાંતોએ તૈયાર કરેલ ઓડીયો-વિડીયો મોકલવામાં આવશે. ઓનલાઈન પ્રશ્નોત્તરી પણ થશે. શિક્ષકોને આ તાલીમ વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ઉપયોગી થશે. કોરોનાની પરિસ્થિતિ અનિશ્ચિત હોવાથી જી.સી.ઈ.આર.ટી. દ્વારા નવા શૈક્ષણિક સત્રના અનુસંધાને જો અને તો આધારિત પ્રાથમિક તૈયારી શરૂ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top