Friday, 29 May, 9.25 pm અકિલા ન્યૂઝ

હોમ પેજ
સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર લેતા કોરોના દર્દીઓ અને તેમની સેવા કરતાં ડોક્ટર્સ અને નર્સ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વીડિયો કોન્ફરન્સથી સીધો સંવાદ

અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરીને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડના માધ્યમથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તબીબો સાથે સંવાદ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે રૂ. ૫૦ હજારથી વધુ કિંમતનું લાઈફ સેવિગ ઈન્જેક્શન આપવા સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર પાસે પુરતી માત્રામાં આ ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીશ્રી સાથેના આ સંવાદ દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ શ્રેષ્ઠ સારવાર અને ઉત્તમ સુવિધા બદલ કોરોનાના દર્દીઓએ રાજ્ય સરકારનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.
કોરોનાના દર્દીઓને બચાવવા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે કોવિડ-૧૯ વોર્ડમાં જીવના જોખમે દિવસ-રાત કામ કરતાં કોરોના વૉરિયર્સ જેવાં કે, ડૉકટર્સ, નર્સ અને તબીબી સ્ટાફને પણ મુખ્યમંત્રીએ તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને તેમનો જુસ્સો વધાર્યો હતો.
મુખ્યમંત્રી તથા કોરોના દર્દીઓ અને તબીબો વચ્ચે થયેલા સંવાદના મુખ્ય અંશો :
મુખ્યમંત્રી : કેમ ચાલે છે, દર્દીઓના ડિસ્ચાર્જમાં વધારો થયો છે કે નહીં ?
તબીબ મુક્તેશ : હા સાહેબ, ખૂબ સરસ ચાલે છે. દર્દીઓના ડિસ્ચાર્જમાં સુધારો થયો છે અને અહિંયા કોઈ સમસ્યા નથી, પૂરતી માત્રામાં સાધનો, દવાઓ બધુ જ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી : કોરોના દર્દીઓની સારવાર પ્રોટોકોલ મુજબ થાય છે કે નહીં
તબીબ મુક્તેશ : હા સાહેબ, પ્રોટોકલ મુજબ જ સારવાર થાય છે અને સિવિલના સિનિયર ડૉકટર્સ પણ કોવિડ વોર્ડની મુલાકાત કરે છે.
મુખ્યમંત્રી : નવીનભાઈ આપની તબિયત કેવી છે ?
દર્દી વીનભાઈ સોલંકી : ખૂબ સારી છે, હવે તાવ નથી. શરૂઆતમાં ક્રિટિકલ કન્ડિશન હોવાથી ૧૨ દિવસથી ICUમાં સારવાર બાદ હવે સંપૂર્ણ સ્વસ્થ છું.
હું આવ્યો ત્યારે ૯૫ ટકા એવું હતુ કે, હવે હું જીવી નહીં શકુ... પણ ડૉ. કાર્તિક પરમાર અને તેમની ટીમની સારવાર બાદ માત્ર ચાર દિવસમાં મને ખૂબ સુધાર લાગ્યો. સ્ટાફના સહયોગથી મારુ જીવન બચ્યુ છે. હું મારા પરિવારને મળી શકીશ.
સાહેબ, હું કદાચ સિવિલમાં ન આવ્યો હોત તો, હું બચી શકયો ન હોત. અહિં સિવિલમાં જમવાથી માંડીને તમામ સુવિધા ખૂબ સરસ છે. હું રાજ્ય સરકાર અને સિવિલના તબીબોનો આભાર માનું છું.
મુખ્યમંત્રી : આપ કેમ છો ?
દર્દી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, સારવાર ખૂબ સારી ચાલે છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી તાવ નથી. અહીં હોસ્પિટલમાં જમવા તેમજ આરોગ્ય સહિતની સુવિધાઓ સુંદર છે.
મુખ્યમંત્રી : આપ કયા વિસ્તારમાંથી આવો છો ?
દર્દી કુરેશી ઉસ્માન ગની : સાહેબ, મીરઝાપુરથી... મારા ઘરના કોઈ પણ સભ્યને કોરોનાનો ચેપ લાગ્યો નથી... સિવિલના તબીબો નિયમિત મને ચકાસવા પણ આવે છે.
મુખ્યમંત્રી : આપની તબિત કેવી છે બહેન ?
દર્દી સંધ્યાબેન : સાહેબ, પહેલાં કરતાં વધુ સારું છે. હું નવ દિવસથી સારવાર લઈ રહી છું. અહિંયા તમામ વ્યવસ્થા ખૂબ સારી છે. છેલ્લાં કેટલાંક દિવસથી તાવ નથી.
મુખ્યમંત્રી : બહેન, આપ ક્યાંથી આવો છો.
દર્દી સંધ્યાબેન : સાહેબ, મણિનગરથી.. સાહેબ અહિંયા તબિબના સ્વરૂપે અમને ભગવાન મળ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.
મુખ્યમંત્રી : બહેન, આપ જલ્દીથી સાજા થઈ જાઓ તેવી શુભકામનાઓ..
મુખ્યમંત્રી : પ્રભાવતી બેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ.. અને અભિનંદન.. આપ ખૂબ જ સારું કામ કરો છો..
નર્સ પ્રભાવતી બેન : સાહેબ આપનો આભાર.. અમને આપની સાથે વાત કરતાં ગર્વ થાય છે. સાહેબ અમે કોરોનાના દર્દીઓની સામાન્ય દર્દીઓની જેમ જ સારવાર કરીએ છીએ.
મુખ્યમંત્રી : બહેન આપને દર્દીઓની સેવા કરવાનો મોકો મળ્યો છે તો દિલથી સેવા કરજો..
મુખ્યમંત્રી : ડૉ. કાર્તિક આપ પ્રથમ દિવસથી જ ખૂબ સારું કામ કરો છો.. આપ સારવારની સાથે દર્દીઓ સાથે સહાનુભૂતિ પણ રાખો છો તે બદલ તમને શુભેચ્છાઓ..
મુખ્યમંત્રી: કુલદિપભાઈ આપની તબિયત કેવી છે..
દર્દી કુલદિપ મિશ્રા : સાહેબ, શરૂઆતમાં શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. પરંતુ, ડોકટર દ્વારા ખાસ ઈન્જેક્શન આપ્યાં બાદ હવે ખૂબ સારું છે.
સાહેબ આવ્યો ત્યારે જીવવાનો ભરોસો નહોતો.. આજે ઓક્સિજન સિસ્ટમના સહયોગ વિના હરી ફરી શકું છુ અને વાત-ચીત કરી શકું છુ.
મુખ્યમંત્રી: યુસુફભાઈ હવે કેવું છે..
દર્દી યુસુફ માણેક : સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર..
ડૉકટર કાર્તિકભાઈ અને કરણભાઈએ ખૂબ મહેનત કરી મને મોતના મુખમાંથી બચાવ્યો છે.. મને અત્યારસુધીમાં ૭૦-૮૦ બાટલા ચડાવ્યા છે અને ઈન્જેક્શન આપ્યા છે.. હવે હું સંપૂર્ણ હરતો ફરતો થઈ ગયો છું..
સાહેબ, ગુજરાતની સિવિલમાં એક નંબરની સારવાર મળે છે.. દિવસમાં ચાર-ચાર વાર સફાઈ થાય છે.. સાહેબ મારા જેવા ગરીબ માણસને બચાવ્યો તે બદલ આભાર..
સાહેબ, મારી ત્રણ પેઢીમાં મેં પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી છે જે બદલ આપનો આભાર..
મુખ્યમંત્રી : પિનાકીનભાઈ આપની તબિયત કેવી છે..
દર્દી પિનાકીન પટેલ : સાહેબ, ડૉકટરોએ ખૂબ મહેનત કરી છે.. જયારે હું ૧૧ દિવસ પહેલાં સિવિલમાં આવ્યો ત્યારે મને શ્વાસ લેવામાં તકલીફ હતી. કફ અને તાવ પણ હતો. તપાસમાં ન્યૂમોનિયા આવ્યો હતો.
સાહેબ મને ICUમાં દાખલ કરાયો હતો અને મને ૧૦૦ ટકા ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની જરૂર હતી. આજે ૪૦ થી ૬૦ ટકા જેટલો ફરક દેખાઈ રહ્યો છે..
મને લાઈફ સેવિંગ ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું છે.. આપનો ખૂબ ખૂબ આભાર.
મુખ્યમંત્રી : સિવિલમાં દિવસ-રાત કાર્યરત આપ તમામ કોરોના વોરિયર્સને કોરોના દર્દીઓની સેવા બદલ લાખ લાખ અભિનંદન...

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Akila News
Top